મેળામાં તંત્રનો મેળ પડતો નથી: ફજર- ચકરડીવાળાઓ દ્વારા હરાજીનો બહિષ્કાર

  • August 11, 2023 12:54 PM 


પહેલા દિવસે ખાણીપીણીના પ્લોટની હરાજીમાં બહિષ્કાર પછી સતત બીજા દિવસે તેવું બનતા તંત્ર મુંઝવણમાં


આગામી તારીખ 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં ડ્રો પદ્ધતિથી પ્લોટની ફાળવણી કરાયા બાદ હરાજીનો તબક્કો શરૂ થતા જ ધંધાર્થીઓની રિંગ બની ગઈ છે અને ધાર્યું કરાવવા માટે અત્યારથી જ પ્રેશર નીતિ ચાલુ કરી દીધી છે.

ખાણીપીણીના એ કેટેગરીના બે મોટા પ્લોટની ગઈકાલે હરાજી હતી.પરંતુ ત્રણે ત્રણ પ્રાંત અધિકારીઓ ને કલાકો સુધી રાહ જોવડાવ્યા પછી ધંધાર્થીઓ આવ્યા હતા અને પહેલા અમારી શરત સ્વીકારો પછી જ બીજી વાત તેમ કહીને હરાજીનો બહિષ્કાર કરી નીકળી ગયા પછી આજે બીજા દિવસે પણ તેવા જ વાતાવરણનું પુનરાવર્તન થયું હતું.

યાંત્રિક રાઈડ ની અલગ અલગ કેટેગરીની 44 પ્લોટની આજે હરાજી હતી અને તેમાં 86 ધંધાથીઓએ ફોર્મ ભર્યા હતા. પરંતુ હરાજીમાં કોઈએ ભાગ લીધો ન હતો. પહેલા અમારી માગણી સ્વીકારો પછી આગળની વાત તેમ કહીને પ્રાંત અધિકારીને પોતાની માગણીઓનું લિસ્ટ પકડાવીને ધંધાર્થીઓ નીકળી ગયા હતા.


મેળાનો સમય અને ટિકિટના દર વધારો: યાંત્રિક રાઈડના સંચાલકોની માગણી


યાંત્રિક રાઈડની હરાજીમાં ફોર્મ ભરનાર 86 ધંધાર્થીઓ પૈકીના મોટાભાગના આજે સામૂહિક રીતે પ્રાંત અધિકારીને મળ્યા હતા અને યાંત્રિક રાઈડની ટિકિટના દર જે રૂપિયા 40 રાખવામાં આવ્યા છે તે વધારીને રૂપિયા 50 કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત મેળાનો સમય ગયા વખતે રાત્રે 10 વાગ્યા સુધીનો હતો તે આ વખતે વધારીને રાત્રે 12:00 વાગ્યા સુધીનો કરવા માંગણી કરી હતી.

પાથરણાવાળાઓ અમને ખૂબ નડે છે તેવી રજૂઆત પણ આ પ્રતિનિધિ મંડળે કરી હતી અને જણાવ્યું હતું કે યાંત્રિકરાઈડ બીજા રાજ્યોમાંથી આવતી હોવાથી તેને અહીં લાવવાનો ખર્ચ વધી જાય છે. બીજી બાજુ કલેક્ટર તંત્રએ અપસેટ પ્રાઇસ ઘણી વધારી દીધી છે,અમને અમારી ડિપોઝિટ પરત આપવી જોઈએ.

આ પ્રતિનિધિ મંડળમાં હારૂનભાઈ શાહમદાર, ઝાકીરભાઇ બલોચ, અરવિંદસિંહ, યોગીરાજસિંહ, રાજભા અને ભરતભાઈ મકવાણા સહિતનાઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application