BREAKING NEWS

હાલારમાં આજ સાંજથી પ્રચારના ભૂંગળા શાંત, ૬૭૦ મતદાન મથક સંવેદનશીલ

  • April 24, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં આજ સાંજથી પ્રચારના ભૂંગળા શાંત, ૬૭૦ મતદાન મથક સંવેદનશીલ


સ્થાનિક સ્વરાજયની મહાપાલીકા, ન.પા., જિ.પં. અને તા.પંચાયતોની ચૂંટણીમાં આજે સાંજે ૬ વાગ્યા બાદ ઉમેદવારો ફકત ડોર-ટુ-ડોર સંપર્ક કરી શકશે


જામનગર જિલ્લામાં ૧૧૬૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૪૮૬ મતદાન મથક: મતદારોને રીઝવવા રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી એડી ચૌટીનું જોર લગાવશે


હાલારમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં આજે સાંજથી પ્રચારના ભૂંગળા બંધ થશે. મહાનગરપાલીકા, નગરપાલીકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આજે સાંજે ૬ વાગ્યા બાદ ઉમેદવારો ફકત ડોર-ટુ-ડોર સંપર્ક કરી શકશે. જામનગર જિલ્લામાં કુલ ૧૧૬૮ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૮૬ મતદાન મથકો છે. મતદાનને આડે હવે ફકત કાલનો એક દિવસ બાકી હોય રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા છેલ્લી ઘડી સુધી એડી ચૌટીનું જોર લગાવામાં આવશે. બંને જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. 


જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની મહાનગરપાલીકા, નગરપાલીકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર  પૂરજોશમાં ચાલી રહ્યો છે. પરંતુ ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દીવસ છે. કારણ કે, નિયમ અનુસાર આજે સાંજે ૬ વાગ્યાથી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જાહેર પ્રચારના પડઘમ એટલે કે ભૂંગળા બંધ થશે. એટલે કે ઉમેદવારો કે રાજકીય પક્ષો કોઇ સભા-સરઘસ કરી શકશે નહીં. ઉમેદવારો ફકત ડોર-ટુ-ડોર સંપર્ક કરી શકશે. મતદાનને આડે હવે એક દીવસ બાકી હોય રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા છેલ્લી ઘડી સુધી એડી ચૌટીનું જોર લગાવામાં આવશે. આટલું જ નહીં આજ અને કાલે રાત્રીના તોડજોડની રાજનીતિ અને મતદાન માટેની સોગઠાબાજીનો ધમધમાટ ચાલશે. બીજી બાજુ ચૂંટણી પ્રક્રીયા અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. 


હાલારના બંને જિલ્લામાં તંત્ર દ્વારા મતદાન મથકોના સ્થળ પર ૧૦૦ ટકા ચકાસણી પૂર્ણ કરાઇ છે. આટલું જ નહીં ઇવીએમ મશીન મેળવવા, વિતરણ કરવા માટે રીસીવીંગ,ડીસ્પેચીંગ સેન્ટર તથા તા.૨૮ના થનારી મતગણતરી માટે કાઉન્ટીંગ સેન્ટર પણ સુનિશ્ર્ચિત કરાયા છે. તદઉપરાંત બંને જિલ્લામાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર ડ્રોનથી ખાસ નજર રાખવામાં આવશે.


જામનગર જિલ્લામાં મહાનગરપાલીકા, જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલીકાની ચૂંટણીમાં કુલ ૧૧૬૮ મતદાન મથક છે. જે પૈકી ૪૬૪ સંવેદનશીલ અને ૩૯ અતિસંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૮૬ મતદાન મથકમાંથી કુલ ૧૬૫ મતદાન મથક સંવેદનશીલ અને બે અતિ સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવામાં આવ્યા છે. 


અત્રે નોંધનીય છે કે, પાલીકાઓની ચૂંટણીમાં ચાર મત આપવાના હોય ઇવીએમમાં ચાર મત આપી પાંચમું રજીસ્ટ્રેશન(મતદાન નોંધણી)નું બટન ફરજીયાતપણે દબાવવાનું રહેશે. જયારે ગ્રામીણ ક્ષેત્રે તાલુકા અને જિલ્લા પંચાયતના બંને જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે એક મતદાન કેન્દ્વમાં બે અલગ-અલગ બુથ(મતદાન કુટીર)માં જઇને મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણી પ્રક્રીયા અને મતદાન શાંતિપૂર્ણ મહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસની ચુસ્ત બંદોબસ્ત દરેક મતદાન મથકો અને શહેર-જિલ્લામાં મતદાનના દીવસે રાખવામાં આવશે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application