જામનગર: પ્રગતિ પથ યાત્રા અંતર્ગત રાજયમંત્રીએ શાળાની મુલાકાત લીધી : બાળકો સાથે કર્યા સવાલ જવાબ
મંત્રીએ શાળા નં. ૩૧ના વર્ગખંડોમાં જઈ બાળકો સાથે આત્મીય અને બાળ સહજ શૈલીમાં સંવાદ કરી શૈક્ષણિક વિગતો મેળવી
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરોગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના ૧૩ જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ તા. ૦૮ થી તા. ૧૪ જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું તંત્ર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગરમાં દિગજામ સર્કલ પાસે આવેલ મહાનગરપાલિકા સંચાલિત નલીનીબેન વસા મોડર્ન ઈંગ્લીશ શાળા નં. ૩૧ ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, સ્માર્ટ ક્લાસરૂમ તેમજ અન્ય અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોમાં જઈને બાળકો સાથે ખૂબ જ આત્મીય અને બાળ સહજ શૈલીમાં સંવાદ-વાર્તાલાપ કર્યો હતો અને તેમના અભ્યાસ વિશે પૃચ્છા કરી હતી. આ સાથે જ તેમણે સમગ્ર શાળા પરિસરમાં ઉપલબ્ધ આધુનિક ભૌતિક સુવિધાઓ તેમજ ડિજિટલ લર્નિંગ વ્યવસ્થાઓનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, સરકારી શાળાઓનું આધુનિકીકરણ અને સરકારી શાળાના બાળકોને ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ સુવિધાઓ પૂરું પાડવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે. મહાનગરપાલિકા સંચાલિત આવી મોડર્ન શાળાઓના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો વૈશ્વિક સ્તરનું શિક્ષણ મેળવી રહ્યા છે, જે જામનગર માટે ગૌરવની બાબત છે.
મંત્રીએ વધુમાં નવી શિક્ષણ નીતિ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકતાં દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં દેશનું આધુનિક શિક્ષણ અને આજની પેઢીનો સર્વાંગી વિકાસ ખૂબ જ મહત્વનું અને નિર્ણાયક યોગદાન આપી શકે તેમ છે.
આ ગરિમામય યાત્રા અને શાળા મુલાકાત પ્રસંગે જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, દંડક પ્રવિણાબેન, શાસક પક્ષના નેતા અમર મોદી, નાયબ કલેક્ટર આદર્શ બસેર સહિતના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.