ઋષભ પંતની બેટ્સમેન તરીકે મેદાન પર વાપસી, IPL માં રમવાની આશાઓ પ્રબળ 

  • February 21, 2024 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોતાની કેપ્ટનસી હેઠળની દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટીસ મેચમાં પ્લેયરે લીધો ભાગ ; લિગામેન્ટ સર્જરી બાદ પણ ઋષભ રહ્યો અડગ, આકરી મહેનત કરી થયો ફીટ 


અકસ્માત થયાના ૧ વર્ષ ૧ મહિનો અને ૨૨ દિવસ બાદ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં બેટ્સમેન તરીકે પરત ફર્યો છે. ડિસેમ્બર ૨૦૨૨માં કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત ઘણા સમયથી ફિઝીકલી ફીટ રહેવા માટે મહેનત કરી રહ્યો છે. તેણે તેની આઈપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો.


વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કર્ણાટકના અલૂરમાં તેની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ દ્વારા આયોજિત પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધા બાદ આઈપીએલનીઆગામી સિઝનમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે. અકસ્માતણા કારણે તેણે લિગામેન્ટ સર્જરી કરાવવી પડી. પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન માંથી પસાર થઈ રહ્યો છે અને માર્ચના છેલ્લા સપ્તાહની આસપાસ શરૂ થનારી આઈપીએલની શરૂઆત પહેલા મેચ ફિટનેસ પાછી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. આ લેફ્ટ હેન્ડ બેટ્સમેને અગાઉ એક એકઝીબિશન મેચમાં પણ ભાગ લીધો હતો.


બેંગલુરુ નજીક અલૂર ખાતે 'ઇન્ટ્રા-સ્કવોડ' મેચનો ઉલ્લેખ કરતા, એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ મેચ મૂળભૂત રીતે ઋષભ પંતની શારીરિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવા માટે હતી. તે છેલ્લા કેટલાક સમયથી નેટ સેશનમાં બેટિંગ કરી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું હતું કે પંતને આઈપીએલની આગામી સિઝનમાં પુનરાગમન કરવાનો વિશ્વાસ છે. જો પંત વિકેટ પાછળ તેની ભૂમિકા નિભાવવામાં સક્ષમ ન હોય તો તે બેટ્સમેન તરીકે રમી શકે છે અથવા આગામી આઈપીએલમાં તેનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ થઈ શકે છે.


પોન્ટિંગે મેલબોર્નમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રિષભને વિશ્વાસ છે કે તે મેચ રમવા માટે ફિટ થઈ જશે. તે ટીમમાં કઈ ક્ષમતામાં હશે તે અંગે અમને હજુ સુધી સંપૂર્ણ ખાતરી નથી. તમે સોશિયલ મીડિયા પર તેની અનેક પોસ્ટ જોઈ હશે, પંત હાલમાં ફિઝીકલી ખૂબ  એક્ટિવ છે અને સારું કામ કરી રહ્યો છે. અમે માત્ર એવી આશા રાખી શકીએ છીએ કે તે રમવા માટે ફીટ રહે. તે બધી મેચો નહીં રમી શકે પરંતુ જો તે ૧૪ લીગ મેચોમાંથી ૧૦ મેચ પણ રમે છે, તો તે ટીમ માટે બોનસ સમાન હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application