BREAKING NEWS

જામનગરથી વડોદરા જતા ૩૮ લાખના સલ્ફરમાં ભેળસેળનું કૌભાંડ

  • July 11, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગરથી વડોદરા જતા ૩૮ લાખના સલ્ફરમાં ભેળસેળનું કૌભાંડ

જીયાણા જીઆઇડીસીના ગોડાઉનમાં કૌભાંડ ચાલતુ હોવાનો ભાંડાફોડ : છેતરપીંડીનો ગુનો નોંધાયો

જામનગરથી ટ્રકમાં સલ્ફર ભરીને વડોદરા જતુ હોય દરમ્યાન ભેળસેળનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે, જીયાણામાં એક ગોડાઉનમાં ભેળસેળ કરવાનું મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમ્યાન વધુ વિગતો અને કોની કોની સંડોવણી છે એ સહિતની વિગતો ખુલવા પામશે.

જામનગર રિલાયન્સ કંપનીમાંથી વડોદરાની જીએસએફસી કંપનીમાં મોકલવામાં આવતા કિંમતી લુઝ સલ્ફરના જથ્થામાં રાજકોટ નજીક જીયાણા જીઆઇડીસીના એક ગોડાઉનમાં ભેળસેળ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, એરપોર્ટ પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરીયાદ પરથી ટ્રકચાલક સહિતના કૌભાંડીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના ક્રિષ્ના લોજીસ્ટીકસના સંચાલક પ્રદિપસિંહ જાડેજાએ ટ્રક નંબર જીજે૦૩સીયુ-૫૧૨૯ના ચાલક પુરખારામ બાલારામ સહિતના શખ્સો સામે રાજકોટ એરપોર્ટ પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ અગાઉ પરિચિત એવા મહેશ ભરવાડે રેફરન્સ આપી આ ટ્રક ભાડે ચલાવવા મુકયો હતો, બે વખત સલ્ફર વ્યવસ્થીત પહોચાડી વિશ્ર્વાસ જીત્યા બાદ, ગત તા. ૨૮ના રોજ ટ્રકમાં રૂ. ૩૮.૧૫ લાખની કિંમતનો ૩૬૩૩૦ મેટ્રીક ટન સલ્ફરનો જથ્થો વડોદરા મોકલાયો હતો, વડોદરા કંપનીને શંકા જતા સેમ્પલ લેવાયા હતા, જેમાં સલ્ફરની શુઘ્ધતા માત્ર ૩૯.૯૩ ટકા જ આવી હતી તેમા મોટા પ્રમાણમાં સોડિમ તથા કલોરાઇડનું મિશ્રણ હોવાનું ખુલ્યુ હતું.

ભેળસેળનો રિપોર્ટ આવતા જ ટ્રાન્સપોર્ટર દ્વારા ટ્રકનું જીપીએસ ચેક કરવામાં આવ્યુ હતું જેમા જાણવા મળ્યુ હતું કે રિલાયન્સમાંથી નીકળ્યા બાદ આ ટ્રક વાંકાનેર તરફ અજય વે-બ્રિજ થઇને જીયાણા ગામની જીઆઇડીસીમાં આવેલ એક બંધ ગોડાઉને ગયો હતો ત્યાં અંદાજે બે કલાક સુધી ટ્રક રોકાયો હતો અને માલ સગેવગે કરી વડોદરા રવાના થયો હતો, ટ્રાન્સપોર્ટરે જીયાણા જીઆઇડીસીના લોકેશન પર જઇને તપાસ કરતા ગોડાઉનની બહાર સલ્ફર ઢોળાયેલુ જોવા મળ્યુ હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application