સ્કોર્પીયો પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ: પોલીસનું ફાયરીંગ

  • February 18, 2023 11:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા તાલુકાના ભાદરા પાટીયા પાસે ગઇ મોડી સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, અપહરણની બાતમીના આધારે સ્થાનીક પોલીસે વોચ ગોઠવી હતી અને નાકાબંધી કરવામાં આવી હતી, દરમ્યાન સ્કોર્પીયો ગાડીને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર ચડાવી દેવાની કોશિષ કરીને કાર હંકારી મુકી હતી, આથી પોલીસે પીછો કરી સ્વબચાવમાં ૩ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું, દરમ્યાનમાં માળીયાના બે શખ્સોને કેશીયા પાસેથી પકડી પાડી પુછપરછ હાથ ધરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરતા ભાદરા પાટીયે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.


મોરબી તરફના શખ્સોએ અપહરણ કર્યુ છે એવી વિગતો સામે આવતા જામનગર પોલીસ દ્વારા મુખ્ય ચેકપોસ્ટ અને પાટીયે નાકાબંધી કરવામાં આવી હતી જે અનુસંધાને જોડીયાના પીએસઆઇ આર.ડી. ગોહીલ અને સ્ટાફના માણસો જોડીયાના ભાદરા પાટીયા પાસે નાકાબંધી દરમ્યાન વોચ અને તપાસમાં હતા.


આ દરમ્યાન મોરબી તરફથી એક સ્કોર્પીયો કાર નં. જીજે૩૬એએફ-૦૭૮૬ની આવી હતી જેને પાટીયે રોકવાની કોશિષ કરતા આરોપીઓએ પોતાની ગાડી હંકારી મુકી ફરજ પર રહેલા પોલીસ સ્ટાફ પર સ્કોર્પીયો મારી નાખવાના ઇરાદે ચડરાવી દેવાની કોશિષ કરી હતી અને આરોપીઓએ પોતાની ગાડી પાછી વાળતા પીએસઆઇ ગોહીલને સ્વબચાવમાં પોતાની સર્વિસ પિસ્ટલમાંથી ૩ રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી.


૩ રાઉન્ડ ફાયર કરતા બે રાઉન્ડ ફાયર થયા હતા અને એક મિસ્ફાયર થયુ હતું, જો કે આરોપીઓએ પોતાની ગાડી રોકી ન હતી અને ખેતર રોડ તરફ હંકારી મુકી હતી આથી પોલીસ દ્વારા આરોપીઓનો પીછો કરવામાં આવ્યો હતો.


દરમ્યાનમાં જોડીયાના કેશીયા પાટીયા રોડની સાઇડમાં સિમેન્ટની પારી સાથે સ્કોર્પીયો ભટકાતા ગાડી મુકી નાશી ગયા હતા આથી પોલીસે પીછો કરીને તપાસ કરતા સલીમ અને રફીક નામના શખ્સો મળી આવ્યા હતા તેની પાસેથી બે મોબાઇલ સહિત ૪૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.


આ બનાવ અંગે જોડીયાના પીએસઆઇ આર.ડી. ગોહીલ દ્વારા મોરબીના માળીયા તાલુકાના વાવડી રોડ, ક્રિષ્નાપાર્ક શેરી નં. ૩માં રહેતા ડ્રાઇવર સલીમ દાઉદ માણેક ઉ.વ.૩૩ અને માળીયાના વાવડી રોડ, લોકજીવન પાર્ક શેરી નં. ૨માં રહેતા રફીક ગફુર મોવર ઉ.વ.૩૪ આ બંનેની સામે ઉપરોકત વિગતોના આધારે પોલીસને મારી નાખવાના ઇરાદે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાની આઇપીસી કલમ ૩૦૭, ૨૭૯, ૩૪ તથા એમવીએકટ ૧૮૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો.


ભાદરા પાટીયે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે હિંમતપુવર્ક આરોપીઓનો પીછો કરીને પકડી પાડી વધુ પુછપરછ ચલાવવામાં આવી રહી છે, એવી પણ વિગતો બહાર આવી છે કે આરોપીઓ મોરબી તરફથી કોઇ યુવતિનું અપહરણ કરીને ભાદરા પાટીયા તરફ આવી રહયા છે જેના આધારે પોલીસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી દરમ્યાન ઉપરોકત કાર નીકળી હતી. સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસની ભીંસ વધતા આરોપીઓએ મહિલાને રસ્તામાં કયાંક ઉતારી મુકી હતી, જો કે આ બાબતે સધન પુછતાછ ચલાવવામાં આવી રહી છે, હાલ પોલીસે ગુનો દાખલ કરીને બંને આરોપીઓની આગવી ઢબે પુછતાછ કરાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ ભાદરા પાટીયા પાસે દારૂ ભરેલા વાહનોને રોકવા જતા ફરજ પર રહેલ પોલીસ સ્ટાફ પર ગંભીર પ્રકારના હુમલાના પ્રયાસના બનાવો બની ચુકયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application