BREAKING NEWS

ખંભાળિયા નગરપાલિકા એ ગ્રેડમાં છતાં ૨૦ વર્ષથી ફુડ ઈન્સ્પેક્ટરની જગ્યા ખાલી

  • June 03, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

ખંભાળિયા નગરપાલિકા એ ગ્રેડમાં છતાં ૨૦ વર્ષથી ફુડ ઈન્સ્પેક્ટરની જગ્યા ખાલી

લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં: વર્ષમાં એકાદ વખત ઇન્ચાર્જ તરીકે જામનગરના અધિકારીઓના આટાફેરા


દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક એવા ખંભાળિયા શહેરમાંથી સ્થાનિક ચૂંટાયેલા રાજકીય નેતાઓની ઘોર નિરસ્તા, આળસ અને નિષ્ક્રિયતાનો વધુ એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. ખંભાળિયા નગરપાલિકા ’એ’ ગ્રેડનો દરજ્જો ધરાવે છે, તેમ છતાં અહીં છેલ્લા ૨૦-૨૦ વર્ષથી ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર જેવી અતિ મહત્વની અને સંવેદનશીલ જગ્યા ખાલી પડી છે. નવાઈની વાત એ છે કે જ્યારે આ નગરપાલિકા ’સી’ ગ્રેડની હતી, ત્યારે અહીં ફૂડ ઈન્સ્પેક્ટરની જગ્યા ભરેલી હતી. પરંતુ પાલિકાનો દરજ્જો વધવા છતાં અધિકારીઓની નિમણૂક કરવામાં નેતાઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. આ ગંભીર બાબતે કોઈ પણ રાજકીય નેતા કે નિવેદનિયા આગેવાનો કંઈ પણ જાણતા ન હોય તેવી આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે.

તાજેતરમાં જ ખંભાળિયા પંથકમાં દૂધ, ઘી વગેરે જેવી ખાદ્યસામગ્રીઓમાં વ્યાપક ભેળસેળ થતી હોવાની આશંકાને પગલે સ્થાનિક ગુના શોધક શાખા  અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જેવી પોલીસની ચુનંદા શાખાઓ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસ સક્રિય દેખાઈ, પરંતુ જેની મુખ્ય જવાબદારી છે તે નગરપાલિકા તંત્ર પાસે તો ન તો કોઈ જરૂરી સ્ટાફ છે કે ન તો પૂરતા માણસો! પાલિકાની આ લાચારીના કારણે ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.

હાલની પરિસ્થિતિ એવી દયનીય છે કે, જ્યારે દિવાળી જેવા મોટા તહેવારો નજીક આવે છે ત્યારે જામનગરથી ઇન્ચાર્જ ફૂડ ઇન્સ્પેક્ટર અહીં માત્ર ઔપચારિક ’આંટો’ મારીને ચાલ્યા જાય છે. આ સિવાય આખા વર્ષ દરમિયાન ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે કોઈ નક્કર કામગીરી થતી જ નથી. જ્યારે અન્ય શહેરોમાં ભેળસેળવાળું દૂધ, ઘી, મસાલા, ઠંડા પીણાં અને કેરીના રસમાં થતી ભેળસેળના મોટા કૌભાંડો પકડાતા રહે છે, ત્યારે જિલ્લાના વડામથક એવા ખંભાળિયામાં વર્ષોથી આવું કશું જ પકડાતું નથી. તંત્રની આ ઘોર બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાના કારણે ભેળસેળ કરનારા તત્વો કોઈ પણ ડર વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ’આરામ’થી ચેડાં કરી રહ્યા છે, જેને પગલે સ્થાનિક જનતામાં ભારે રોષ અને ચર્ચા જાગી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application