કુબેર ફૂડઝમાં દરોડા; ઠંડાપીણાંમાં સેકરીનના વપરાશનો પર્દાફાશ

  • June 06, 2023 03:35 PM 

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અનુસાર સેકરીનનો વપરાશ પ્રતિબંધિત, સેમ્પલ ફૂડ લેબમાં રવાના

એરપોર્ટ રોડ ઉપર મારૂતિ નગરમાં આવેલ ઉત્પાદન સ્થળ અને ઇન્દિરા સર્કલ પાસેની દુકાનમાં મહાપાલિકાની ફૂડ શાખાના દરોડા: ૭૪૩ લીટર વાસી અખાદ્ય લસ્સી, ફ્લેવર્ડ મિલ્ક, મસાલા છાશ, વિવિધ ફ્લેવરના સુગર સીરપના જથ્થાનો નાશ: ઉત્પાદન તારીખ કે એક્સપયરી ડેઈટ પણ દર્શાવતા ન હતા !




રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાએ કુબેર ફૂડસ નામની પેઢીમાં દરોડા કરી વિવિધ ઠંડા પીણામાં પ્રતિબંધિત સેકરીનનો વપરાશનો પર્દાફાશ કર્યો હતો.




વિશેષમાં ફૂડ વિભાગના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, સર્વેલેન્સ ચેકિંગ દરમિયાન આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે. એમ. રાઠોડ તથા આર.આર. પરમાર ની ટીમ સાથે "ક્રિષ્ન બંધન" ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં. 5-6, શિવ મંગલ સોસાયટી, ઇન્દિરા સર્કલ પાસે, 150 રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ શ્રીહેમાંગભાઈ દાવડાની માલિકી પેઢી કુબેર ફૂડઝના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવ્યુ હતું. ચકાસણી દરમિયાન પેઢીના ઉત્પાદન સ્થળ પર હાજર પેઢીનું સંચાલન કરતાં સંચાલક પ્રદીપભાઈ જયકિશનભાઈ આહુજા દ્વારા જણાવ્યા મુજબ સ્થળ પરથી તેઓની ૬ બ્રાન્ચ/ ફેન્ચાઇઝીમાં અલગ અલગ પ્રકારની ફ્લેવર્ડ લસ્સી, મસાલા છાસ, ફ્લેવર્ડ મિલ્ક વગેરે ઉત્પાદન તથા પેકિંગ કરી સપ્લાય કરવામાં આવે છે. ચકાસણી દરમિયાન પેઢીના કોલ્ડ રૂમ/ ફ્રીઝમાં સંગ્રહ કરેલ કોલ્ડ કોકો (250 ml. -200 નંગ), મસાલા છાશ (1 ltr. -70 નંગ), કેસર ડ્રાયફ્રૂટ મિલ્ક (250 ml. -52 નંગ), બેરી'સ ક્વીન લસ્સી (250 ml. -20 નંગ), ફ્રેશ પાઈનેપલ લસ્સી (250 ml. -120 નંગ), મલાઈ મિસરી લસ્સી (250 ml. -120 નંગ), મસ્કા ખારી લસ્સી (250 ml. -72 નંગ), ચોકલેટ લસ્સી (250 ml. -120 નંગ), રોઝ લસ્સી (250 ml. -120 નંગ), મેંગો લસ્સી (250 ml. -120 નંગ), બટર સ્કોચ લસ્સી (250 ml. -40 નંગ), રાજભોગ લસ્સી (250 ml. -80 નંગ), કાજુ ગુલકંદ લસ્સી (250 ml. -40 નંગ), ડ્રાઇફ્રૂટ લોડેડ લસ્સી (250 ml. -20 નંગ) વગેરેનો તમામ જથ્થો ચકાસતા કોઈપણ ઉત્પાદનો પર ઉત્પાદનની તારીખ તથા યુઝ બાય ડેટ (એક્સપાયરી તારીખ) દર્શાવેલ ન હોવાનું માલૂમ પડેલ સદરહુ કુલ મળીને 343 લીટર જથ્થો પેરિસેબલ હોય માનવ આહાર માટે ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીપર વાનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ સદર જથ્થા માંથી બેરી'સ ક્વીન લસ્સી, ફ્રેશ પાઈનેપલ લસ્સીનો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવ્યો હતો.





વિશેષમાં કુબેર ફૂડઝ, પેઢીના અન્ય ગોડાઉન સ્થળ ઓમ, મારૂતીનગર-2, એરપોર્ટ રોડ, રાજકોટ મુકામે તપાસ કરતાં સંચાલક પ્રદીપભાઈ જયકિશનભાઈ આહુજા દ્વારા જણાવ્યા મુજબ ગોડાઉનના સ્થળ પરથી આઈસ ગોલામાં ઉપયોગમાં લેવાતા ફ્લેવર્ડ સીરપ, સુગર ફ્રી સીરપ, માવા મલાઈ વગેરેનું ઉત્પાદન તથા પેકિંગ કરી તેઓની લસ્સીવાલા- ગોલાવાલા નામથી બ્રાન્ચ/ ફેન્ચાઇઝીમાં સપ્લાય કરવામાં આવે છે. સ્થળ પર તપાસ કરતાં સુગર ફ્રી સીરપ બનાવવા સેકરીન પાઉડર તેમજ અલગ અલગ ફ્લેવર્ડ સીરપ જેવા કે નવરંગ, ફાલસા, સ્ટ્રોબેરી, રજવાડી, રાજભોગ, રોઝ પેટલ્સ, કોલારસ, ઓરિયો, બ્લૂ બેરી, રોઝ, બટરસ્કોચ, ચીકુ, ઓરેન્જ, કેનબેરી, કાલાખટ્ટા, કેડબરી વગેરે ફ્લેવર્ડ ના સુગર સીરપ તથા કાચી કેરી સુગર ફ્રી સીરપની 5 લિટરની 80-નંગ પેકડ બોટલનો અંદાજીત કુલ 400 લિટર ફ્લેવર્ડ સીરપનો જથ્થા પર ઉત્પાદન કે એક્સપાયરીની વિગત દર્શાવેલ ન હોય સ્થળ પર નાશ કરવામાં આવેલ છે. તેમજ પેઢીના ગોડાઉન પર સંગ્રહ કરેલ જથ્થામાંથી સેકરીન આઈસ ગોલાનું કાચી કેરી ફ્લેવર સુગર ફ્રી સીરપ તથા માવાની મલાઈનો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application