૭૨ કલાકથી વરસાદ નથી છતાં ન્યારી-૧ની સપાટી વધી: ઓવરફલોમાં ૧.૯૦ ફૂટનું છેટું

  • July 15, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યારી-૧ ડેમમાં ૦.૨૬ ફૂટ પાણીની આવક થતા સપાટી ૨૩.૧૦ ફૂટે પહોંચી : વરસાદનો એક જોરદાર રાઉન્ડ વરસે કે તુરંત ન્યારી છલકાશે




રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા કાલાવડ રોડ ઉપરના ન્યારી-૧ ડેમના ઉપરવાસમાં પણ ક્યાંય છેલ્લા ૭૨ કલાકથી વરસાદ નહીં હોવા છતાં આ જળાશયની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. કુલ ૨૫.૧૦ ફૂટની ઉંડાઈના ન્યારી-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૨૬ ફૂટ પાણીની આવક થતા આજે સવારે ડેમની સપાટી ૨૩.૧૦ ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં ફક્ત ૧.૯૦ ફૂટનું છેટું રહ્યું છે.



દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકથી ભલે વરસાદ ન હોય પરંતુ ઉપરવાસમાંથી નદી, નાળા અને ચેકડેમના વ્હેણ સતત ચાલુ રહ્યા હોય ડેમમાં ધીમી ધારે સતત નવા નીરની આવક થઇ રહી છે



તદ્દ ઉપરાંત ખૂબ સારો વરસાદ વરસ્યા પછી ભૂસ્તરીય જળની પણ આવક થતી હોય છે જેના લીધે સપાટીમાં વધારો નોંધાઇ શકે છે.ન્યારી-૧ ડેમના કેચમેન્ટ એરિયા શાપર-વેરાવળ, લોધિકા, રાવકી, ખાંભા, વાગુદળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હવે એક વરસાદનો એક જોરદાર રાઉન્ડ વરસે કે તુરંત ન્યારી-૧ ડેમ ઓવરફ્લો થઇ જવાની પુરી શકયતા છે.


વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સવારે આઠ વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાકમાં કુલ સાત જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં (૧) આજી-૩માં ૦.૨૩ ફૂટ (૨) ન્યારી-૧માં ૦.૨૬ ફૂટ, મોરબી જિલ્લામાં (૩) મચ્છુ-૧માં ૦.૩૯ ફૂટ, જામનગર જિલ્લામાં (૪) સસોઇ-૨માં ૦.૬૬ ફૂટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં (૫) વઢવાણ ભોગાવો-૨ (ધોળી ધજા)માં ૦.૧૦ ફૂટ, (૬) વાંસલમાં ૦.૬૬ ફૂટ તેમજ પોરબંદર જિલ્લાના (૭) સોરઠી ડેમમાં અડધો ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application