BREAKING NEWS

ઘોર કળિયુગ...જુનાગઢમાં ઉછીના પૈસા મેળવવાની તકરારમાં પુત્રના મિત્રએ જ વૃદ્ધાનું ગળું વેતરી નાખ્યું, ચાની રકાબીએ આ રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો

  • May 17, 2026 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ચિત્રકૂટ સોસાયટીમાં ત્રણ દિવસ પૂર્વે સમી સાંજે સિંધી વૃદ્ધાની ગળું કાપી કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી. એલસીબીએ ડ્રોન અને સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમની મદદથી ઊંડાણપૂર્વક હાથ ધરેલી કાર્યવાહીમાં વૃદ્ધાની અંબિકા નગર સોસાયટીમાં રહેતા અને ટિફિન સર્વિસનો વ્યવસાય કરતાં તેના પુત્રના મિત્રએ રૂપિયાની લાલચમાં હત્યા કર્યાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી રિમાન્ડની માંગ અર્થે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.


FSL અને અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ ગિરિરાજ મેઈન રોડ નોબલ સ્કૂલ પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સુનિતાબેન રમેશભાઈ રાયજા (ઉ.વ.૫૯) ૧૨મેના મંગળવારે તેના ઘરે એકલા હતા તે સમયે  સમી સાંજે ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ વૃદ્ધાના પુત્ર દિપકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ માતાની હત્યા કર્યા અંગે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. હત્યાના બનાવ બાદ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના નિદર્શન હેઠળ એલસીબી પીઆઈ પટેલ, બી ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતની ટીમે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત એફએસએલ અને અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 


તકરાર બાદ યુવકે મહિલાની હત્યા નીપજાવી

વૃદ્ધાના મકાનમાં સીસીટીવી ન હોવાથી પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા ફૂટેજ તથા ડ્રોન કેમેરા દ્વારા વિસ્તારના છુપા રસ્તાઓનો મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. અંબિકા નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા વૃદ્ધાના પુત્ર દિપકના  મિત્ર સુરેશ ઉર્ફે કાનો વાધુમલ ચંદનદાસ વાધવાણીની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા તેણે રૂપિયાની લાલચમાં મહિલાની હત્યા કર્યાની કબુલાત કરી હતી. એસ.પી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે ઝડપાયેલ સુરેશ ઉર્ફે કાનોને શેર બજારમાં પોણા ચાર લાખ રૂપિયાનુ નુકસાન થયું હોવાથી સુનિતાબેન પાસે રૂપિયા ઉછીના લેવા ગયો હતો પરંતુ સુનિતાબેને સિક્યુરિટી ડિપોઝિટ પેટે કોઈ વસ્તુ આપવા માંગ કરી હતી, જેને લઇ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને તકરાર બાદ યુવકે મહિલાની હત્યા નીપજાવી હતી.


હત્યારા સુરેશ વાધવાણીની ધરપકડ 

એલસીબીએ હત્યારા સુરેશ વાધવાણીની ધરપકડ કરી છે.સુરેશ હાલ ટિફિન સર્વિસનું કામ કરે છે, બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા હત્યા શેના વડે કરવામાં આવી, કેવી રીતે અંજામ આપ્યો આ ઉપરાંત તેની સાથે કોઈ અન્ય ઈસમો હતા કે કેમ? સહિતના વિવિધ કારણો જાણવા બી ડિવિઝન પોલીસે યુબકના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.


હત્યા કર્યા બાદ અંતિમવિધિનો સામાન પણ લેવા ગયો 

શાતીર મગજ ધરાવતા સુરેશ ઉર્ફે કાનો હત્યા કર્યા બાદ અજાણ જ હોવાનો દેખાવ કર્યો હતો તેમ જ અંતિમવિધિ નો સામાન પણ પોતે જ લેવા ગયો હતો. આ ઉપરાંત હત્યા કર્યા બાદ આસપાસ લોકો એકત્ર થયા તે સમયે પોતે પણ હત્યાના સ્થળે પહોંચી અજાણ હોવાનો દેખાવ કરતો હતો પોલીસની ગતિ વિધિ પર પણ નજર રાખતો હતો.


ચાની રકાબીના આધારે તપાસમાં સરળતા થઈ 

એસપીના જણાવ્યા મુજબ સામાન્ય રીતે વૃદ્ધાના પુત્ર બપોરે તેની માતા સાથે ચા પીને ત્યારબાદ જ દુકાને જતા હોય છે. કામવાળી વાસણ ઉટકીને ચાલી જાય છે. પરંતુ હત્યા થઈ તે દિવસે રસોડાના પ્લેટફોર્મ પર ત્રણ ચાની રકાબી ઉટક્યા વગરની પડી હતી જેથી તે દિવસે માતા પુત્ર ઉપરાંત ત્રીજી વ્યક્તિ પણ હોવાની આશંકા તેજ બની હતી અને તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી, ચાની રકાબીના કારણે ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા મળી હતી.​​​​​​​


વૃદ્ધા વિસી ચલાવતી હોવાનું ખુલ્યું 

પોલીસે ઊંડાણપૂર્વકની કરેલ તપાસમાં વૃદ્ધા નાના પાયે વિસી ચલાવતી હોવાનું ખુલ્યું છે.કોને નાણાં આપતી કેટલું વ્યાજ લેતા હતા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application