જામનગરમાં ધ બર્નીંગ બ્રિજ

  • March 17, 2023 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડેશ્વર ઓવરબ્રિજની નીચે  એકાએક શોર્ટ સર્કિટના કારણે મોડી રાતે આગ ભભૂકી ઉઠતાં તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી, આગના લપકારા દેખાતાં લોકો પણ ભયભીત થઈ ગયાં હતાં. સ્લોબમાં વચ્ચે એકાએક આગ આગ લાગતાં આ વિસ્તારના નગરસેવક પણ દોડી આવ્યા હતાં, આ બ્રીજ પરથી પેટ્રોલ ડિઝલના વાહનો સહિતના વાહનો પસાર થાય છે ત્યારે જો વધુ આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાત, બ્રીજ નીચે પડેલાં ટાયરો પણ સળગ્યા હતાં અને આમ પણ મોટી દુર્ઘટના ટળી હતી.


આગ ઓવરબ્રિજની વચ્ચેના સ્લોપમાંથી પુલના ઉપરના ભાગમાં દેખાતાં ભારે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. આગના બનાવને લઈને વીજ તંત્ર પણ દોડતું થયું હતું, પરંતુ વીજ વાયરને નુકસાન ન હોવાથી હાશકારો થયો હતો. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યુ હતું કે શોટ સરકીટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે.





આગની લપેટો ઓવરબ્રિજની વચ્ચેના સ્લોપમાંથી થઈને ઉપર સુધી દેખાતી હતી, જેથી ઉપરથી પસાર થનારા વાહનચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલા એડવોકેટ હારુન પલેજા કે જેમણે તુરંત જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી, સાથો સાથ વીજતંત્રને પણ જાણ કરવામાં આવી હતી.


ઓવરબ્રિજ ના સ્લોપની નીચે જે સ્થળે બ્રિજ શરૂ થાય છે, ત્યાંથી ઉપર તરફ લોડબેરિંગ સિસ્ટમ મુજબ વચ્ચે ગેપ રાખ્યો હતો, જે ગેપની અંદરથી ફ્લેમ ઉપર સુધી દેખાતી હતી. એવા બે ગેપમાં આગની લબકારાઓ દેખાઇ હોવાથી બ્રિજની નીચેના ઈલેક્ટ્રીક વાયરો વગેરે સળગ્યા હોવાનું અનુમાન કરાયું હતું. પરંતુ સદભાગ્ય વિજ તંત્રને કોઈ નુકસાની અથવા તો કેબલ સળગ્યા ન હતા. ફાયર બ્રિગેડે પણ સમયસર આગ કાબુમાં લઈ લીધી હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.


ફાયર બ્રિગેડના અધિકારીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શોટ સરકીટને કારણે તેમજ બ્રીજની નીચે ટાયર સળગ્યા હોય, આ આગ લાગ્યાનું અનુમાન છે, ફોન આવ્યે તરત જ ફાયરનો સ્ટાફ દોડી ગયો હતો અને આગને બુઝાવી હતી, આ વિસ્તારના અન્ય કાર્યકરો દોડી ગયા હતા, જયારે ડીએમસી ભાવેશ જાનીએ જણાવ્યુ હતું કે ઓવરબ્રીજ નીચે અવાર નવાર કેટલાક અસામાજીક તત્વો ટાયર સળગાવે છે અને અસામાજીક પ્રવૃતઓ પણ કરે છે, ગઇકાલે પણ કેટલાક ટાયરો સળગાવાયા હતા.


આ આગ કેવી રીતે લાગી? તેનું રહસ્ય સમજાતું નથી. જો ટાયર સળગ્યા હોય તો આગની જવાળા ઊંચે સુધી કેવી રીતે પહોંચે? ત્યારે ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે અને સમયસર બૂઝાવી લેવાઈ છે. લોકોએ એવી પણ દહેશત વ્યકત કરી હતી કે આ પુલ પરથી પેટ્રોલના ટાંકા તેમજ અન્ય જવલનશીલ વાહનો પસાર થાય છે જો વાહન મોટી થઈ હોત તો કે અન્ય વાહનમાં આગ લાગી ગઈ હોત તો શું થાત? તે વિચાર કરતાં જ ભયનું લખલખું પસાર થઈ જાય છે. આમ બેડેશ્ર્વરના બ્રીજ પર લાગેલી આગ અંગે પૂરતી તપાસ પણ જરૂરી છે.


આ આગ લાગતાં જ આજુબાજુના વિસ્તારના લોકો દોડી આવ્યા હતાં અને બૉટલથી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ દરમિયાન જામનગરનું નંબર વન સાંધ્ય દૈનિક ‘આજકાલ’ દ્વારા બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવ્યા બાદ થોડી જ મિનિટોમાં ફાયર બ્રીગેડની ટીમ આવી પહોંચી હતી, મીડિયાવાળા પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતાં, ફાયરે આગને કાબૂમાં લીધી હતી અને મીડિયાને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, બ્રીજ ઉપર આપેલી લાઈટોના કનેકશન સ્લેબમાંથી પસાર થતાં હોવાથી શોર્ટ સર્કિટના કારણે કદાચ આગ લાગી છે. જો કે, એવું પણ કહેવાય છે કે, પુલની નીચે ટાયર સળગાવવામાં આવ્યા હોવાથી આગ લાગી હતી. જો કે, આ વાત ગળે ઊતરે એવી નથી. કારણ કે, પુલની ઊંચાઈ ઘણી છે અને ટાયરની આગ ત્યાં સુધી પહોંચે એવા કોઈ સંજોગો નહીં હોવાથી આગની આ ઘટના અંગે જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ કારણ કે, અહીંથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે. માટે, આ મુદ્દો સંવેદનશીલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application