BREAKING NEWS

જામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલ

  • June 30, 2026 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલ

મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની કાર્યવાહી, વિદ્યાર્થીઓને બહાર કાઢી ક્લાસ બંધ કરાવાયા
​​​​​​​

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરીથી ટ્યુશન કલાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફાયર એનઓસી અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા ત્રણ ટ્યુશન ક્લાસ ઝડપાઈ આવતાં મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય ક્લાસ સીલ કરી દીધા હતા.

ફાયર બ્રિગેડની ટીમે સૌપ્રથમ જૂના દીપક સિનેમા વાળા દીપક શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલા ઓમ ટ્યુશન ક્લાસ અને મોરલ ટ્યુશન ક્લાસ ખાતે તપાસ હાથ ધરી હતી. ચકાસણી દરમિયાન બંને ટ્યુશન ક્લાસમાં કોઈપણ પ્રકારની ફાયર સલામતીની પ્રણાલી ઉપલબ્ધ ન હોવાનું તેમજ જરૂરી ફાયર એનઓસી પણ મેળવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. તે સમયે બંને ક્લાસ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી ક્લાસ ખાલી કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમે બંને ક્લાસ પર સીલ મારી સંચાલકોને નોટિસ ફટકારી હતી.

ત્યારબાદ ફાયર વિભાગની ટીમે રણજિતનગર વિસ્તારમાં પટેલ સમાજ પાસે આવેલા કે.ડી. એકેડમી નામના ટ્યુશન ક્લાસમાં તપાસ કરી હતી. અહીં બીજા માળે ટ્યુશન ક્લાસ ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન અહીં પણ ફાયર સલામતીની કોઈ વ્યવસ્થા ન હોવાનું તેમજ ફાયર એનઓસી મેળવવામાં આવી ન હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓને નીચે ઉતારી ક્લાસ ખાલી કરાવવામાં આવ્યો હતો. બાદમાં મહાનગરપાલિકાએ ક્લાસને સીલ કરી સંચાલકને નોટિસ પાઠવી હતી.

રણજીત નગર વિસ્તારમાં જ આવેલા એક ટ્યુશન ક્લાસમાં તપાસણી દરમિયાન ફાયર એનઓસી મેળવેલી હતી, પરંતુ ફાયર પ્રણાલી વગેરેની પુન: ચકાસણી કરી લેવા અને ફાયરના સાધનો બરાબર કામ કરે છે કે નહીં, તે સંદર્ભમાં ટ્યુશન ક્લાસના સંચાલકને નોટિસ પાઠવી દેવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ફાયર ઓફિસર અનવર ગજ્જણ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ફાયર વિભાગના ફાયર ઓફિસરની ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ ટ્યુશન ક્લાસના સંચાલકોને ફાયર સલામતીના નિયમોનું પાલન કરી જરૂરી ફાયર એનઓસી મેળવ્યા બાદ જ ક્લાસ શરૂ કરવા સૂચના આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application