સંદેશખાલીનો મુખ્ય આરોપી શાહજહાં શેખ ત્રણ હત્યાનો આરોપી, છતાં ચાર્જશીટમાં નથી કરાયો ઉલ્લેખ !

  • February 29, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૫૫ દિવસથી નાસતો ફરતો ટીએમસી નેતા અને ઝડપાયો 

ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ટીએમસી નેતાની કરાઈ ધરપકડ : આજે કોર્ટમાં રજુ કરાશે : ગતરોજ કોર્ટે સીબીઆઇ અને ઇડી તેની ધરપકડ કરવા માટે આપ્યા હતા આદેશ 



સંદેશખાલી વિવાદનું સસ્પેન્સ સેન્ટર ગણાતા તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની આખરે ધરપકડ થઇ છે. પશ્ચિમ બંગાળ પોલીસે નેતાની રાત્રે ૩ વાગ્યે શાહજહાંની ધરપકડ કરી છે. પોલીસ શાહજહાં શેખને લગભગ ૫૫ દિવસથી શોધી રહી હતી. શાહજહાંની મીનાખાનમાં અજ્ઞાત સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આ નેતા પર આરોપ છે કે તેણે સત્તાનો રોબ જમાવી પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ કર્યું અને તેમની જમીન પચાવી પાડી છે.


શાહજહાં શેખ ઉત્તર ૨૪ પરગણા જિલ્લા પરિષદના મત્સ્ય અને પ્રાણી સંસાધન અધિકારી અને સંદેશખાલીના બ્લોક પ્રમુખ પણ છે. તે મમતા સરકારમાં વન મંત્રી જ્યોતિપ્રિયા મલિકની નજીક છે. મીનાખાન એસડીપીઓ અમીનુલ ઈસ્લામ ખાને જણાવ્યું કે, શાહજહાંને પશ્ચિમ બંગાળ પોલીસે ઉત્તર ૨૪ પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને તેને બસીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે. કોલકાતા હાઈકોર્ટે ગતરોજ નિર્દેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પોલીસ ઉપરાંત સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ શાહજહાં શેખની ધરપકડ કરી શકે છે. શેખ લાંબા સમયથી ફરાર હતો, ત્યારબાદ કોર્ટે નિર્દેશ આપ્યો કે સિબિઆઇ અને ઇડી પણ તેની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.


૫ જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના સંદેશખાલીમાં લગભગ એક હજાર લોકોના ટોળાએ ઇડી અધિકારીઓ પર હુમલો કર્યો હતો. રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં ઇડીની ટીમ શાહજહાં શેખના પરિસરમાં દરોડા પાડવા ગઈ હતી. ઇડીએ કહ્યું કે શાહજહાંના ઘરનું તાળું તોડવામાં આવી રહ્યું હતું ત્યારે ટોળાએ હુમલો કર્યો. આ પહેલા પણ શાહજહાંને ફોન કરવાનો અનેક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આવ્યો નહોતો. જિલ્લાના એસપી સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પણ વાત કરી ન હતી.


આ ઘટના બાદ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર સ્થાનિક લોકોએ જમીન હડપ કરવાનો અને મહિલાઓની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ અંગે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારથી સંદેશખાલી વિસ્તારમાં અશાંતિ છે. ઇડીએ શાહજહાં શેખને સમન્સ જારી કરીને આજે એટલે કે ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. શાહજહાં શેખ સામે એલઓસી ચાલુ છે. સંદેશખાલી ઘટના પર ભાજપ ટીએમસી પર પ્રહારો કરી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, કડક કાર્યવાહી થવી જોઈએ. શાહજહાં શેખને ફાંસીની સજા આપવી જોઈએ… સંદેશખાલી અને સમગ્ર પશ્ચિમ બંગાળના લોકો આ માટે પ્રયત્નશીલ છે.



શાહજહાં શેખ પર ત્રણ હત્યાનો આરોપ છે પરંતુ એફઆઈઆરમાં તેનો ઉલ્લેખ કરાયો નથી. દેવદાસ મંડળનું ૮ જૂન ૨૦૧૯ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પત્નીએ બીજા દિવસે અપહરણ માટે એફઆઈઆર નોંધાવી, બાદમાં એક મૃતદેહના અનેક ટુકડાઓમાં મળી આવે છે. ડીએનએ પ્રોફાઇલિંગ દર્શાવે છે કે આ લાશ દેવદાસ મંડળની છે. આ કેસમાં ૧ નવેમ્બરના આરોપી શેખ શાહજહાં અને તેના સાગરિતો છે. પરંતુ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં શેખ શાહજહાંને આરોપી બનાવવામાં આવ્યો નહી અને જેમના નામ એફઆઈઆરમાં ન હતા તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application