વૃદ્ધાશ્રમના વડીલોને દિલ્હી-હરીદ્વારની કરાવાશે હવાઈ યાત્રા

  • March 17, 2023 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વૃદ્ધો માટે કેવી-કેવી સવલતો આપવામાં આવે છે તેનું ઉદાહરણ તપોવન ફાઉન્ડેશન સંચાલિત માતુશ્રી ઈચ્છા ગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામના સંચાલકો દ્વારા પૂરું પડાયું છે. અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વૃદ્ધાશ્રમના વડીલોને સંચાલકો દ્વારા હવાઈ યાત્રા કરાવવામાં આવી નથી ત્યારે અશકત વૃદ્ધોને ટ્રેનમાં કોઈ તકલીફ ન પડે તેના માટે રાજકોટથી દિલ્હી સુધી આવવા-જવા માટે વિમાનમાં લઈ જવાશે ૧૯ વૃદ્ધો અને પાંચ વૃદ્ધાશ્રમના કર્મચારીઓને દિલ્હીથી એસી બસ દ્વારા અક્ષરધામ, ગોકુળ, મથુરા, અને વૃંદાવનના દર્શન કરાવાશે તેમ સંસ્થાના ધરોહર રાજેનભાઈ જાની અને ટ્રસ્ટી પરેશભાઈ જાનીએ જણાવ્યું હતું.


તપોવન ફાઉન્ડેશન દ્વારા વિજરખી ખાતે છેલ્લા પાંચેક વર્ષથી ઉદાહરણીય અત્યાધુનિક વડીલ વાત્સલ્યધામ ચલાવવામાં આવે છે. આ વડીલ વાત્સલ્યધામ માં નિ:સંતાન અને દીકરીના માતપિતાને કષ્ટદાયક એકાંતમાંથી બહારલાવી પારિવારિક હૂંફ મળી રહે તે રીતે પરિવારના સભ્યની જેમ રાખવામાં આવે છે. પવિત્ર પ્રેમાળ અને ધાર્મિક વાતાવરણમાં જીવનના પાછલા વર્ષો ખુબજ સાત્વિક અને તાત્વિક વાતાવરણમાં પસાર કરે છે.


વડીલ વાત્સલ્યધામ ના વડીલોને સમયાંતરે ધાર્મિક યાત્રાઓ પણ કરાવવામાં આવે છે સાથે સાથે જોવા લાયક અન્ય સ્થળોએ પણ ફરવા માટે લઇ જવામાં આવે છે. સૌરાષ્ટ્રના ધાર્મિક અને જોવા લાયક સ્થળોએ વડીલોને ખુબજ સંભાળપૂર્વક સંસ્થાની બસ દ્વારા યાત્રા કરાવવામાં આવેલ છે. વડીલો સાથેના સહવાસ અને સંવાદથી તપોવન ફાઉન્ડેશન ના ટ્રસ્ટીઓ ને ઘ્યાનમાં આવેલ કે તમામ વડીલોના મનમાં હરિદ્વાર ની જાત્રા થાય તેવો એક આંતરિક ભાવ હતો જેથી વડીલ વાત્સલ્યધામમાં નિવાસી આ તમામ વડીલોને પોતાના સ્વજનની જેમ સારસંભાળ સાથે મુસાફરી કરાવી લઇ જવા તેવો નિર્ણય સંસ્થાના ફાઉન્ડર રાજેનભાઈ જાની, ટ્રસ્ટી વસુબેન ત્રિવેદી તથા પરેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યો. લગભગ ૭૦ થી ૮૦ વર્ષની ઉંમરના ખુબ દૂર એવા ધર્મસ્થાનોએ તેમની શારરિક અશક્તિને કારણે જઈ ન શકે જેથી સંસ્થામાં રહેતા વડીલોને દિલ્હી ખાતેના અક્ષરધામ, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવન જેવા સ્થળોએ હવાઇયાત્રા કરાવી અને સુવિધાપૂર્વક ની વ્યવસ્થા સાથે લઇ જવાનો સંવેંદનાપૂર્વક નો નિર્ણય કરવામાં આવ્યો છે.  


આ હવાઇયાત્રાના વિચારની વડીલો સાથે ચર્ચા કરતા હવાઈ યાત્રાનું સ્વપ્ન સાકાર થતું જોઈને તમામ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી અને ઉત્સાહભેર યાત્રામાં જોડાવા તૈયારી દર્શાવી હતી. આ યાત્રામાં વડીલોની સારસંભાળ રાખવા માટે જરૂરી સ્ટાફની પણ જરુરીયાત ને નજરમાં રાખી તપોવન ફાઉન્ડેશનની શરુવાતથી સંસ્થામાં જ કામ કરતા સ્ટાફને પણ પરિવાર ના ગણી તેમને પણ હવાઈ યાત્રા સાથે તીર્થયાત્રામાં સાથે જ લઇ જવાનો નિર્ણય કરવામાં આવતા વડીલો તથા સ્ટાફમાં રાજીપો જોઈ આનંદની અનુભતી થઇ. આ યાત્રા પ્રવાસમાં ફાઉન્ડર શ્રી રાજેનભાઈ જાની, વડીલો તેમજ સ્ટાફ સાથે તારીખ ૨૧-૦૩-૨૩ ના રોજ રાજકોટ થી દિલ્હીની ફ્લાઈટમાં રવાના થશે. 


વડીલોને દિલ્હી એરપોર્ટથી જ સુવિધાપૂર્ણ એરકંડીશન બસમાં દિલ્હી દર્શન,અક્ષરધામના દર્શન કરી હરિદ્વાર લઇ જવામાં આવશે. હરિદ્વાર ઋષિકેશ ના યાત્રા સ્થાનોના દર્શન કરાવી તમામ વડીલોને ગોકુલ, મથુરા અને વૃંદાવનના દર્શન કરાવવામાં આવશે ત્યારબાદ ફરી દિલ્હીથી રાજકોટ ખાતે ફ્લાઈટમાં તારીખ ૨૭-૦૩-૨૩ ના રોજ વડીલો વડીલ વાત્સલ્યધામ માં પરત આવશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application