કોળીયાકમાં હજારો ભાવિકો બન્યા નિષ્કલંક

  • September 15, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રાજવી પરિવારની ધજા ચડાવ્યા બાદ લોકોએ ભાદરવી અમાસના મેળામાં સમુદ્ર સ્નાન કરી,નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી


આજે શુક્રવારે ભાદરવી અમાસ નિમિત્તે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા મેળામાં હજારો ભાવિકો સમુદ્ર સ્નાન કરી અને નિષ્કલંક મહાદેવના દર્શન કરી નિષ્કલંક બન્યા હતા.સમુદ્ર કિનારે ભાવિકોની વહેલી સવારથી જ ભારે ભીડ જામી હતી. તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.


કોળીયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ગઈકાલે ગુરૂવારે સાંજથી યોજાયેલા મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને રાતભર લોકમેળાની મોજ માણી હતી.ત્યારબાદ વહેલી સવારે સમુદ્ર કિનારે સ્નાન કરવા માટે પહોંચી ગયા હતા.


આજે શુક્રવારે સવારે મંગલ મુહૂર્તમાં  વાજતે ગાજતે નિષ્કલંક મહાદેવજીને ધજા ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ નિષ્કલંક મહાદેવના ઓટલા પરથી પાણી ઉતર્યા બાદ પરંપરાગત રીતે લોકમેળાને ભાવિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો . પવિત્ર સમુદ્ર સ્નાન માટે  રજા મળતાની સાથે જ મોડી રાતથી સમુદ્ર તટે આતુરતાથી રાહ જોતા ભાવિકો હ૨ હ૨ મહાદેવના જયઘોષ સાથે સમુદ્ર ભણી દોટ મુકી મધદરિયે બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન, પૂજન કરી નિષ્કલંક બન્યા હતા.


વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત,ફાયર સેવા,આરોગ્ય સેવા,વિજ સેવા,એસ. ટી.સેવા,પેટ્રોલિંગ વગેરેનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.આજના પાવન દિવસે પીપળાના પૂજન માટે પણ શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. સાંજે શહેરના વડવા ચાવડી ગેટ ખાતે ખોડિયાર યુવક મંડળ દ્વારા ભાતીગળ લોકમેળો યોજાશે.તદઉપરાંત શહેરના આખલોલ, સિહોરના બ્રહ્મકુંડ, નાના અને મોટા ગોપનાથ, સિધ્ધનાથ ત્રિવેણી સહિતના અનેક સ્થળોએ પણ ભાતીગળ લોકમેળાની રંગત જામશે. આ સ્થળોએ પરંપરાગત રીતે યોજાનાર મેળામાં ઉત્સવપ્રેમી ભાવિકો મેળાની મોજ માણશે.


પિતૃઓના તર્પણ અને શ્રાધ્ધ માટેની સર્વોત્તમ તિથિ અમાસ હોય પિતૃકાર્યો સંપન્ન કરવા માટે હરિ (વિષ્ણુ)ભગવાનનું શાસ્ત્રોકત રીતે વિધિવિધાનપુર્વક પુજન અર્ચન કરાયુ હતુ. હરિ -હર અને પિતૃઓની ઉપાસનાનો સર્વશ્રેષ્ઠ દિવસ મનાતો ભાદરવી અમાસે તમામ શિવાલયોમાં મહાદેવને ફૂલના વિશિષ્ઠ શણગાર કરાયો હતો.શિવાલયોમાં ભાવિકો ઉમટી પડ્યા હતા.જપ, તપ અને દાન, પુજા માટે પણ આજે સર્વોત્તમ દિવસ હોય ચોતરફ પુણ્યકાર્યો અને

દાનની સરવાણી વહેતી થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application