પોરબંદર-આસનસોલ વચ્ચે ૧૩ એપ્રિલથી દર સોમવારે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે
ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર , જામનગર, હાપા સહીતના સ્ટેશનો પર સ્ટોપ કરશે
યાત્રિયોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા માટે ટ્રેન ઓન ડિમાન્ડ હેઠળ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ ૨૦૨૬ થી જૂન ૨૦૨૬ દરમ્યાન બંને દિશામાં કુલ ૧૨-૧૨ ફેરા સાથે ચલાવવામાં આવશે. તેમ ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે. ટ્રેન નંબર ૦૯૨૦૫ પોરબંદર આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ ૧૩ એપ્રિલ, ૨૦૨૬ થી ૨૯ જૂન, ૨૦૨૬ સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે ૮:૫૦ વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે ૬:૪૫ વાગ્યે આસનસોલ પહોંચશે. તેે જ રીતે પરત ફરતી ટ્રેન નંબર ૦૯૨૦૬ આસનસોલ પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ થી ૦૧ જુલાઈ, ૨૦૨૬ સુધી ચાલશે. આ ટ્રેન આસનસોલથી દરેક બુધવારે રાત્રે ૧૧:૦૫ વાગ્યે પ્રસ્થાન કરી શુક્રવારે રાત્રે ૯:૫૦ વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, અમદાવાદ, આનંદ, છાયાપુરી, ગોધરા જં., રતલામ, નાગદા જં., ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી જં., ગોવિંદપુરી, પ્રયાગરાજ જં., મિર્જાપુર, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જં., ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓન સોન, ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષચંદ્ર બોસ જં. ગોમો, ધનબાદ જં. સ્ટેશનો પર ઠેરવાશે. ટ્રેનમાં સેક્ન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર ૦૯૨૦૫ માટે ટિકિટોની બુકિંગ ૧૦ એપ્રિલથી શરૂ થશે. મુસાફરો ટ્રેનના સમય, ઠેરાવ અને રચના અંગે વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે. મંડળ રેલ પ્રબંધક દિનેશવર્માએ મુસાફરોને આ વિશેષ ટ્રેન સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.