લગ્ન માટે સાડીની ખરીદી

  • December 20, 2023 02:36 PM 

દુકાનદાર: આવો આવો. સારૂં થયું તમે કાલે ફોન કરી દીધો હતો. જો કે તમે તો ફોન ન કરો તો પણ મારે તમારાં માટે તો જગ્યા કરવી જ પડે. નહીતર હમણાં તો લગ્નસરાના કારણે એટલી ભીડ હોય છે દુકાનમાં કે તમે અપોઇન્ટમેન્ટ લીધાં વગર દુકાનનુ એકપણ સેક્શન ખાલી હોતું નથી. જો કે તમને તો મારે ના પડાય જ નહી. કેટલાં લોકો છો તમે ????
દિકરીના મમ્મી: અમે કુલ પંદર લોકો આવ્યાં છીએ. આ મારી દિકરી છે જેના લગ્ન છે. આ મારી બીજી દિકરી. આ બન્ને મારી દેરાણી, આ મારાં એકના એક જેઠાણી......
દુકાનદાર: અરે એ ઓળખાણ આપણે હમણાં સાડી જોતાં જોતાં કરીએ. મે તો તમને સંખ્યા એટલાં માટે પૂછી કે હું તમારાં માટે શું મંગાવુ ? ચા, કોફી, ઠંડુ, લસ્સી, શેઇક શું મંગાવું બોલો.
દિકરીના મમ્મી: અરે ના, અમે તો નાસ્તો કરીને આવ્યા છીએ. તમે જરાંય ચિંતા ન કરો.
દુકાનદાર: અરે એમાં ચિંતા શાની ?? આ તો શું છે કે ચા પીને કાંટો ચડી જાય તો સાડીના સિલેક્શનમાં મજા આવે ને એટલે.
દિકરીના કાકી: અરે ભાભી, પી લો પી લો..... બધું આપણાંમાંથી જ છે !
દુકાનદાર: અરે પણ બેન, એમ તો તમે ય અમને ખાટવા થોડાં દેશો ! એય ચિંટુ, આ બધાંને પૂછી લે કે એ લોકો શું લેશે ? જોજે હો બરાબર પૂછજે. કાંઇ ભૂલાય ન જાય.
દિકરીના મમ્મી: હા તો આપણે મૂળ વાત પર આવીએ. આ મારી બે દિકરી, આ બે દેરાણી, આ એક જેઠાણી, આ મારી બે બહેનો, આ ત્રણ ભાભીઓ, આ મારાં બે નણંદ, આ મારી દિકરીની પાક્કી બહેનનણી અને આ તમારાં ભાઇ. એના એકના જ કપડા આજે નથી લેવાના.



દુકાનદાર: પણ આપણે જેન્ટ્સ કલેક્શન તો રાખતાં નથી.
દિકરીના મમ્મી: તો આજનુ બિલ કોણ ભરશે ??? એ જ ભરશે ને !એટલે તો એ સાથે આવ્યા છે. લ્યો બોલો.
દુકાનદાર: ઓહોહોહોહો..... તો તો મને લાગે છે કે આજે મારે બોણી સારી થવાની લાગે છે. બોલો કોના કોના માટે સાડી બતાવું ?
દિકરીના મમ્મી: સાડી તો મારી દિકરીની એકની જ લેવાની છે. ને એ પણ માંડવાના દિવસે સવારે પહેરવાની. અમે બધાં તો એની સાથે પસંદગી માટે આવ્યા છીએ.
અને એ સાંભળતા જ દુકાનદારના મો પર બધાં માટે પેલો ઠંડા - ગરમનો ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર બદલાવીને ખાલી કટિંગ ચા બધાં માટે મંગાવી લેવાના ભાવ સ્પષ્ટ દેખાતા હતાં.
દુકાનદાર: અરે કશો વાંધો નહી. બોલો તો કઇ રેંજમાં બતાવુ ?



દિકરીના ભાભુ: એમાં રેંજ થોડી જોવાની હોય ? મોટા ઘરે વિવાહ છે. તો દિકરી માટે અમે થોડાં રૂપીયા સામે જોઇએ ? બતાવો તમતમારે !
દુકાનદાર: અરે અરે, નબળા ઘરે જરાંય વિવાહ નથી. તમારૂં કુટુમ્બ તો બીજા લોકો માટે પ્રેરણારૂપ છે બેન ! એય પીંટુ, ઓલો જે કાલે જ હજુ કાર્ટુન ખોલ્યા અને એકદમ નવાં પિસ જે આવ્યાં છે એ આખો થપ્પો લઇ આવ. આ એ સ્ટોક છે જે હજુ કોઇને વેંચ્યો તો ઠીક બતાવ્યો પણ નથી. આ ડિઝાઇનની સાડી પહેરનાર તમારી દિકરી આખા ગામમાં પહેલી હશે.
દિકરીની બહેન: ઓહોહોહોહોહો...... તો તો મારી બહેનનો વટ પડશે હો !



