BREAKING NEWS

જામનગરના બાલાચડી ખાતે ઝુલેલાલ મંડળ દ્વારા સારા વરસાદની કામના સાથે પરંપરાગત ધાર્મિક યાત્રા સંપન્ન

  • July 13, 2026 05:43 PM 


જામનગરના બાલાચડી ખાતે ઝુલેલાલ મંડળ દ્વારા સારા વરસાદની કામના સાથે પરંપરાગત ધાર્મિક યાત્રા સંપન્ન


50થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા; આરતી, બહેરાણા સાહેબની જ્યોત, અખો, પલ્લવ, પંજડા ભજન અને ભંડારાનો લાભ લીધો


જામનગર: શ્રી ઝુલેલાલ મંડળ, જૂના રેલવે સ્ટેશન સ્થિત શ્રી ઝુલેલાલ મંદિરના ઉપક્રમે રવિવારના રોજ બાલાચડી ખાતે સિંધી સમાજના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ (વરુણદેવ)ને પ્રસન્ન કરવા તથા રાજ્ય અને દેશભરમાં સારા વરસાદની કામના સાથે પરંપરાગત ધાર્મિક યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


સવારે ૮:૦૦ કલાકે શ્રી ઝુલેલાલ મંદિર ખાતેથી બસ મારફતે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રામાં સિંધી સમાજના 50થી વધુ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. બાલાચડી ખાતે પહોંચ્યા બાદ ભગવાન શ્રી ઝુલેલાલનું વૈદિક વિધિ મુજબ વિશેષ પૂજન-અર્ચન, ભવ્ય મહાઆરતી, બહેરાણા સાહેબની પવિત્ર જ્યોત, અખો તથા પલ્લવના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ત્યારબાદ ભક્તિમય વાતાવરણમાં પરંપરાગત પંજડા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ભાવિકોએ ભગવાન શ્રી ઝુલેલાલના ભજન-કીર્તન સાથે ભક્તિનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિર તરફથી તમામ શ્રદ્ધાળુઓ માટે ભંડારા (પ્રસાદ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.


યાત્રા દરમિયાન ભગવાન શ્રી ઝુલેલાલ સમક્ષ રાજ્ય અને દેશભરમાં સારો વરસાદ વરસે, જળાશયો છલોછલ ભરાય, ખેડૂતોના પાકને સમૃદ્ધિ મળે તેમજ સર્વત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.શ્રી ઝુલેલાલ મંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે વરસાદ માટે ભગવાન શ્રી ઝુલેલાલને રીઝવવાની આ પરંપરા વર્ષોથી અવિરત જળવાઈ રહી છે, જે સિંધી સમાજની અતૂટ આસ્થા, સાંસ્કૃતિક વારસા અને સામૂહિક એકતાનું જીવંત પ્રતિક છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News