જામનગરવાસીઓ પર ઝીંકાયેલા પ૩ કરોડના વેરામાં અડધો ઘટાડો

  • February 08, 2023 11:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરવાસીઓ પર મ્યુનિ.કમિશનર દ્વારા અંદાજપત્રમાં સૂચવવામાં આવેલાં રૂ.પ૩ કરોડના કરબોજ પર જામ્યુકોના સત્તાધિશોએ લગભગ અડધોઅડધ કાપ મૂક્યો છે, પાણી વેરામાં સૂચવાયેલા વધારામાં રૂ.ર૦૦નો ઘટાડો કર્યો છે તો મિલ્કત વેરામાં પણ કેટેગરી પ્રમાણે થોડો ઘટાડો કરાયો છે. જો કે, બિન રહેણાંક અર્થાત્ કૉમર્શિયલનો વધારો યથાવત્ રાખવામાં આવ્યો છે. આમ, આજે જામનગરની પ્રજાને રાહતનું મલમ લગાડવામાં આવ્યું છે.


વર્ષ ર૦ર૩-ર૪ માટે મ્યુનિ. કમિશનર વિજય ખરાડી દ્વારા અંદાજપત્ર આપવામાં આવ્યું તેમાં પાણી વેરા, મિલ્કત વેરા સહિતના જુદા-જુદા વેરાઓમાં વધારો કરવામાં આવ્યો હતો, જેની સામે વિરોધ ઉઠ્યો હતો. આ બાબતને ધ્યાનમાં રાખીને જામ્યુકોના ભાજપના સત્તાધિશોએ સૂચવાયેલા વધારા પૂરેપૂરા ઉડાવ્યા નથી, પરંતુ બધાંમાં કાપ મૂકીને ઑવરઑલ જે કરબોજ ઝીંકાયો હતો તેમાં લગભગ અડધો ઘટાડો કર્યો છે અને આ આંકડાની માયાજાળ સમજવામાં થોડો સમય લાગશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં રૂ.૧૬.૦પ કરોડ ફાળવવા નક્કી કરાયું છે જ્યારે વી.એમ. મહેતા (પંચવટી) કૉલેજ માટે રૂ.૧પ લાખ ફાળવવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટિની ખાસ બજેટ બેઠક ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ડે.મેયર તપન પરમાર, ડીએમસી ભાવેશ જાની હાજર રહ્યાં હતાં. મેયર બીનાબેન કોઠારી, મ્યુનિ. કમિશનર, ચીફ ઍકાઉન્ટન્ટ હાજર રહ્યાં ન હતાં.


પાણી વેરાની વાત લઈએ તો પાણી વેરામાં મ્યુનિ. કમિશનરે રૂ.૧પ૦૦ સૂચવ્યા હતાં, તેમાં સ્ટેન્ડિંગ કમિટિએ રૂ.૧૩૦૦ નક્કી કર્યા છે અને આ રીતે રૂ.ર૦૦નો ઘટાડો કરાયો છે. ફિકસ નળ કનેકશન ચાર્જમાં સ્લમમાં રૂ.૭પ૦ના બદલે રૂ.૬પ૦ નક્કી કરાયા છે. ગેરકાયદેસર કનેકશન તા.૧.૪.ર૩થી ૩૧.પ.ર૩ સુધીમાં રેગ્યુલરાઈઝ કરાવે તો તેમને એક વર્ષનો વૉટર ચાર્જ અને નવા નળ કનેકશનના તમામ પ્રકારના ચાર્જ ભરીને રેગ્યુલર કરી દેવાનું રહેશે.


મિલ્કત વેરામાં રહેણાંક ઈમારતો અને મિલ્કત વેરો રપ ચોમી સુધી ર૦૦ના બદલે ૩૮૦ સૂચવાયા હતાં, રપથી ૩૦ ચોમી રપ૦ના બદલે ૪૮૦ સૂચવાયા હતાં અને ૩૦થી ૪૦ ચોમી સુધી ૩૦૦ના બદલે ૬૪૦ સૂચવ્યા હતાં જે તમામ વધારો રદ્ કર્યો છે અને ૪૦થી પ૦ સુધી તેમજ પ૦થી વધુ ચોમીના દર પરિણામલક્ષી દર મુજબ લેવા નક્કી કરાયું છે.શિક્ષણ પરનો સરચાર્જ યથાવત્ રાખવામાં આવ્યો છે. દસ્તાવેજી નકલ, ચેક રિટર્ન ચાર્જ કમિશનરે સૂચવેલો વધારો મંજૂર કરાયો છે. લઘુ ઉદ્યોગોને મિલ્કત વેરામાં રાહત અને ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યક્તિને પરિસરમાં આવેલ મિલ્કતમાંથી મુક્તિ આપવા મંજૂર કરાયું છે.


