ખંભાળિયા નજીક મહાદેવના મંદિરમાં ખાતર પાડતા તસ્કરો

  • March 13, 2023 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા-સલાયા ધોરીમાર્ગ પર સોડસલા ગામે આવેલા એક જાણીતા શિવ મંદિરમાં ગત તારીખ ૨૮ ના રોજ રાત્રીના સમયે કોઈ તસ્કરોએ ખાતર પાડી, મંદિરમાં રહેલા ચાંદીના નાગ, મુગટ વિગેરે મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા અને મંદિરમાં સેવાપૂજા કરતા સોમગીરી કલ્યાણગીરી ગોસ્વામી (ઉ.વ. ૫૮) એ સલાયા મરીન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તારીખ ૨૮મી ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે તેઓ સોડસલા ગામના નાગનાથ મહાદેવના મંદિરમાં પૂજા-આરતી કરી અને બાદમાં લોક મારીને બાજુમાં રહેલા તેમના રહેણાંક મકાને ચાલ્યા ગયા હતા. જે ફરી તારીખ ૧ માર્ચના રોજ સવારે સાત વાગ્યે મંદિરમાં પહોંચતા મંદિરની બહારનો દરવાજો ખુલ્લો હતો. જે ખોલીને અંદર પ્રવેશતા પ્રથમ દરવાજાનું લોક તેમજ નીજ મંદિરનું તાળું પણ તૂટેલું હોવાનું તેમના ધ્યાન આવ્યું હતું.


આ મંદિરમાં જઈને જોતા શિવલિંગ પર રહેલો ચાંદીનો નાગ તેમજ પાર્વતીજી તથા ગંગાજીની મૂર્તિ પણ ચડાવવામાં આવેલા મુગટ આ સ્થળેથી ગુમ થઈ ગયા હતા. આ ચોરી પ્રકરણમાં ૭૪,૦૦૦ની કિંમતનો બે કિલોગ્રામ વજનનો ચાંદીનો નાગ તથા ૧૮,૫૦૦ ની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના મુગટ મળી કુલ ૯૨,૫૦૦ નો મુદ્દામાલ ચોરી થયાનું જાહેર થયું છે.
​​​​​​​
આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની સેવાઓ લેવાની તજવીજ પણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application