કેશોદમાં પાલિકા બિલ્ડિંગના રિનોવેશનના બહાને થયેલી પેશકદમી સાથે તંત્રના આંખ આડા કાન

  • December 07, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં પાંચેક સ્થળોએ બહુમાળી બિલ્ડીંગ આવેલ છે જેમાં વાણિજ્ય હેતુ માટે દુકાનો ઓફિસો આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા આ તમામ મિલકત ભાડા કરારથી આપેલ છે ત્યારે તાજેતરમાં જુનાગઢ બહુમાળી બિલ્ડીંગ ધસી પડતાં થયેલી જાનમાલની નુકસાની થતાં કેશોદ નગરપાલિકા સફાળી જાગી હતી અને શહેરમાં પચાસેક મિલ્કત ધારકોને નોટિસ આપી જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગનો ઈમલો ઉતારવા જાણ કરી હતી જેમાં કેશોદ નગરપાલિકા હસ્તકની શરદચોક વિસ્તારમાં આવેલી બે બિલ્ડિંગોનાં ભાડુઆત કબજેદાર દ્વારા સ્વખર્ચે જુનું બાંધકામ દુર કરી નવું બાંધકામ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં કેશોદ નગરપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લેખિતમાં આદેશ કર્યા વગર મૌખિક હયાત બાંધકામ મુજબ કરવા સહમતિ આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીને જવાબદારી સોંપવામાં ન આવતાં દલા તરવાડીની વાર્તા જેવી સ્થિતિ થતાં ભાડુઆત કબજેદાર દ્વારા લાગું પડતી ખુલ્લી  જગ્યા ભેળવી મનફાવે તેમ દબાણ કરી લેતાં કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ નગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી આમ છતાં જવાબદાર સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ કરવામાં આવ્યા બાદ જુનાગઢ જિલ્લા  વિકાસ અધિકારીની અધ્યક્ષતા મળેલા કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને અરજદારને સાથે રાખી સ્થળ રોજકામ કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાને દબાણ થવાની સંભાવના જણાતી હોય ત્રણેક મહિના અગાઉ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલી જે આપવામાં આવી નથી જે બાબતે અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી છે. કેશોદ નગરપાલિકાનાં શરદચોક વિસ્તારમાં આવેલા બહુમાળી બિલ્ડીંગમાં પૌરાણિક કુવો આવેલ હોય ત્યારે કુવામાંથી પીવાનાં પાણીનો ઉપયોગ જુના ગામતળનાં રહીશો કરી શકે તે માટે ચાર ફૂટનો આવવા જવાનો રસ્તો ચારે બાજુ રાખવામાં આવેલ હતો જે તાજેતરમાં લાગું પડતાં કબજેદારો દ્વારા ધારાધોરણ મુજબ કાર્યવાહી કર્યા વગર ભેળવી લીધી છે અને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદ નગરપાલિકાને ઈરાદાપૂર્વક આર્થિક નુકસાન થયું હોય કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ જવાબદાર સામે નગરપાલિકા અધિનિયમ હેઠળ પગલાં ભરવા ઉપલી કચેરીને ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની બિલ્ડિંગોમાં નગર પંચાયતના સમયમાં પોસ્ટ ઓફિસ, આર્યુવેદિક દવાખાનું ઉપરાંત શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ને જ્ઞાતિ મંડળોને પણ જગ્યાઓ ફાળવવામાં આવેલ હતી જે વર્તમાન સમયમાં ખાલી જગ્યાઓ પર બેઠાથાળે કબજો કરવા લાગતાં વળગતા ની નજરમાં છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કાયદેસરની વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application