BREAKING NEWS

જામનગરની સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં પાથરણાવાળાઓ પર તવાઇ

  • July 02, 2026 12:42 PM 

જામનગરની સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં પાથરણાવાળાઓ પર તવાઇ

પગલાં: મહાનગરપાલીકાની દબાણ હટાવ અને સ્વચ્છતા ઝુંબેશ, ફુટપાથ ખુલ્લી કરાવામાં આવી, શાકભાજીના ધંધાર્થીઓમાં દોડધામ

૧૦ રેંકડી, ૧૮.પ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૧૫૦૦ નો દંડ ફટકાર્યો: દબાણ અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી 

જામનગરની સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મનપા દ્વારા આજે સવારે દબાણ હટાવ અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ફુટપાથ પર અડીંગો જમાવીને બેસેલા પાથરણાવાળાઓને દૂર કરાયા હતાં. આ કાર્યવાહી દરમ્યાન દસેક રેંકડી અને અન્ય માલસામાન તથા ૧૮.પ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૧૫૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તદઉપરાંત શાક માર્કેટમાં સફાઇ કરવામાં આવી હતી. કાર્યવાહી તથા સ્થળનું મનપાના કમિશનર દિપેશ કેડીયા તથા અન્ય અધિકારીઓએ નીરીક્ષણ કર્યુ હતું.

જામનગરની દાયકાઓ જૂની સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં ગંદકી અને રેંકડી તથા અન્ય દબાણની સમસ્યાએ માઝા મૂકી છે. મનપા દ્વારા છાશવારે આ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી રેંકડી અને પાથરણાવાળાને દૂર કરાય છે. પરંતુ આ કાર્યવાહીના કલાકો બાદ પુન: દબાણની યથાવત સ્થિતિ જોવા મળે છે. આ વિસ્તારની આ માથાના દુ:ખાવ‚પ સમસ્યા દૂર કરવા આજરોજ સવારે મનપાના એસ્ટેટ અને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સંયુકત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી ફુટપાથ પર અડીંગો જમાવીને બેસેલા પાથરણાવાળાઓને દૂર કરી ખુલ્લી કરાવામાં આવી હતી. તદઉપરાંત માર્ગમાં નડતરરૂપ રેંકડીઓ કબ્જે કરી અન્ય માલસામાન પણ જપ્ત કરાયો હતો.

જયારે શાકમાર્કેટ ફરતે તથા આજુબાજુ સફાઇ કરવામાં આવી હતી. કારણ કે, સવારે શાકભાજીના ધંધાર્થીઓ દ્વારા બેફામ કચરો ઠાલવવામાં આવે છે. આથી આ વિસ્તારમાં પારાવાર ગંદકી જોવા મળે છે. આથી રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શહેરમાં ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારમાં અસહ્ય ગંદકી જોવા મળે છે. ત્યારે શહેરમાં હજુ ચોમાસું બરોબર જામ્યું નથી ત્યાં આ વિસ્તારની સફાઇ કરી દબાણ દૂર કરવામાં આવ્યા છે. જે સારી બાબત છે. પરંતુ આ સ્થિતિ જળવાઇ રહેશે કે પુન: પહેલાની જેમ કલાકો બાદ દબાણ અને ગંદકીની સમસ્યા યથાવત રહેશે તે જોવાનું રહ્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application