સાયબરની ત્રિપુટીની યાજ્ઞિક રોડના વેપારીને મોંઘા એપલની વર્ધી

  • May 17, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચેકિંગના નામે મોબાઈલ શોપ પર જઈ ચડયા, એકને લઈ આવી સાંજ સુધી બેસાડી રાખ્યો, છ આંકનો એપલ ફોન સાહેબને આપવો પડશે કહી પતાવટ થતાં મુકત કર્યાની ચર્ચા




ક્રાઈમ બ્રાંચને પણ ભૂ પાઈ દે અથવા પન્નો ટૂંકો પડે એ રીતની કામગીરી સાયબર ક્રાઈમ પોલીસમાં ચાલતી હોવાની ચર્ચા વચ્ચે સાયબરની ત્રિપુટી યાજ્ઞિક રોડ નજીક મોબાઈલના વેપારીને ત્યાં ચેકિંગના નામે જઈ ચડી સાહેબ માટે એપલના મોંઘા મોબાઈલની વર્ધી આપી હોવાની વાતો વહેતી થઈ છે.





મોબાઈલ ફોનના ધંધાર્થીઓને ત્યાં પોલીસ સમયાંતરે (મહત્તમપણે તો પોતાના અંગત હિત માટે જ જતી હશે) ચેકિંગના નામે જઈ ચડે છે. ચોરાઉ કે બીલ વગરના મોબાઈલ ફોન વેચો છો તેવી માહિતી છે ચેકિંગ કરવાનું છે, સ્ટોક રજિસ્ટર લાવો, ખરીદ–વેચાણ હિસાબ, મોબાઈલ ચેક કરવાના નામે ચોપડા ઉથલાવે કે કોમ્પ્યુટરમાં ડેટાચેક કરતા હોય છે.





શોરૂમધારક, વેપારીની કમાંકને કયાંક નાની મોટી ક્ષતિ નીકળી પડે અથવા તો પોલીસ પકડી પાડતી હોય છે ત્યારબાદ થવાની કે થતી હોય તે કાર્યવાહી કરાતી હોય છે, તાજેતરમાં યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં એક મોબાઈલ વેપારીને ત્યાં સાયબર ક્રાઈમની ત્રિપુટી જઈ ચડી હતી. એપલના ફોન બીલ વગર વેચાય છે કે વેચો છો (ગએ માર્કેટમાં વેચો છો) તેવા શબ્દો કે ચેકિંગના નામે આવી ભાષા સાથે એ ધંધાર્થીના એક વ્યકિતને લઈ પણ જવાયો હતોની ચર્ચા છે.





મોબાઈલ દુકાન પર હાજર વ્યકિતને લઈ જવાયો બેસાડીને થોડો તપાવાયો હતો. અંતે ત્રિપુટીએ સાહેબ માટે એપલ જોશે અને નક્કી થતાં એ વ્યકિતને મુકત કરી દીધો હોવાની વાત છે. સાહેબને સાદો નહીં ઉંચુ મોડલ જોશેની ડિમાન્ડ મુકાયાની પણ ચર્ચા છે.




ખરેખર ત્રણ અક્ષર નામધારીને ત્યાં ત્રિપુટીએ સાહેબની એપલ મોબાઈલ ડિમાન્ડ પુરી કરવા ચેકિંગનો કોલ કરીને સાહેબ માટે લાખેણા એપલ મોબાઈલની વર્ધી આપી હશે કે પછી સાહેબના નામે ચાલી ગયા હશે? મોબાઈલ શોરૂમમાં જનાર ત્રિપુટી સાયબર ક્રાઈમ પોલીસના હતા કે તેમના નામે અન્ય કોઈ આવી ગયા હતા? શું રજાનો દિવસ હતો એટલે મોકો જોઈને ત્રિપુટીએ ખેલ પાડવા પ્રયાસ કર્યેા હશે? સહિતની વાતોએ મોબાઈલ ધંધાર્થીઓમાં ચર્ચાએ વેગ પકડયો છે.





પોલીસ કોઈપણ કામ નિ:શુલ્ક કે સેવારૂપ કોઈને સોંપે કે કરાવે તો તેને પોલીસની કોડવર્ડ ભાષામાં વર્ધી કહેવાતી હોય છે.
ખરેખર આવી વર્ધી અપાઈ હતી કે ઉઠેલી વાતો અફવા છે? એ તો મોબાઈલ ધંધાર્થી કે ત્રિપુટી જાણતા હશે બાકી અત્યારે તો જો અને તો કે માત્ર વાતો કે અફવા જ ગણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application