વરસાદનું જોર ઘટયું: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ

  • July 03, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા પાંચેક દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોળી રહેલા વરસાદનું જોર ઘટ્યું છે. નૈઋત્યના ચોમાસાનો પ્રથમ રાઉન્ડ પૂરો થવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્યના ૮૩ તાલુકામાં સામાન્યથી જોરદાર વરસાદ વરસ્યા બાદ આજે સવારે છ થી આઠ દરમિયાન બે કલાકમાં માત્ર ૧૧ તાલુકામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી ઉઘાડ નીકળ્યો છે અને વાતાવરણ સંપૂર્ણપણે સૂર્યપ્રકાશિત રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વરસાદનો વિસ્તાર અને વ્યાપ ઘટી જશે અને છૂટા છવાયા સામાન્ય ઝાપટાઓ ચાલુ રહેશે. વરસાદ બંધ થવાની સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો થયો છે.આજે રાજ્યમાં સરેરાશ ૩૫ થી ૩૬ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવા પામ્યું હતું.


આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ભરુચ જિલ્લાના વાલીયામાં અઢી, વલસાડ જિલ્લાના કપરાડામાં પોણો, ધરમપુરમાં દોઢ, ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ થયો છે. દાહોદ જિલ્લાના દાહોદમાં દોઢ અને તાપી જિલ્લાના ડોલવણમાં દોઢ ઇંચ પાણી પડ્યું છે. ડાંગ જિલ્લાના આહવામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ખેરગ્રામમાં પણ સવા ઇંચ વરસાદ થયો છે.રાજ્યના ૮૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વરસાદનું જોર રહ્યું હતું પરંતુ આજે સવારથી ત્યાં પણ જોર ઘટી ગયું છે. આજે સવારે છ થી આઠ દરમિયાન રાજ્યના ૧૧ તાલુકામાં વરસાદ પડ્યો છે અને તેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના હાસોટ અને સુરત જિલ્લાના બારડોલીમાં અનુક્રમે ૧૧ અને ૧૦ મિલીમીટર પાણી પડ્યું છે. 

સાત દિવસની મેઘસવારી બાદ ઘટાટોપ વાદળો વચ્ચે વરાપ જેવો માહોલ
ગત રવિવારથી શરૂ થયેલી ચોમાસાની નવી સિઝનમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સતત સાત દિવસ ચાલેલી મેઘસવારીને ગઈકાલના રવિવારથી થોડી બ્રેક લાગી હોય તેમ ગઈકાલથી આજે સવાર સુધી સૌરાષ્ટ્રભરમાં વાદળીયા હવામાન વચ્ચે માત્ર ૪૦ તાલુકામાં જ ઝાપટાથી માંડીને પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ ઘટાડો વાદળો વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ગેરહાજરી જણાઇ હતી. જૂનાગઢના મેંદરડામાં ગઈકાલે બપોરે ચાર કલાકમાં પાંચ ઇંચ તેમજ તાલાલા, માંગરોળ, વંથલી, માળીયાહાટીના, સુત્રાપાડા પંથકમાં દોઢથી સાડાત્રણ ઇંચ વરસાદ સિવાય અન્ય છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી માંડીને એક ઈંચ વરસાદ પડ્યો હતો.


સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષના ચોમાસામાં પ્રથમ તબક્કામાં ગત શનિવાર સુધી સતત સાત દિવસ અનેક વિસ્તારોમાં મેઘકૃપા વર્સી હતી, બાદમાં ગઈકાલે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા શિવાય અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢ જિલ્લામાં મેંદરડામાં પાંચ ઇંચ માંગરોળ, વંથલી, માળીયા, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં, એક થી અઢી ઇંચ ભેસાણ અને વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા પંથકમાં સાડા ત્રણ ઇંચ વાળા વેરાવળ ગીર ગઢડા અને ઉનામાં સાપ્તાહથી માંડીને દોઢ ઇંચ, અમરેલી જિલ્લામાં ખાંભા અને રાજુલામાં એક ઇંચ, લાઠી, જાફરાબાદ, અમરેલી, બગસરા, સાવરકુંડલા, લીલીયા, બાબરામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ, રાજકોટ જિલ્લામાં વિછીયા, ધોરાજી, ઉપલેટા, જસદણ અને રાજકોટ શહેરમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દેવભૂમિમાં દ્વારકા ભાણવડ અને ખંભાળિયામાં પણ ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરેન્દ્રનગરના સાયલા અને ચોટીલા, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ,જામનગરના જામજોધપુર, ભાવનગરના પાલીતાણા, તળાજામાં ઝાપટા વસ્યા હતા બાકી મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ભરપૂર વાદળો વચ્ચે વરાપ જેવું વાતાવરણ હતું.

સૌરાષ્ટ્રના ૨૨ જળાશયમાં ૦.૨૦થી ૧.૬૪ ફૂટ નવા નીર: ન્યારી-૨ છલકાવામાં બે ફૂટનું છેટું
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ ૮૪ ડેમમાંથી ૨૨ ડેમમાં ૦.૨૦ ફુટથી ૧.૬૪ ફૂટ નવા નીરની આવક થઇ છે. રવિવારથીએકંદરે મેઘવિરામ છતાં નદી, નાળા અને ચેકડેમના વ્હેણ ચાલુ રહેતા મોટા જળાશયોમાં ધીમી ધારે આવક યથાવત રહી છે. રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલો ન્યારી-૨ ડેમ છલકું છલકું થઇ રહ્યો છે. કુલ ૨૦.૭૦ ફૂટની ઊંડાઈના ન્યારી-૨ની સપાટી આજે સવારે ૧૮.૭૦ ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવા હવે બે ફૂટનું છેટું રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે દર ચોમાસે આ ડેમ સૌથી પહેલા છલકાય છે.
​​​​​​​
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ભાદર-૧માં ૦.૨૦ ફૂટ, ફોફળમાં ૦.૨૦ ફૂટ, આજી-૨માં એક ફૂટ, આજી-૩માં એક ફૂટ, ન્યારી-૧માં ૦.૧૬ ફૂટ, ન્યારી-૨માં ૦.૧૬ ફૂટ, છાપરવાડી-૨માં ૦.૩૩ ફૂટ પાણીની આવક નોંધાઇ છે. જ્યારે મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૩૯ ફૂટ, મચ્છુ-૨માં ૦.૨૩ ફૂટ, ડેમી-૧માં ૦.૧૬ ફૂટ, જામનગર જિલ્લામાં ફુલઝર-૧માં ૦.૪૬ ફૂટ, ઉન્ડ-૩માં ૦.૩૯ ફૂટ, વાડીસંગમાં ૦.૧૬ ફૂટ, દ્વારકા જિલ્લામાં વર્તુ-૨માં ૦.૩૩ ફૂટ, વેરાડી-૧માં ૦.૬૬ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળી ધજા ડેમમાં એક ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૦.૩૯ ફૂટ, ફલકુમાં ૦.૧૬ ફૂટ, વાંસલમાં ૦.૧૬ ફૂટ, નિમ્ભણીમાં ૧.૬૪ ફૂટ નવા નીરની આવક થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application