સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં 38 થી 39 ડીગ્રીની રેન્જમાં તાપમાન

  • February 18, 2023 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોડા દિવસ માટે ગરમી સ્થિર થઈ જશે: લઘુતમ તાપમાનનું પ્રમાણ ઘટશે: રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીને દ્વારકામાં 13 ડિગ્રી ઓછી ગરમી


ભુજમાં 40 ડિગ્રી અને રાજકોટમાં 40 ડિગ્રી લગોલગ મહત્તમ તાપમાનનો પારો પહોંચી ગયા બાદ તેમાં ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નીચે આવી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થશે અને મહત્તમ તાપમાન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં 38 થી 39 ડિગ્રીની રેન્જમાં રહેશે. ગરમીમાં ખાસ કોઈ રાહત નહીં મળે પરંતુ તાપમાનમાં થઈ રહેલા વધારાને બ્રેક લાગશે.



પૂર્વના રાજ્યમાં વાતાવરણ બદલાયું છે અને તેની અસર પશ્ચિમના રાજ્યોમાં જોવા મળી રહી છે. હિમાલયનમાં રિજીયનમાં સર્જાયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કશ્મીર લદાખ માં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આગામી તારીખ 20 સુધી આ વિસ્તારમાં વરસાદ થશે. જ્યારે બીજી બાજુ અરુણાચલ, અંદામાનમાં પણ વરસાદ પડી રહ્યો છે. પૂર્વના રાજ્યમાં વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે આજે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.



ગુજરાતમાં પણ ભેજનું પ્રમાણ વધી ગયું છે રાજકોટમાં 80 અમદાવાદમાં 74 વડોદરામાં 60 દ્વારકામાં 83% ભેજ આજે સવારે નોંધાયો છે અને તેના કારણે ગરમીમાં સવારે થોડી રાહત મળી છે. રાજકોટમાં મહત્તમ તાપમાન નો પારો 39.3 ડીગ્રીએ પહોંચી ગયા બાદ ઘટીને 38.3 ડિગ્રી પર આવી ગયો છે. આવી જ રીતે ભુજમાં બે ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે.


રાજકોટ અમરેલી પોરબંદર સુરેન્દ્રનગર કેશોદ ડીસા ભુજ કંડલા ડાંગ જુનાગઢ પાટણ સાસણ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું મહતમ તાપમાન દ્વારકામાં માત્ર 25.8 ડિગ્રી રહેવા પામ્યું છે. જે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ ૧૩ ડિગ્રી જેટલું નીચે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application