રાજકોટ : ટ્રાફિક દંડમાં 40%નો વધારો, એક વર્ષમાં રૂ. 19.63 કરોડના જારી કરાયા ઈ- મેમો

  • January 01, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવના પરિણામે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર કુલ ૨૯.૫ કરોડ રૂપિયાનો દંડ વસુલાયો, કેસમાં પણ ૪૩%નો વધારો




વાહન ચાલક જ્યારે નિયમોનો ઉલાળીયો કરે ત્યારે ટ્રાફિક પોલીસ તેના પાસેથી દંડ વસૂલીને કાયદાનું ભાન કરાવે છે. ત્યારે લોકો ટ્રાફિક પોલીસ માટે કટાક્ષ કરતાં હોય છે પરંતુ રાજકોટ ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવના પરિણામે, ગયા વર્ષનીની તુલનામાં રાજકોટવાસીઓએ ૪૦% વધુ દંડ ચૂકવ્યો છે. આ વર્ષે કેસોની સંખ્યામાં પણ ૪૩.૨૨%નો વધારો થયો છે.


ટ્રાફિક પોલીસના ડેટા પર નજર કરીએ તો, ૨૦૨૩માં પોલીસ કમિશનરેટના વિસ્તારમાં ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓ પર કુલ ૨૯.૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમાંથી રૂ. ૧૯.૬૩ કરોડના ઈ- ચલાન જારી કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસને સ્થળ પર સોંપવામાં આવેલા લક્ષ્યાંકો સાથે નિયમિત અંતરાલમાં યોજાયેલી ડ્રાઈવના કારણે લોકો જાગૃત થયા છે. ગયા વર્ષે, ૨૦૨૨માં કુલ રૂ. ૨૧.૦૪ કરોડનો દંડ લાદવામાં આવ્યો હતો જેમાંથી રૂ. ૧૪ કરોડના ઇ- ચલાન જારી કરવામાં આવ્યા હતા.


જાહેર રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલો પર લગાવેલા કેમેરાનું મોનિટરિંગ કરીને કંટ્રોલ રૂમમાં જે સિસ્ટમથી ઈ-ચલાન જનરેટ કરવામાં આવ્યા હતા. તે પછી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોના નોંધાયેલા માલિકોને દંડ માટે મેમો મોકલવામાં આવ્યા છે. રેડ લાઈટના ઉલ્લંઘન માટે ઓટોમેટિક ઈ-ચલાન જારી કરવામાં આવે છે, પરંતુ દંડની વસૂલાત સંતોષકારક ન હતી. હાલમાં અનપેઈડ ઈ-ચલાનના તમામ કેસો અદાલતો અને લોક અદાલતોમાં લઈ જવામાં આવે છે.





આ વર્ષે ૧૫૦ ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ ટ્રાફિક પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યા છે. જામનગર રોડ રેલ્વે ઓવરબ્રિજ છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતને કારણે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા બાદ ૧૫૦ ફૂટ રોડ પર ટ્રાફિકની ભીડ વધી હતી. બીજી તરફ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નવા બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા કરી શકી નથી અથવા ડાયવર્ઝન માટેનો રસ્તો પણ સાફ કરી શકી નથી. આ ઉપરાંત બીઆરટીએસ રૂટના કારણે પણ ડાયવર્ઝન માટે નડતર રૂપ બની રહ્યા છે. તાજેતરમાં પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલ્સની બસોના શહેર વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. અનુમાન મુજબ, રાજકોટમાં શહેરમાં રોજ ૧૬ લાખ જેટલા વાહનો અવર-જવર કરે છે.



સૌથી વધુ દંડ નોન પાર્કિંગ સ્થળોએ પાર્કિંગ માટે વસૂલાયો, નંબર પ્લેટ મામલે ૧.૯૯ કરોડનો દંડ


૨.૬૪ કરોડનો સૌથી વધુ દંડ નોન પાર્કિંગ સ્થળોએ પાર્કિંગ માટે વસૂલવામાં આવ્યો હતો. આ પછી નંબર પ્લેટ અથવા ટેમ્પર્ડ નંબર પ્લેટ વગરના વાહનો માટે રૂ. ૧.૯૯ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) પૂજા યાદવે જણાવ્યું હતું કે, “તમામ સ્ટાફને સાંજના પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર રહેવાનું સખત રીતે કહેવામાં આવ્યું છે. હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને ટ્રાફિક પોઈન્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને દરરોજ ઓછામાં ઓછા ૮-૧૦ કેસ નોંધવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આના પરિણામે કેસોની સંખ્યામાં ૪૦%નો વધારો થયો છે. આ તમામ પ્રયાસોનો હેતુ વાહન ચાલકોને શિસ્તમાં લાવવાનો અને તેમને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો છે.”



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application