જામવંથલીમાં ધોધમાર સવા પાંચ ઇંચ : ચારેકોર પાણી-પાણી

  • September 20, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેઘરાજાએ જામવંથલીમાં ગઇકાલે વિજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચ્ે અનરાધાર સવા પાંચ ઇંચ વરસાદ વરસાવતા ચારેકોર પાણી-પાણી થઇ ગયું હતું, વંથલીના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. મોટી ભલસાણ, ફલ્લા, અલીયાબાડામાં ૪, મોટી બાણુંગાર અને જામનગરમાં સાડા ત્રણ, ધ્રોલમાં ૨, કાલાવડ અને ભાણવડમાં એક-એક ઇંચ વરસાદ થયો છે, સાત ડેમ છલકાઇ ગયા છે અને સસોઇ ડેમ છલકાવાની તૈયારીમાં છે ત્યારે દેવભુમી દ્વારકા જીલ્લામાં આજે રેડએલર્ટ હોય વહિવટી તંત્ર એલર્ટ બન્યું છે.



જામવંથલીથી અમારા પ્રતિનિધી જણાવે છે, ગઇકાલે વિજળીના ભારે કડાકા ભડાકા વચ્ચે વ‚ણદેવે શાનદાર બેટીંગ કરી હતી અને સાંજ સુધીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, આજુબાજુના ગામડાઓમાં પણ ભારે વરસાદ થયાના અહેવાલો મળ્યા છે, અત્યાર સુધીમાં જામવંથલીનો કુલ વરસાદ સૌથી વધુ ૧૩૨૫ મીમી થઇ ગયો છે, જામવંથલીમાં ગઇકાલે ભારે વરસાદ થતા આ વિસ્તારના ચેકડેમો છલકાઇ ગયા છે અને કલાકો સુધી વિજળી રાણી ગુલ થઇ ગઇ હતી.



ફલ્લાથી અમારા પ્રતિનિધી જણાવે છે કે ગઇકાલે મુશળધાર વરસાદ વરસતા કંકાવટી ડેમ છલકાઇ ગયો છે અને વધુ ચાર ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૮૨૩ મીમી થયો છે, જયારે મોટી બાણુંગારમાં પણ ચાર ઇંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં બે ફુટ પાણી ભરાયા હતા, અલીયાબાડામાં ગઇકાલે આખો દિવસ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરીને ફરીથી ચાર ઇંચ વરસાદ વરસાવતા મોસમનો કુલ વરસાદ ૯૮૦ મીમી થયો છે.



જામનગરમાં ૨૪ કલાક દરમ્યાન કુલ ૮૨ મીમી વરસાદ થતા અત્યાર સુધીનો કુલ વરસાદ ૧૩૨૦ મીમી થયો છે, આજે સવારે પણ શહેરમાં હળવા ઝાપટા પડયા હતા અને ટકાવારીની દ્રષ્ટીએ ૧૬૯.૨૩ ટકા વરસાદ થયો છે, જોડીયામાં ગઇકાલે ૩૨ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૭૪૯ મીમી થયો છે, જેની ટકાવારી ૧૧૧.૨૯ છે. જોડીયા તાલુકાના ગામડાઓની વાત લઇએ તો હડીયાણામાં ૫૦ મીમી, બાલંભા ૧૦, પીઠડ ૬૫ મીમી વરસાદ પડયો છે.



ધ્રોલ શહેરમાં ગઇકાલે દિવસ દરમ્યાન વધુ બે ઇંચ વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે, આજુબાજુના પંથકમાં બે થી અઢી ઇંચ વરસાદ થયાના અહેવાલો જાણવા મળે છે. મોસમનો કુલ વરસાદ ૮૦૩ મીમી એટલે કે ૧૨૮.૦૭ ટકા નોંધાયો છે. જયારે લતીપુર ૭૨, જાલીયા દેવાણી ૩૩ અને લૈયારામાં ૨૪ મીમી વરસાદ પડયો છે.


કાલાવડની વાત લઇએ તો ગઇકાલે દિવસ દરમ્યાન ૨૮ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૮૬૧ મીમી એટલે કે ૧૨૬.૬ ટકા થયો છે, કાલાવડ તાલુકાના નિકાવામાં ૪૫, ખરેડી ૧૦, મોટાવડાળા ૫, ભલસાણ બેરાજા ૩૮, નવાગામ ૧૫ અને મોટાપાંચ દેવડા ૨૪ મીમી વરસાદ પડયો છે. 
અનુ. પાના નં. ૬ પર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application