દિકરીના માસી (છાનામાના એક ઝીણો ચિંટીયો ખણીને કાનમાં) : દોઢી થા માં ને. વખાણ કરમાં જરાંય. ઘરેથી શું કહ્યું હતું કે એકેય વાતમાં વખાણ નહી કરવાના ને શક્ય હોય ત્યાં સુધી કટાણુ મો કરીને જ જવાબ આપવાના.
દિકરીની બહેન: અરે હા હા માસી, યાદ આવ્યું યાદ આવ્યું. સોરી હો ! ના હો ભાઇ, એ તો સાડી નજર સામે આવે ત્યારે જ ખબર પડે. બાકી અમારે વખાણ કેમ કરવાં !
હવે દુકાનદારને એમ થયું કે ચા પણ કેન્સલ કરી નાખું. કેમ કે માસીનો અવાજ કદાચ બાજુની દુકાનમાં પણ સંભળાય એવો હતો.
દુકાનદાર: તો લો આ આવી ગયો અમારો ફ્રેશ સ્ટોક. તમે ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી - અનુષ્કાના લગ્નના ફોટા જોયાં જ હશે ! એમાં અનુષ્કાએ જે પરણેવાર વખતે ડ્રેસ પહેરેલો એ બરાબર આ જ કલરનો હતો. જોયો છે ? નહીતર ફોટા બતાવું.
દિકરીની બહેન: અરે વાઆઆઆઆઆઆ.......
ત્યાં તો બાજુમાં બેઠેલા માસીએ જોરદાર ચિંટીયો ખણી લીધો. અને દિકરીની બહેનની આખી વાત જ ફરી ગઇ.
........આઆઆઆ નો ચાલે હો. મારી બેન કંઇ અનુષ્કાની નકલ કરે ? ના રે ના, મારી બેન તો એના કરતાં પણ સરસ સાડી પહેરશે.
પછી માસીએ ચિંટીયો મૂક્યો.



દુકાનદાર: અરે તો છોડો એને, તમે રણબીરસિંહ અને દિપીકાના લગ્નના ફોટા પણ જોયાં હશે. એમાં જે વર્ક હતું એ જ ડિટ્ટો વર્ક આ સાડીમાં છે જૂઓ.
દિકરીની બહેનપણી: પણ અંકલ, તમને કહ્યું ને કે આપણે કોઇની નકલ નથી કરવી. તમે એકદમ ન્યુ સ્ટાઇલ બતાવો.
દુકાનદાર: અરે અરે..... સોરી હો મને ભૂલાઇ ગયું હતું કે તમારૂં ફેમિલી તો યુનિક ફેમિલી છે. તમે લોકો કોઇની નકલ થોડી કરો. અમૂક અમૂક તો ફેશન જ તમારાં ઘરમાંથી શરૂં થાય છે.
દિકરીના ફઇ: તમે એવી સાડી બતાવો કે જે જોઇને અમારી બેનાને મોજ પડી જાય. બજેટની તમે ચિંતા ન કરો. મારાં ભાઇને એકેય વાતની ખોટ નથી. હમણાં હું એમ કહું કે મને બે સાડી લઇ દો તો મારો ભાઇ બે ના બદલે ત્રણ સાડી લઇ દે. બરાબર ને ભાઇ !
પણ દિકરીના પપ્પાએ ચા પીવાની ચાલું રાખી. દુકાનદાર સમજી ગયો. એટલે જાણી જોઇને સળી કરી.
દુકાનદાર: એ તો તમારાં ભાઇ ન લઇ દે તો હું તમને બે સાડી ભેંટમાં આપી દઇશ.



પણ દિકરીના પપ્પાએ ચા પીવાની ચાલું જ રાખી. અને દુકાનદારની સામે એવી રીતે જોયું કે જાણે એમ કહેતાં હોય કે ખોટું બડબડ ન કર, નહીંતર બીજી ચા પીવડાવવી પડશે.
દિકરીના મામી: બેન, આમાં આ સાડી બહું સરસ છે હો. પણ એવો કલર હજી જરાંક ખૂલતો હોત ને તો સારૂં હતું.
દિકરીના મમ્મી: સાચી વાત છે ભાભી, મારી દિકરી તો કેવી રૂપાળી છે. એને આવાં આછા આછા કલર ન બતાવો. એને તો પાક્કા કલર હશે તો  ય બધાં સરસ લાગશે.
દિકરીના કાકી: હા, એમ તો આ કલરેય સારો છે. દુલ્હનને એકદમ ઓપે એવો. પણ એની કિમત તો જૂઓ. સાડા અગીયાર હજાર ! બાપ રે ! સાડી સારી છે, પણ સાડા અગીયાર હજાર ખર્ચવા પડે એટલી બધી સારી ય નથી હો વળી ! 
દિકરીના મમ્મી: હા વળી, સાડા અગીયાર હજાર જેવું તો કાંઇ નથી આમાં. પણ એના બદલે આ સાડી જુઓ ને બધાં. આ નથી બરાબર ???
દિકરીની બહેન કાંઇક બોલવાં જતી હતી પણ ત્યાં જ માસી દેખાય ગયાં એટલે ચૂપ થઇ ગઇ.



અને ત્યાં જ દુકાનદાર બોલ્યો: બધાં પોતપોતાના મંતવ્ય આપો છો તો એકવાર જેના લગ્ન છે એને તો એક વાર પૂછો.
અંતે દિકરીના મમ્મીએ દિકરીને પૂછ્યું: બેટા, તને કઇ સાડી ગમશે ???.
દિકરી: મમ્મી, મે પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે મારે સાડી નથી પહેરવી. મારે શરારા પહેરવું છે.
દિકરીના મમ્મી: લ્યો બોલો તો તો ખોટા આપણે અહીયાં ધક્કો ખાધો. ચાલો ચાલો આપણે બીજાની દુકાન પર જઇએ.
એટલું કહ્યું તો પંદયેર લોકો ઉભા થઇને સીધાં જ દુકાનની બહાર નીકળી ગયાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application