જામનગર : વાડીનાર બંદરે વિશ્ર્વકક્ષાની અત્યાધુનિક શીપ રીપેર સુવિધા ઉભી કરાશે
નવો માઇલસ્ટોન: વડાપ્રધાનના અઘ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં રૂ.૧૫૭૦ કરોડના પ્રોજેકટને મંજૂરી,હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા
૬૫૦ મીટર લાંબી જેટી, બે મોટા ફલોટીંગ ડ્રાય ડોક, વર્કશોપ અને સમુદ્રી ઇન્ફ્રસ્ટ્રકચરનો સમાવેશ: સમગ્ર પ્રોજેકટ બ્રાઉનફીલ્ડ મોડેલ પર વિકસિત થશે
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે વિશ્ર્વકક્ષાની અત્યાધુનિક શી૫ રીપેર સુવિધા ઉભી કરાશે. કારણ કે, વડાપ્રધાનના અઘ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં વાડીનાર બંદરે આ સુવિધા ઉભી કરવાના રૂ.૧૫૭૦ કરોડના મહત્વના પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત વાડીનાર બંદરે ૬૫૦ મીટર લાંબી જેટી, બે મોટા ફલોટીંગ ડ્રાય ડોક, વર્કશોપ અને સમુદ્રી ઇન્ફ્રસ્ટ્રકચરનો સમાવેશ થાય છે. સમગ્ર પ્રોજેકટ બ્રાઉનફીલ્ડ મોડેલ પર વિકસિત થશે. દેશના શીપ રીપેર ક્ષેત્રના નવા માઇલસ્ટોન સમાન આ પ્રોજેકટ માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્ગારા કરવામાં આવેલા સતત પ્રયાસોને સફળતા મળી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા મહત્વપૂર્ણ બંદર વિસ્તારમાં વધુ એક વિકાસનો માઇલસ્ટોન ઉમેરાયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્વ મોદીના અઘ્યક્ષ સ્થાને મંગળવારે આર્થિક બાબતોની કેબીનેટ સમિતિની સીસીઇએએની બેઠક મળી હતી. જેમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે વિશ્ર્વસ્તરીય અત્યાધુનિક શીપ રી૫ેર સુવિધા ઉભી કરવા માટે રૂ.૧૫૭૦ કરોડના પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેકટ મંજૂર થતાં હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવતા સતત પ્રયત્નોને સફળતા સાંપડી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (સી.એસ.એલ.) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાડિનાર બંદર વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે અને સમુદ્રી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થવાની દિશામાં આગળ વધશે.
આ સમગ્ર પ્રોજેકટ બ્રાઉનફીલ્ડ મોડેલ પર વિકસિત કરાશે. જે અંતર્ગત વાડીનાર બંદરે ૬૫૦ મીટર લાંબી જેટી, બે મોટા ફલોટીંગ ડ્રાય ડોક, વર્કશોપ અને અન્ય સમુદ્રી ઇન્ફ્રસ્ટ્રકચરનો સમાવેશ થાય છે. વાડીનાર બંદરે દરીયાની ઉંડાઇ, મહત્વના સમુદ્રી માર્ગે જોડાણ અને મુંદ્રા તથા કંડલા જેવા બંદરો નજીક હોવાના કારણે આ બંદરને શીપ રીપેર અને બીલ્ડીંગ માટે ખાસ કરીને મોટા અને વીદેશી જહાજો માટે મહત્વનું માનવામાં આવે છે. આ પ્રોજેકટ કૌશલ વિકાસની નવી તકનું સર્જન કરશે તથા આજુબાજુના ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી વધારશે. આ પગલું પ્રાદેશીક આર્થિક વિકાસને ગતિ આપવા અને મેરીટાઇમ ઇન્ડીયા વિઝન-૨૦૩૦ તથા મેરીટાઇમ અમૃતકાળ વિઝન-૨૦૪૭ જેવા દેશના લાંબાગાળાના સમુદ્વી લક્ષ્યોને હાંસલ કરવામાં મદદરૂપ અને મહત્વનું પુરવાર થશે.
આટલું જ નહીં આ નિર્ણય ભારતની વધતી સમુદ્રી ક્ષમતાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે તેમજ રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ પ્રોત્સાહન આપશે. ખાસ કરીને જામનગર અને આસપાસના વિસ્તારમાં ઉદ્યોગ અને વેપાર માટે નવી તકો ઊભી થશે.આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સરબાનંદ સોનવાલનો આભાર વ્યક્ત કર્યો હતો, અને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ગેમચેન્જર સાબિત થશે.