વેરાવળમાં તાલાલા ચોકડીએ ડમ્પિંગ સાઇટ ઉપર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટથી ગંદકી દૂર થશે

  • January 20, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ પાટણ નગરપાલીકાની સામાન્ય સભા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, કારોબારી ચેરમેન નિલેશ વિઠલાણી, બાંધકામ ચેરમેન બાદલ હુંબલ, ચીફ ઓફીસર ચેતન ડુડિયાની હાજરીમાં મળી હતી. આ સભામાં ભાજપના ૨૭ અને કોંગ્રેસના ૮, અપક્ષો ૩ મળી કુલ ૩૮ નગરસેવકો હાજર અને ૬ ગેરહાજર રહ્યા હતા. આ સભામાં  વિકાસકામો તથા રોજીંદા ખર્ચાઓને લગતા એજન્ડાના ૧૨ અને અધ્યક્ષ સ્થાનેથી ૯ મળી કુલ ૨૧ ઠરાવો રજુ થયા હતા. જે તમામ ઠરાવો ઉપર નગરસેવકોએ ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે મંજુર કર્યા હતા.
આ સભામાં રજુ થયેલા ૨૧ ઠરાવોમાં ખાસ શહેરના છેવાડે તાલાલા ચોકડી પાસે આવેલ પાલીકાના કમપોઝયાર્ડમાં કચરાના ડુંગરો ખડકાયા હોય જેનાથી પ્રદુષણ ફેલાય રહ્યુ છે. જેને અટકાવવા માટે કચરાના ડુંગરનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે પ્લાન બનાવવામાં આવેલ છે. તે મુજબ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનું કામ કરતી એજન્સીને કામ સોપવા ટેન્ડર પ્રક્રિયા કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે શહેરમાંથી દૈનિક એકત્ર થતા કચરાનો પણ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એન્જસી નકકી કરી કામ સોંપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. 
આગામી દિવસોમાં તૈયાર કરાયેલા પ્લાન મુજબ કામગીરી થવાનું શરૂ થશે એટલે પ્રદુષણ મુકત શહેર બની જશે તેવો આશાવાદ શાસકોએ વ્યક્ત કર્યો છે. 
​​​​​​​
સભામાં અપક્ષના નગરસેવક ઉદય શાહએ સફાઈ કામગીરી બાબતે જવાબદારો ઘોર બેદરકારી દાખવાતા હોવાથી આપણું જોડીયું શહેર ગંદુ ગોબરૂ બની ગયુ છે. 
બહારગામથી આવતા લોકો જગવિખ્યાત સોમનાથ શહેરની ખરાબ છાપ લઈને જાય છે. એ પણ એવા સમયે જ્યારે જોડીયું શહેર સ્વચ્છ રાખવા પાછળ પાલીકા તંત્ર દર વર્ષે કરોડો રૂપીયાનો ખર્ચ કરી રહી છે. જો કે સફાઈ પાછળ થતા કરોડોના ખર્ચમાં મોટાપાયે ગેરરીતી થતી હોવાનો આક્ષેપ કરીને જાગ્યા ત્યારથી સવારની કહેવત માફક સફાઈની કામગીરી વાસ્તવિક રીતે કરાવવા શાસકો સમક્ષ આક્રમકતા રીતે રજુઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application