14 દિવસમાં બીજી વાર યુએસ દ્વારા સીરિયા સ્થિત ઈરાની રિવોલ્યુશનરી ગ્રુપ પર કરાયો હવાઈ હુમલો, ૯ના મોત

  • November 09, 2023 08:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયેલ-હમાસની અસર : ૨૩ દિવસમાં ઈરાન સમર્થિત ગ્રુપે અમેરિકન સૈન્ય મથકો પર કર્યા ૪૦ હુમલા



ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાના જવાબમાં, અમેરિકાએ ગતરોજ (૮ નવેમ્બર) હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ ૯ લોકો માર્યા ગયા. અમેરિકાએ આ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયા દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર કર્યો હતો.


૨એફ-૧૫ ફાઈટર જેટની મદદથી અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો. અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમારા માટે અમેરિકી સૈનિકોની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરી શકે છે.


છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત અમેરિકાએ સીરિયામાં હાજર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના ગોદામોને નિશાન બનાવ્યા છે. અમેરિકાએ માહિતી આપી હતી કે ૧૭ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦ એવા હુમલા કરવામાં આવ્યા છે જેમાં અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકા ઈરાન અને તેના સાથી દેશોને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કારણે તે ઈરાની સમર્થિત લક્ષ્યો પર હુમલો કરી તેને નિયંત્રિત કરી રહ્યું છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધવાનો ભય છે.


ગત મહિને ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસ જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ૧૪૦૦ ઈઝરાયેલના લોકોના મોત થયા છે. ઈઝરાયેલનો દાવો છે કે ઈરાન હમાસને સમર્થન આપી રહ્યું છે, જેના કારણે ઈરાન સમર્થિત જૂથે પૂર્વી સીરિયામાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો, ત્યારબાદ અમેરિકાએ પણ જવાબી કાર્યવાહી કરી.


પેન્ટાગોન અનુસાર, ૧૭ અને ૧૮ ઓક્ટોબરે ઈરાન સમર્થિત જૂથ દ્વારા અમેરિકન સૈનિકોના સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કુલ ૪૫ સૈનિકો ઘાયલ થયા છે. તેમાંથી ૩૨ સૈનિકો દક્ષિણ-પૂર્વ સીરિયામાં અલ-તાન્ફ ગેરિસન ખાતે અને ૧૩ સૈનિકો પશ્ચિમ ઇરાકમાં અલ-અસદ એરબેઝ પર હાજર હતા. ઇસ્લામિક સ્ટેટ ગ્રુપને ફરીથી રોકવા માટે, અમેરિકાએ તેના લગભગ ૨,૫૦૦ સૈનિકો ઈરાનમાં અને ૯૦૦ સીરિયામાં તૈનાત કર્યા છે. એક સમયે ઈરાન સહિત સીરિયાના મહત્વના વિસ્તારો પર ઈસ્લામિક સ્ટેટ ગ્રુપનો કબજો હતો, પરંતુ ઘણા વર્ષોના લોહિયાળ સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય દેશોના હવાઈ હુમલાને કારણે આઈએસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application