ભાવનગર જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસતાક પર્વની તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

  • January 26, 2023 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ત્રિરંગાને સલામી આપી


ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક દિનની આઇ.ટી.આઇ., તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી.


આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી તેમની દેશભક્તિને વંદન કરી મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે જેમણે પોતાનું પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે એવાં દેશભક્તોને આજ વંદન કરવાનો અવસર છે. 


આવાં દેશભક્તોના બલિદાન થકી જ આજે આપણે આઝાદીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યાં છીએ. દેશની આઝાદી થી લઈ દેશમાં સુરાજ્ય સ્થપાય તે માટે કરેલાં તેમના કાર્યો ચિરકાળ સુધી સદાય જનમાનસમાં જીવંત રહેશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવાં માટે કરેલાં પ્રયત્નોની સરાહના કરી તેમણે વિવિધ વિભાગોના કર્મયોગીઓનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું.  


સાંસ્કૃતિક કાર્યક્રમ ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર, ગર્લ્સ સ્કૂલ તળાજા, મોડેલ  સ્કૂલ તળાજા, જયજનની વિધ્યાસંકૂલ બપાડા, દંગાપરા પ્રા. શાળા ઘોઘા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.મંત્રીએ તળાજા તાલુકાનાં વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત મંત્રી અને મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું.


ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન, એન.સી.સી. કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી. આ પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડન્ટશ્રી એચ.ડી.સોઢા અને ટુ.આઈ.સી. પરેડ કમાન્ડન્ટ એન. એચ. રાઠોડ એ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતુલભાઈ રાવલે કર્યુ હતું. 


આ કાર્યક્રમમાં તળાજાનાં ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાદેશિક મ્યુનિસિપાલિટી કમિશનર અજય દહિંયા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, આમંત્રિત મહેમાનો, પદાધિકારીઓ-અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application