કુલપતિની મનમાની સામે અવાજ ઉઠાવવાનું શરૂ: ત્રણ કરોડના ચૂકવણા પેન્ડિંગ

  • April 25, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એસ્ટેટ કમિટીની બેઠકમાં ભારે ગરમાવો: યોગ સેન્ટરના એક કરોડના પ્રોજેકટની ડિઝાઇન બદલાશે: તા.૨૯ની સિન્ડિકેટની બેઠકમાં તડાફડી બોલાવવા એક જૂથ તૈયાર




સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગીરીશભાઈ ભીમાણી દ્રારા છેલ્લા સવા વર્ષ જેટલા સમયથી લેવામાં આવેલા અનેક નિર્ણયો સામે વિરોધનો વંટોળ ઉઠા છતાં તેનું કોઈ પરિણામ આવ્યું ન હતું. પરંતુ છેલ્લે છેલ્લે પરિસ્થિતિ બદલાઈ છે. યુનિવર્સિટીના ભવનમાં હેડશીપ બાય રોટેશનમાં શિક્ષણ મંત્રીની મધ્યસ્થી પછી કુલપતિએ નિર્ણય પાછો ખેંચવો પડો છે અને હવે આ સિલસિલો એસ્ટેટ કમિટીની બેઠકમાં પણ આગળ વધ્યો છે.





એસ્ટેટ કમિટીની બેઠકમાં યુનિવર્સિટી કેમ્પસ પર ચાલતા જુદા જુદા કામ અંતર્ગત ૮૦ ટકા પેમેન્ટ મુજબ ૩ કરોડનું ચૂકવણું કરવાની દરખાસ્ત આવી હતી. પરંતુ કમિટીના સભ્યોએ તેનો વિરોધ કરતા આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. એસ્ટેટ કમિટીના સભ્યોએ એવી દલીલ કરી હતી કે યુનિવર્સિટીમાં કાયમી સિવિલ એન્જિનિયરની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે તે તાત્કાલિક ભરવી જોઈએ. અથવા તો સરકારના કોઈ વિભાગમાંથી સિવિલ એન્જિનિયરની સેવા લેવી જોઈએ. ત્રણ કરોડના ચૂકવવાના પછી યારે બાંધકામની ગુણવત્તા બાબતે પ્રશ્નો ઊભા થશે ત્યારે જવાબદારી કોની?





આવા જ બીજા એક મુદ્દામાં યોગ સેન્ટરની હાલની ડિઝાઇન રદ કરવાનું નક્કી કરાયું છે. યુનિવર્સિટી કેમ્પસ પર અંદાજે પિયા એકાદ કરોડના ખર્ચે યોગ સેન્ટર નું નવું બિલ્ડીંગ ઊભું કરવા માટે જે પ્લાન રજૂ કરવામાં આવ્યો છે તે યોગ સેન્ટર માટે અનુકૂળ નથી તેમ કહીને આ ડિઝાઇન રદ કરવામાં આવી છે. નવી ડિઝાઇન મૂકવામાં આવશે.




આગામી તારીખ ૨૯ ના રોજ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સિન્ડિકેટ ની બેઠક મળનારી છે. તાજેતરમાં અધ્યાપકોની થયેલી ભરતીમાં અંગ્રેજી ભવન સહિતના ડિપાર્ટમેન્ટમાં મેરીટને એક બાજુ મૂકીને આડેધડ ભરતી કરવામાં આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ બાબતે સિન્ડિકેટ ની બેઠકમાં બઘડાટી બોલે તેવું લાગી રહ્યું છે. સિન્ડિકેટની બેઠકમાં વ્યવસ્થિત રીતે વિરોધ કરવા માટે એક જૂથ અત્યારથી જ રણનીતિ ઘડવામાં લાગી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application