મહારાષ્ટ્રમાં એક ગામ અનોખા લગ્નનું સાક્ષી બન્યું જ્યાં રિટર્ન ગિફ્ટ તરીકે રૂ.33.6 કરોડનો અકસ્માત વીમો આપવામાં આવ્યો હતો. મરાઠવાડા ક્ષેત્રમાં નાંદેડથી લગભગ 55 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત કંધાર તાલુકાના બહાદુરપુરા ગામમાં, લગ્ન પ્રસંગ સામાજિક સુરક્ષા પહેલમાં ફેરવાઈ ગઈ છે. વરરાજા, સિદ્ધેશ્વર પેઠકર અને તેમના પરિવારે ગામના તમામ 3,465 રહેવાસીઓને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો ભેટમાં આપ્યો હતો. આ એક એવું ગામ છે જ્યાં સાપ કરડવાથી, વીજળી પડવાથી અને ખેતી સંબંધિત અકસ્માતો ઘણીવાર પરિવારોને વીમા વિના છોડી દે છે.
પેઠકર પરિવારે ગામની મતદાર યાદી વીમા કંપનીને સબમિટ કર્યા પછી સ્થાનિક ગ્રામ પંચાયતના નામે 'ગ્રુપ અકસ્માત પોલિસી' ખરીદી છે. આનાથી ખાતરી થઈ કે દરેક પાત્ર રહેવાસી કોઈપણ ભેદભાવ કે કાગળની મુશ્કેલી વિના આ સુરક્ષા કવર દ્વારા આવરી લેવામાં આવે છે. આ પોલિસી એક વર્ષ માટે માન્ય રહેશે અને રિન્યુઅલની ચર્ચા પછીથી થવાની અપેક્ષા છે.
સિદ્ધેશ્વરે કહ્યું, આપણી સંસ્કૃતિમાં દાન વિશે કોઈ દેખાડો નથી. અમારે સન્માન નથી જોઈતું. ફક્ત આશીર્વાદ પૂરતા છે. વરરાજાના મોટા ભાઈ અનૂપ પેઠકરે કહ્યું, અમારી ખુશી અમારા ઘરની સીમાઓથી આગળ વધવી જોઈતી હતી. નાંદેડની આસપાસના ગામડાઓમાં અકસ્માત મૃત્યુ ખૂબ જ સામાન્ય છે. અમે ઇચ્છતા હતા કે આ લગ્ન ફક્ત યાદો જ નહીં પણ સલામતી પણ છોડી જાય. આ ઉમદા કાર્યના સમાચાર લગ્નના સંગીત કરતાં પણ વધુ ઝડપથી તાલુકામાં ફેલાઈ ગયા અને 4,500 મહેમાનો દ્વારા હાજરી આપેલ આ ભવ્ય લગ્ન સમારોહ લોકો માટે સામૂહિક વિશ્વાસનું પ્રતીક બની ગયો હતો.
સરપંચ બલિરામ પેઠકરે આ ઘટનાને કદાચ પ્રદેશ માટે એક અનોખી ઘટના ગણાવી હતી. તેમણે ઉમેર્યું, લગ્નમાં લોકો મીઠાઈઓ અને સ્મૃતિચિહ્નોની આપ-લે કરે છે. અહીં એક પરિવાર સુરક્ષા પૂરી પાડે છે. ગામના રહેવાસી મોહન શેકાપુરેએ કહ્યું, એવું લાગ્યું કે જાણે આખા ગામને શુભ શુકન તરીકે રક્ષણાત્મક કવચ મળ્યું હોય. અહીં કોઈએ આટલી લગ્ન ભેટ પહેલાં ક્યારેય જોઈ નહોતી.