જામનગરના મ્યુ.કમિશ્નરની એકાએક બદલીની ગાંધીનગર સુધી વ્યાપક ચર્ચા

  • March 20, 2023 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આઇએએસ, આઇપીએસની બદલી કરવી એ રૂટીન પ્રક્રિયાનો ભાગ હોય છે, પરંતુ કયારેક-કયારેક એવી બદલીઓ પણ થાય છે કે જેની ચર્ચા પાટનગર ગાંધીનગર સુધી રહે છે અને શનિવારે બપોર બાદ જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડીની એકાએક થયેલ બદલીથી માત્ર જામનગર જ નહીં રાજયના સનદી અધિકારીઓ અને પાટનગરમાં ભારે ચર્ચા જાગી છે, તાત્કાલીક અસરથી ચાર્જ છોડીને કલેકટર સૌરભ પારઘીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, નવા કમિશ્નર તરીકે કોણ આવશે ? તેનો ઇન્તેજાર કરવાને બદલે હાલમાં તો મ્યુ.કમિશ્નરની બદલી પાછળ ખરેખર કયું કારણ છે ? તેને લઇને જામ્યુકોના સંકુલ તથા શહેરમાં જેટલા મોઢા એટલી વાતો થઇ રહી છે અને આ બદલી ચર્ચાના ચાંકડે ચડી છે. 


તા.૨૪-૬-૨૦૨૧ના રોજ જામનગરના મ્યુ.કમિશ્નર તરીકે વિજય ખરાડીની નિમણુંક કરવામાં આવી હતી, એમને હજુ બે વર્ષ પણ પૂર્ણ થયા નથી ત્યારે શનિવાર તા.૧૮ના રોજ બપોરે ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ તરફથી વિજય ખરાડીની બદલીનો સિંગલ ઓર્ડર તાત્કાલીક અસરથી બહાર પાડવામાં આવ્યો હતો અને એમને સ્પીપામાં ડાયરેકટર તરીકે મુકવામાં આવ્યા છે, જયારે એમનો ચાર્જ કલેકટરને અપાયો છે. 





આઇએએસ, આઇપીએસની બદલીઓ ઉપર કહ્યા મુજબ સામાન્ય પ્રક્રિયાનો ભાગ હોય છે પરંતુ જયારે-જયારે પણ સિંગલ ઓર્ડરથી કોઇપણ આઇએએસ, આઇપીએસની બદલી થાય છે ત્યારે તેની પાછળ કોઇને કોઇ મોટુ કારણ જવાબદાર હોય છે એવું પણ અત્યાર સુધી જોવામાં આવ્યું હોવાથી વિજય ખરાડીની બદલી પાછળ પણ કોઇને કોઇ કારણ હશે એવું મોટાભાગના લોકો માની રહ્યા છે. 
વિજય ખરાડી મ્યુ.કમિશ્નર ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ એટલે કે જાડાના ઇન્ચાર્જ અધિકારી તરીકેની પણ ભુમિકા ભજવતાં હતાં, અત્રે નોંધનીય છે કે, નજીકના ભૂતકાળમાં જાડાને લઇને કેટલાક જમીન પ્રકરણો વિવાદોના ઘેરામાં આવ્યા હતાં અને તેની વ્યાપક ચર્ચા સ્થાનિક કક્ષાએથી લઇને ગાંધીનગર સુધી થઇ હતી. 


જાડાના જે જમીન પ્રકરણો વ્યાપક ચર્ચામાં રહ્યા હતાં તેમાં એક ઝોન ફેર પ્રકરણ હતું જે ખુબ ગાજયું હતું એ પછી એક જમીન પ્રકરણ એવું હતું કે જેનો મામલો અદાલતમાં ચાલતો હતો અને તેનું એકાએક સમાધાન કરીને દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યા હોવાનું પણ જે તે સમયે અખબારોમાં સમાચાર સ્વરૂપે સામે આવ્યું હતું, આમ જમીનના મુદા છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બન્યા હતાં. 
મ્યુ.કમિશ્નર અને જાડાના ઇન્ચાર્જ અધિકારી વિજય ખરાડીની બદલી પાછળ ખરેખર જમીનનું કોઇ પ્રકરણ કારણભૂત છે કે કેમ ? એ તો સતાવાર રીતે કહી શકાય નહીં પરંતુ જે સંજોગોમાં સિંગલ ઓર્ડરથી તાત્કાલીક અસરથી ચાર્જ છોડવાના હુકમ સાથે બદલી થઇ એ બાબતને લઇને એવી શંકા પણ પ્રબળ બને છે કે કદાચ એમની બદલી પાછળ જમીનનું કોઇ પ્રકરણ જવાબદાર કદાચ હોઇ શકે.
જામ્યુકોના પદાધિકારીઓ સાથે બદલી સંબંધે ચર્ચા કરવામાં આવતાં હાલ તો તમામે પોતાના મોઢા સીવી લીધા છે, કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, સત્ય કદાચ બધા જાણતા હોય, કારણ કે સિંગલ ઓર્ડરથી જયારે કોઇ બદલી થાય અને તાત્કાલીક ચાર્જ છોડવાનો આદેશ અપાય તો કોઇને કોઇ વાત તો હશે જ અને એ બાબત સતામાં બેઠેલા લોકો જાણતા ન હોય એ વાત ગળે ઉતરતી નથી. 


વર્ષોથી આપણી એક કહેવત રહી છે કે,....જર, જમીન ને’ જોરૂ, કજીયાના છોરૂ....જામનગરમાં તો આ કહેવત ખુબ જ બંધ બેસે છે, કારણ કે વિતેલા વર્ષોમાં જમીનને લઇને એવા મોટા-મોટા વિવાદો થઇ ચૂકયા છે કે જે હાઇકોર્ટ જ નહીં સુપ્રિમ કોર્ટ સુધી ગાજયા છે અને ગાંધીનગર સુધી એ જમીન પ્રકરણોના પડઘા પડી ચૂકયા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે શું મ્યુ.કમિશ્નરની બદલી પાછળ પણ ઉપરોકત કહેવત જેવું તો કાંઇ થયું નથી ને ? 


વાત જે કાંઇ હોય જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મ્યુ.કમિશ્નરની સિંગલ ઓર્ડરથી અને તે પણ તાત્કાલીક અસરથી ચાર્જ છોડવાના આદેશ સાથે બદલી થઇ હોવાના કારણે ચર્ચાઓની આંધી જાગી છે, કદાચ આવનારા સમયમાં એ બાબત પણ સ્પષ્ટ થઇ જશે કે, મ્યુ.કમિશ્નરનું ‘માથુ’ લેવા પાછળ કયું કારણ જવાબદાર રહ્યું ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application