રાણપુર નવાગામમાં વાડીએ ધોરિયો બનાવવા બાબતે હુમલો: ચારને ઇજા

  • May 31, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મોરબી રોડ પર શીવધારા રેસીડન્સીમાં રહેતા અને રાજકોટ તાલુકાના રાણપુર નવાગામમાં વાડી ધરાવનાર ખેડૂત અને તેના પરિવારજનો પર સેઢા પાડોશી અને કૌટુંબિક કાકા સહિતનાએ પાઇપ, ધોકા અને પાવડા વડે હુમલો કર્યો હતો.પટેલ યુવાન અને તેના ભાઈ તથા કાકા-કાકીને ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાડીએ ધોરીયો બનાવવા બાબતે આરોપીઓએ ઝઘડો કરી માર મારી ધમકી આપી હતી. આ મામલે પટેલ ખેડૂતની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ પર શિવધારા રેસીડન્સી શેરી નંબર એક બ્લોક નંબર 29 માં રહેતા મૂળ રાણપુર નવાગામના વતની અનિલભાઈ વાઘજીભાઈ રાંક (ઉ.વ 39) દ્વારા કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાણપુર નવાગામમાં રહેતા કૌટુંબિક કાકા ભારત સવજીભાઈ રાંક,રમેશ સવજીભાઈ રાંક, તથા રાજકોટના મોરબી રોડ પર રહેતા અમિત નરસિંહભાઈ રાંક અને નિલેશ નરસિંહભાઈ રાંકના નામ આપ્યા છે.


અનિલભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને પોતાના મૂળ વતન રાણપુર નવાગામમાં ખેતીની જમીન આવેલી છે ગઈકાલ સાંજના તે તથા તેના કાકા વલ્લભભાઈ વિરજીભાઈ રાંક, કાકી વિજયાબેન, પિતા વાઘજીભાઈ અને ભાઈ મનોજ સહિતનાઓ આ વાડીએ કામ કરતા હતા. જેમાં અનિલ અને તેનો ભાઈ મનોજ તથા તેના પિતા કપાસીયા સોંપવાનું કામ કરતા હતા.જ્યારે કાકા તથા કાકી વાડીમાં પાણી પાવા માટે ધોરીયો બનાવતા હતા.
દરમિયાન બાજુની વાડીમાંથી કૌટુંબિક કાકા અમિત તથા નિલેશ રમેશ અને ભરત અહીં ધસી આવ્યા હતા અને વાડીમાં ધોરીયો બનાવવા બાબતે ઝઘડો કરવા લાગ્યા હતા અનિલે ધોરીયો બુરવાની ના કહેતા વધુ ઝઘડો કર્યો હતો અને ગાળો દેવા લાગ્યા હતા ગાળો આપવાની ના કહેતા આ તમામ શખસોએ પાઇપ ધોકો અને પાવડા વડે અનિલ પર હુમલો કર્યો હતો દરમિયાન અનિલને બચાવવા માટે વચ્ચે પડતા તેના ભાઈ મનોજ તેના કાકા વલ્લભભાઈ અને કાકી વિજયાબેનને પણ આ શખસોએ મારમાર્યો હતો અને ધમકી આપી હતી કે અહીં ધોરીયો કરશો તો જીવતા નહીં મૂકીએ તેમ કહી આ શખસો ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ કાર લઇ ઇજાગ્રસ્ત યુવાન તથા તેના કાકા કાકી અને ભાઈ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમાં યુવાનને આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું.બાદમાં તેણે આ મામલે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 325, 504, 506(2), 114 અને જીપીએકટ કલમ 135 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવની વધુ તપાસ પી.એસ.આઇ જે.કે. પાંડાવદરા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application