ધૂમ્રપાન અને હાઈ બ્લડ પ્રેશરના કારણે 30 વર્ષમાં વધી જશે બ્રેઈન સ્ટ્રોકના 50% કેસ: રીપોર્ટ

  • October 11, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એશિયાના દેશોમાં ભારતમાં સ્ટ્રોકના સૌથી વધુ કેસ નોંધાયા 

​​​​​​​મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર અને વાયુ પ્રદૂષણ જવાબદાર

દર વર્ષે એક કરોડ લોકોના મોતની આશંકા 

વૈશ્વિક અર્થતંત્રને થઇ શકે છે ૨.૩ ટ્રિલિયન ડોલરનું નુકસાન



ખાનપાન અને બગડતી જીવનશૈલીના કારણે યુવાનોમાં બ્રેઈન સ્ટ્રોકનું જોખમ સતત વધી રહ્યું છે. લેન્સેટ કમિશનના નવા રિપોર્ટ અનુસાર ૨૦૫૦ સુધીમાં બ્રેઈન સ્ટ્રોકના કારણે દર વર્ષે એક કરોડ લોકોના મોત થઈ શકે છે. ૩૦ વર્ષમાં આ કેસોમાં લગભગ ૫૦ ટકાનો વધારો થવાની સંભાવના છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્રને ૨.૩ ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેની પાછળ હાઈપરટેન્શન અને ધૂમ્રપાન મુખ્ય કારણ છે, જેને ઘટાડવું જોઈએ.


રિપોર્ટ અનુસાર, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ભારતમાં સ્ટ્રોકના સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં દર વર્ષે લગભગ ૧૩ લાખ લોકો તેનાથી પીડાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્ટ્રોકથી પીડિત ૧૮ થી ૪૨ ટકા લોકો એક મહિનામાં મૃત્યુ પામે છે. સંશોધન મુજબ, ભારતમાં સ્ટ્રોકના ૩૦ ટકા કેસ માટે હાઈ બ્લડ પ્રેશર મુખ્ય કારણ માનવામાં આવે છે, જ્યારે ૨૫.૫ ટકા કેસોમાં વાયુ પ્રદૂષણ મુખ્ય પરિબળ છે. હાઈ બીપીને કારણે મગજમાં બ્લડ ક્લોટ બને છે જેના કારણે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.


રિપોર્ટના લેખકોમાં સામેલ ભારતીય ડૉ. એમ.એમ. મહેંદિરત્તા કહે છે કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જોઈએ. પૌષ્ટિક આહાર અને નિયમિત કસરત એ સ્થૂળતાથી બચવાની સારી રીત છે. બીજી મહત્વની બાબત એ છે કે સ્ટ્રોક પછી સમયસર હોસ્પિટલ પહોંચવું. સામાન્ય રીતે લોકો તેના લક્ષણોને કેટલાક કલાકો સુધી અવગણે છે. ઉદાહરણ તરીકે, ખોટી રીતે સૂવાને કારણે હાથોમાં નિષ્ક્રિયતા આવી શકે છે. સ્ટ્રોક પછી તાત્કાલિક તબીબી સારવાર જરૂરી છે.


સ્ટ્રોકના લક્ષણો

ચહેરા, હાથ અથવા પગનું અચાનક સુન્ન થવું એ સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. હાથથી પગ સુધીના કોઈપણ ભાગમાં લકવો એ પણ આ રોગનું લક્ષણ છે. આ સિવાય અચાનક ગંભીર માથાનો દુખાવો, બોલવામાં તકલીફ થવી અથવા મોં સુન્ન થઈ જવું એ પણ સ્ટ્રોકના લક્ષણો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application