વ્હીકલ ટેકસમાં થોડો ફેરફાર કરાયો છે જ્યારે મનોરંજન કર સરકારના હુકમ મુજબ અમલવારી કરવા નિર્ણય કરાયો છે. વ્યવસાય વેરામાં વસૂલી કરવા સરકારના હુકમ મુજબ અમલવારી કરાઈ છે. તા.૧.૪.ર૩થી નવી સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં ર૦૦૬ પહેલાં મિલ્કત અને પાણી વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફી અને ર૦૦૬ પછી પ૦ ટકા માફીનો નિર્ણય લેવાયો છે.


આગામી દિવસોમાં રિબેટ યોજના લાગુ કરાશે જેમાં દર વખતની જેમ સામાન્ય કરદાતા ૧૦ ટકા, સિનિયર સિટીઝન, બીપીએલ કાર્ડ, વિધવાને ૧પ ટકા, ક્ધયા છાત્રાલય, માજી સૈનિક, સ્વાતંત્ર્ય સેનાની, શહીદોની વિધવાઓ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમને રપ ટકા વ્યાજ માફી, ઑનલાઈન ટેકસ ભરનારને બે ટકા ડિસ્કાઉન્ટ અને રપ૦ મીનીમમ તથા સૉલાર સિસ્ટમ રાખનારને મિલ્કત વેરામાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.


ભૂતિયા નળ કનેકશનો રેગ્યુલ કરવા, વૉટર વર્કસમાં વ્યાજ માફી યોજના, થિયેટર અને વીડિયો થિયેટર ભોં ભાડું અને મ્યુનિ. મિલ્કત દુકાન અને કેબિનમાં કમિશનરે સૂચવેલો વધારો મંજૂર કરાયો છે.


ઉપરાંત બજાર બ્રાન્ચ હસ્તકના તમામ ચાર્જિસ, જાહેરાત બૉર્ડના દર, પાર્કિંગ ચાર્જ, ગેરકાયદે દબાણ-બાંધકામો અને પથારા માટે, ઢોર ડબ્બા ચાર્જ, સૉલિડ વૅસ્ટ કનેકશન ચાર્જ, ઍન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ, ફાયર ચાર્જ, આંતરિક સવલત ચાર્જના દર, ઈમ્પેક્ટ ફી, નવા બિન ખેતી લે-આઉટ ચાર્જ, એચ.ડી.ડી. પદ્ધતિથી કૅબલ નાખવા, ભૂજિયા કોઠા એન્ટ્રી ફી અને ફોટોગ્રાફી ચાર્જ, ખંભાળિયા ગેઈટ એન્ટ્રી ફી, કૉમ્યુનિટિ હૉલના ભાડા દર, ભૂગર્ભ ગટર પ્લમ્બર લાયસન્સ ફીમાં કમિશનરે સૂચવેલા દરો મંજૂર કરાયા છે. 
ઢોર ડબ્બા ચાર્જમાં થોડો વધારો કરાયો છે તેમજ મ્યુનિ. મિલ્કત, દુકાનો અને કેબીનના ભાડા યથાવત્ રખાયા છે. ગૅસ, ટેલિફોન કેબલ ભાડું, વિજ કંપની માટેના વાર્ષિક ભાડા દર, કારખાના લાયસન્સ ફી, રાવડી જમીન દસ્તાવેજ ચાર્જ, ટાઉનહૉલના ભાડા, પાબારી હૉલનું ભાડું યથાવત્ રખાયું છે.


આ બજેટમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે મહિલાઓને સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવશે. રહેણાંક બંગલા, કૉમર્શિયલ સૅન્ટલ બિલ્ડિંગમાં સૉલાર અને એનર્જી સિસ્ટમ, ટેરેસમાં ઈન્સ્ટોલ કરાશે તો એફએસઆઈની ભરવાની થતી રકમમાં ૧૦ ટકા રિફન્ડ આપવામાં આવશે.


સોસાયટીમાં સફાઈ કામદાર દીઠ ૬ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવશે, હાપા ખાતે ૧૬ હજાર ચોમીમાં સ્ટેડિયમ બનાવાશે અને એક સ્કૂલને આધુનિક મૉડેલ સ્કૂલ બનાવાશે. સર્વે નં.૧૪૩૧ અને ૧૪૪પમાં ૨૭ હજાર ચોમીમાં સમર્પણની સામે આવેલ મેદાન ક્રિકેટ માટે વિકસાવાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application