‘…તો અમે મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખીશું’, આપના ધારાસભ્યની ભારત-પાકિસ્તાનનો મેચ રદ કરવા ચીમકી

  • October 12, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક તરફ સીએમની અધ્યક્ષતામાં તૈયારીઓની બેઠક, બીજી તરફ દેશના જવાનોનો હવાલો આપી વડાપ્રધાનને લખાયો પત્ર



હાલ વિશ્વભરમાં વર્લ્ડ કપ ફીવર ચાલી રહ્યો છે, ભારતના અલગ-અલગ સ્ટેડીયમમાં હાલ સુધીમાં ૯ મેચ રમાઈ ચુકી છે, ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી ૧૪મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ હાઈ પ્રોફાઈલ મેચને લઈને શહેરભરમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવાઈ છે. આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને તૈયારીઓને અનુલક્ષીને એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



ત્યારે મેચ પહેલા જ આમ આદમી પાર્ટીએ વિરોધનો વંટોળ શરૂ કર્યો છે. બોટાદથી આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ મેચને તાત્કાલિક બંધ કરવા માટે માગણી કરી છે અને જરૂર પડશે તો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે.



આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે, “વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ સંબંધ રહ્યા નથી. એવામાં ગુજરાતમાં પાકિસ્તાનની ટીમ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં રહેશે. જે પાકિસ્તાને દેશના હજારો શહીદોનો જીવ લીધા, જેમના કારણે જવાનોનું લોહી રેડાયું છે, તેમાં ગુજરાતના પણ ઘણા લોકોનું છે. એક પણ દિવસ એવો નથી જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા જવાનોનો જીવ ન લીધો હોય. એક પણ દિવસ એવો નહીં હોય જ્યારે પાકિસ્તાની આતંકી ભારતમાં ન ઘુસ્યા હોય. આમ આદમી પાર્ટી ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાની માગણી કરે છે.”


વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, મેચ રદ નહિ કરવામાં આવે તો સ્ટેડિયમની પિચ આમ આદમી પાર્ટી દ્વારા ખોદી નાખવામાં આવશે. પાકિસ્તાન દ્વારા સરહદ પર ભારતના જવાનો પર હુમલાઓ થાય છે એમની સાથે મેચ ન થઇ શકે. એક હાથમાં બેટ અને એક હાથમાં બંધુક ન ચાલે. અમારી મુખ્યમંત્રી સમક્ષ માગણી છે કે ગુજરાતમાં મેચ ન રમવા દેવામાં આવે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application