અમરેલી જિલ્લામાં માનવતાને લજવતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. રાજુલા તાલુકાના નિંગાળા ગામ પાસે નેશનલ હાઈવે પર પ્રેમસંબંધના મનદુઃખમાં એક પરિણીત યુવકનું જાહેરમાં અપહરણ કરી, તેને 30 કિલોમીટર સુધી કારમાં ફેરવી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હિંસક હુમલામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા તેના માતાને પણ આરોપીઓએ કાર નીચે કચડીને રહેંસી નાખ્યા હતા.
મળતી વિગત મુજબ, નિંગાળાના રહેવાસી ભાવેશ ભીલને તેની પત્નીની માસીની દીકરી સાથે પ્રેમસંબંધ હતો, જે યુવતીના પરિવારજનોને મંજૂર નહોતો. આ અદાવતમાં યુવતીના પરિવારના સભ્યોએ પૂર્વ આયોજનબદ્ધ રીતે હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. જ્યારે ભાવેશ અને તેના માતા જીતુબેન હાઈવે પર ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક આરોપીઓએ તેમને આંતરીને હુમલો કર્યો હતો. પુત્ર ભાવેશનું અપહરણ થતું અટકાવવા વચ્ચે પડેલા માતા જીતુબેન પર આરોપીઓએ ક્રૂરતાપૂર્વક કાર ચડાવી દીધી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને લીધે મોત નીપજ્યું હતું.
બીજી તરફ, આરોપીઓ ભાવેશને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. નિંગાળાના ખારા વિસ્તારથી લઈને ભાવનગરના મહુવા સુધીના આશરે 30 કિલોમીટરના રસ્તે ચાલુ કારમાં ભાવેશને પટ્ટા અને પાઇપ વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ તેને મહુવા સ્થિત તેમના ઘરે લઈ જઈને પણ અમાનવીય ટોર્ચર કર્યું હતું. આ ઘટનાની જાણ થતા સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મહુવા પહોંચી ભાવેશને મુક્ત કરાવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ ચકચારી કેસમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં કુલ 9 લોકો સામે હત્યા, અપહરણ અને રાયોટિંગની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની યાદીમાં યોગેશ મકવાણા, રોહિત મકવાણા, મહેશ સોલંકી, હિતેશ મકવાણા, બટુક મકવાણા, કમલેશ અને ત્રણ મહિલાઓ - જ્યોતિબેન, કાજલબેન અને જાનુબેન મકવાણાનો સમાવેશ થાય છે. ઇન્ચાર્જ DYSP વિરલ ચંદનના જણાવ્યા અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલી ત્રણેય મહિલા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પીઆઈ વિજયસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર જાહેરમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.