જય હો પુરૂષોતમના નાદ સાથે બહેનો ભકિતમાં થયા તલ્લીન

  • July 18, 2023 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સમગ્ર હાલારમાં આજ સવારના ૬ વાગ્યાથી પુરૂષોતમ ભગવાનની જય હોના નાદ સાથે મંદિરોમાં ભકિતના ઘોડાપુર ઉમટી પડયા છે, ખાસ કરીને બહેનોએ ભગવાન પુરૂષોતમની આરાધના કરી હતી, શહેરમાં હવાઇચોક, કડીયાવાડ અને પંજાબ બેંકની ગલીમાં આવેલ પરસોતમ ભગવાનના મંદિરમાં બહેનો ઉમટી પડયા છે, ચારધામ પૈકીના ભગવાન દ્વારકાધીશના શરણે અનેક કૃષ્ણભકતો આવ્યા છે, તેઓએ સવારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથુ બાંઘ્યું છે, ગામડાઓમાં ગોરમા બોલ્યા રે તેવા ગીતોનો નાદ સંભળાઇ રહ્યો છે, એટલું જ નહીં બહેનોએ શાસ્ત્રોકત વિધીથી ભગવાનની આરાધના કરી છે, આ આખો મહીનો ઉપવાસ, એકટાણા, ધારણા-પારણા તેમજ મંદિરોમાં મહાઆરતી, સંતવાણી, વિશીષ્ટ શણગાર અને અન્નકુટ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સમગ્ર હાલાર ભકિતના રંગમાં બે મહીના સુધી રંગાઇ જશે. 


ચાર વર્ષ બાદ આવતાં પુરૂષોતમ મહીનાનું ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે, આ મહીનાને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે, ગામડામાં તો નદી કિનારે સ્નાન કરીને બહેનો ગોરમાનું સ્થાપન કરે છે અને તેની શાસ્ત્રોકત વિધીથી પુજા કરે છે, કેટલાક લોકો બપોરે નદી કિનારે અથવા ગામની બહાર ઝાડ નીચે અણગો કરે છે એટલે કે સાથે બેસીને ત્યાં ભોજન કરે છે, પુરૂષોતમ ભગવાનના મંદિરમાં દરરોજ ભગવાનની વિવિધ કથાઓ સંભળાવવામાં આવે છે, આ કથા સાંભળ્યા બાદ બહેનો પીપળા પુજન, ગાય માતાનું પુજન કરે છે અને કેટલાક લોકો દાન-ધર્મ પણ કરે છે. 


ગામડામાં એક મહત્વ એ પણ છે કે, નાનકડી જમીનના ખુણે ખેતર જેવું બનાવીને તેમાં દાણા વાવે છે તેને ખેતર ખેડયું કહેવાય, જે બહેનો ખેતર ખેડે તે ભગવાન પુરૂષોતમને ખુબ જ પ્રિય છે, મહીમાં એવો બધો છે કે, દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન એકવાર તો કરવું જ જોઇએ, સમગ્ર ભારતભરમાંથી અધિક માસમાં બહેનો સ્નાન કરવા ઉમટી પડે છે અને ગઇકાલથી જ અનેક કૃષ્ણભકતો દ્વારકા આવી પહોંચ્યા છે. 


આ વખતે વરસાદ પણ સારો થયો છે, નદી-નાળા પણ છલકાયા છે, ચેકડેમોમાં પણ પાણીની સારી આવક છે તેથી આ વૃત કરનારને ખુબ જ પ્રશંસા થાય છે, પંજાબ બેંકવાળી ગલીમાં આવેલા ભગવાન પુરૂષોતમના મંદિરમાં આજે સવારે ૫ વાગ્યાથી બહેનોની લાઇનો લાગી હતી અને ભગવાનને શીશ નમાવવા માટે જય પુરૂષોતમનો નાદ લગાવ્યો હતો, એવી જ રીતે હવાઇચોકમાં રાજાશાહી વખતમાં બંધાયેલા ભગવાન પુરૂષોતમ મંદિરમાં પણ બહેનો ઉમટી પડયા હતાં.


ગામડામાં આ મહીનાનું વધુ મહત્વ દેખાય છે, બપોર બાદ કોઇના ઘરે અથવા મંદિરે ભજન-કિર્તન પણ કરવામાં આવે છે અને ગોરમાના ગીતો ગાવામાં આવે છે, સવારે પુજા-પાઠ અને કેટલાક મંદિરોમાં સાંજે મહાઆરતી, અન્નકુટ દર્શન, બટુકોને ભોજન સહિતના કાર્યક્મોનું આયોજન કરવામાં આવે છે. રજાના દિવસોમાં ભગવાનને વિવિધ શણગાર પણ કરવામાં આવે છે, આજે સવારથી જ બહેનોએ ઉપવાસ, એકટાણા, ધારણા-પારણા શરૂ કર્યા છે જે આખો મહીનો ચાલશે. 


જામનગર શહેર ઉપરાંત ઓખા, બેટ, સુરજકરાડી, દ્વારકા, ખંભાળીયા, મીઠાપુર, કલ્યાણપુર, ભાટીયા, રાવલ, ફલ્લા, ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના ગામડાઓમાં ભગવાન પુરૂષોતમનો જય જયકાર થઇ રહ્યો છે, ભગવાનને મીઠાઇ સહિતના પ્રસાદ ધરાવવામાં આવી રહ્યા છે, આમ આખો મહીનો ભગવાન પુરૂષોતમની આરાધના કરવામાં આવશે અને બહેનો ભકિતના રંગમાં રંગાઇ જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application