વધતું જતું સેક્સટોર્શનનું માયાજાળ, એક વર્ષમાં 26 હજાર ગુજરાતીઓ બન્યા સાઈબર ક્રાઈમનો ભોગ

  • April 17, 2023 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્સ્ટાગ્રામના 4,319 એકાઉન્ટ, ફેસબુકના 2,271, નકલી લોન એપ્લિકેશન્સ 242 અને 33 WhatsApp ગ્રુપ ઉપરાંત 120 વેબસાઈટ સામે સાઈબર ક્રાઈમ વિભાગની કાર્યવાહી 


થોડા સમય પહેલા હની ટ્રેપના કિસ્સા સાંભળવા મળતા હતા, પણ હવે બદલાતી દુનિયા સાથે ટેકનોલોજી પણ અપગ્રેડ થઇ છે અને સાઈબર ક્રાઈમ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હવે દરેક હાથમાં મોબાઇલ અને ઇન્ટરનેટ છે, તેથી સાયબર ઠગ મોટા પાયે ગુનાહિત પ્રવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. સેક્સટોર્શનમાં ભારત વિશ્વના ટોપ 10 દેશોમાં સામેલ છે.


આજકાલ સાયબર ઠગ લોકો જાતીય બ્લેકમેઇલિંગ એટલે કે સેક્સટોર્શન દ્વારા છેડતી કરી રહ્યા છે. વેબકેમ, મોબાઈલ કે વિડિયો કોલ દ્વારા કોઈની સેક્સ એક્ટિવિટી કે નગ્ન તસવીરોનું રેકોર્ડિંગ અને તેના દ્વારા બ્લેકમેઈલિંગને સેક્સટોર્શન કહેવામાં આવે છે. હવે ભારતમાં પણ તેના કેસ વધી રહ્યા છે. શાળા-કોલેજમાં ભણતા યુવાનો, ઉદ્યોગપતિઓ, રાજકારણ સાથે જોડાયેલા લોકો સામાન્ય રીતે આ રેકેટનો શિકાર બને છે.


વલસાડમાં જાન્યુઆરી મહિનાના એક કિસ્સા મુજબ, રેલવે સ્ટેશન પર 21 વર્ષની માસૂમ સેક્સટોર્શન પીડિતાએ ટ્રેનની સામે કૂદવાનું નક્કી કર્યું, પણ આ પહેલા તેણીએ સાયબર હેલ્પલાઇન 1930 ડાયલ કર્યા અને કહ્યું, "માફ કરશો સર, મેં મારા માતા-પિતાને નિરાશ કર્યા છે, પરંતુ તે મારી ભૂલ નથી. કેટલાક પુરુષો અને મહિલા મને ફોન કર્યો હવે તેઓ 30,000 રૂપિયાની માંગણી કરી રહ્યા છે અને યુટ્યુબ પર મારી વિડિયો ક્લિપ અપલોડ કરવાની ધમકી આપી રહ્યા છે.” રાજ્ય સાયબર સેલ સીઆઈડી ક્રાઈમની એક ટીમે કૉલેજની આ વિદ્યાર્થીની સાથે સતત 5 કલાક સુધી સંપર્કમાં રહી તેણીને સમજાવી હતી.

 

સબ-ઇન્સ્પેક્ટર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમારા કાઉન્સેલર, કોન્સ્ટેબલ પ્રગ્નેશ પરમારે તેણીને ખાતરી આપી હતી કે આ બધું સેક્સટોર્શન રેકેટનો ભાગ છે અને ગુનેગારો પાસે તેની ક્લિપ વાયરલ કરવાનો કોઈ માધ્યમ નથી. સ્થાનિક પોલીસે તેને સમયસર બચાવવામાં સફળતા મેળવી. "
​​​​​​​

ગયા વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર સેલને સાયબર આ પ્રકારની ધમકીની નોંધાયેલી 26,658 ફરિયાદોમાંથી આ કેસ એક હતો. એન્ટી સાયબર બુલિંગ હેલ્પલાઈનનો હવાલો સંભાળતા પોલીસ અધિકારીઓએ અત્યાર સુધીમાં 15,129 પીડિતોને સાયબર ધમકીઓથી ડર્યા વગર ફરિયાદ નોંધાવવા માટે સમજાવવામાં આવ્યા છે. આ ફરિયાદોમાં નકલી લોન એપ ઓપરેટરો દ્વારા હેરાનગતિ, સાયબર સ્ટૉકિંગ, પરિચિતો અને સંબંધીઓ દ્વારા સાયબર બ્લેકમેલિંગ, બદનક્ષીની ધમકીઓ અને નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ બનાવવાનો સમાવેશ થાય છે. સીઆઈડીએ સોશિયલ મીડિયામાંથી 7,038 એકાઉન્ટ દૂર કરવાની કંપનીને ભલામણ કરી હતી.


સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે,  "એક વર્ષથી ઓછા સમયમાં, અમે ઇન્સ્ટાગ્રામના 4,319 એકાઉન્ટ, ફેસબુકના 2,271, 242 નકલી લોન એપ્લિકેશન્સ અને 33 WhatsApp ગ્રુપ, 30 YouTube એકાઉન્ટ્સ, 14 સ્નેપચેટ એકાઉન્ટ્સ અને 120 અન્ય વેબસાઇટ્સને પ્રતિબંધિત કર્યા છે જેનો ઉપયોગ સાયબર ધમકી માટે કરવામાં આવ્યો હતો."


ગુજરાત સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી સાયબરસેલ બીએમ ટાંકે જણાવ્યું હતું કે, "સાયબર ક્રિમિનલ્સ પોતાની ઓળખ છુપાવીને ઈન્ટરનેટ પર કોઈને પણ સરળતાથી નિશાન બનાવી શકે છે. 2,484 સિમ કાર્ડ, જેનો ઉપયોગ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પીડિતોને હેરાન કરવા માટે કરવામાં આવ્યો હતો, તે ગુજરાત CID ક્રાઈમ બ્રાન્ચની ભલામણને પગલે બ્લોક કરવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત સીઆઈડી ક્રાઈમ માટે વધતી જતી ચિંતા એ મોબાઈલ આધારિત એપ્સથી લોન લીધા પછી નાગરિકોને થતી હેરાનગતિ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ઘાટલોડિયા વિસ્તારની એક મહિલાએ આવી જ એક એપમાંથી 5,000 રૂપિયાની લોન લીધા પછી લગભગ આત્મહત્યા કરવા સુધીની ફરજ પડી હતી. તેણે પરિવારમાં કોઈને લોન વિશે જણાવ્યું ન હતું. સાયબર ગુનેગારો તેણીને સતત ફોન કરતા હતા. પણ સાઈબર વિભાગની ટીમે તેમને સમજાવી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application