રાજકોટ : વિવેકાનંદ નગરના લતાવાસીઓની રજૂઆત, વિધર્મીએ નાણાં રોકી લીધેલા મકાનનો દસ્તાવેજ રદ કરો

  • June 19, 2023 03:58 PM 

અશાંત ધારા હેઠળ જાહેર કરવામાં આવેલા કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદ નગર વિસ્તારમાં એક આસામીએ પોતાનું મકાન વિધર્મીને વેચી દીધું હોવાની જાણ થતા આ વિસ્તારના લોકોના ટોળેટોળા આજે સવારે જૂની કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને જ્યાં સુધી આ મકાનને સીલ મારવામાં નહીં આવે ત્યારથી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવીને ધરણા પર બેસી ગયા હતા.



મહિલાઓ, યુવાનો, બુઝુર્ગો સહિત મોટી સંખ્યામાં લોકો આજે સવારથી જ જૂની કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારી વિવેક ટાંકને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે વિવેકાનંદનગર શેરી નંબર ૨/૪ ના ખૂણા પર કૃષ્ણ કિરાણા ભંડારની સામેના ભાગે આવેલું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે.આ બાબતનો વિરોધ ન થાય તે માટે મકાન ખરીદનાર પાર્ટી તરીકે જયભાઈ સોજીત્રાનું નામ આપવામાં આવ્યું છે. આ મકાનનો દસ્તાવેજ રદ કરવાની અમારી માંગણી છે અને આ પ્રક્રિયા જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ મકાનને સીલ મારી દેવા અમારી માગણી છે.



વિવેકાનંદ નગરના લોકોએ જણાવ્યું હતું કે આ બાબતે અમે થોડા દિવસ અગાઉ રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. વિરોધ કરતા લતાવાસીઓને ધાક ધમકી પણ મળી રહી છે. આ સંદર્ભે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જ્યોત્સનાબેન મનસુખભાઈ દુધાત્રાએ ફરિયાદ કરી છે અને ભક્તિનગર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરીને યોગ્ય કાર્યવાહી પણ કરી છે.


ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણના અનુસંધાને જય સોજીત્રા, જંગલેશ્વરમાં રહેતા રફીક યુસુબભાઈ પીંજારા, દૂધની ડેરી પાસે રહેતા મુસ્તાક ગુલામહુસેન ઘાંચી અને જંગલેશ્વરમાં રહેતા અલી મોહમ્મદ હજીભાઈ ઘાંચીના નામ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ લોકો જો વિરોધ બંધ નહીં થાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application