↵જામનગરનાં કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે રાત્રે ઝાપટા
વરસાદ મોડો થતા તા.૧૯થી સુકુ રહેવાની હવામાનની આગાહી: ગઇકાલે ખંભાળીયા અને દ્વારકા પંથકમાં કેટલાક ગામોમાં ઝાપટા
અલનીનો પ્રવાહ શરૂ થવાની સાથે જ ચોમાસુ એકાદ અઠવાડિયુ મોડુ થાય તેવી શકયતા છે. ગઇકાલે મોડી રાત્રે સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડયા હતા. દ્વારકા અને ખંભાળીયા પંથકમાં પણ કેટલાક ગામોમાં ઝાપટા પડયા બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. મુંબઇમાં પણ ચોમાસુ મોડુ થયુ છે, વરસાદ ચાર દિવસમાં ઓરિસ્સા અને બિહાર તરફ આગળ વધશે, એટલે કે કેરલથી કચ્છના દરિયામાં હજુ પણ વાદળો બંધાયા નથી જેને કારણે તા.૧૯થી હવામાન સુકુ રહેવાનીે આગાહી કરી છે.
જામનગરમાં ગઇકાલે મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડયા હતા. તેને કારણે રાજમાર્ગો ભીના થયા હતા, અને વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી હતી. આજ સવારથી વાદળીયુ વાતાવરણ જોવા મળે છે. અને હાલારનાં કેટલાક ગામડાઓમાં પણ વાદળા થયા છે, દ્વારકા અને ખંભાળીયા પંથકમાં કેટલાક ગામડાઓમાં ઝાપટા પડવાથી થોડી ઠંડક થઇ હતી તાપમાન ઘટયુ હતું.
કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૭ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૮, હવામાં ભેજ ૭૩, પવનની ગતિ ૩૦ થી ૩૫ પ્રતિકલાક જોવા મળી હતી. વળી પાછુ ચોમાસુ અઠવાડિયુ મોડુ થતા થોડી ચિંતા જન્મી છે. સૌરાષ્ટ્રના ડેમોમાં ૨૯ ટકા અને ગુજરાતના ડેમોમાં ૩૮ ટકા પાણી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાદળા બંધાયા છે. વરસાદ આવે તેવુ વાતાવરણ પણ સર્જાયુ છે. પરંતુ ખાસ કોઇ આગાહી નથી કાલાવડ, લાલપુર, ધ્રોલ, જોડીયા, ખંભાળીયા, ભાણવડ, દ્વારકા, ઓખા, ભાટીયા, રાવલ, જામજોધપુર, કલ્યાણપુર સહિતના ગામોમાં પણ સવારથી વાદળા છવાયા છે. ગઇકાલે ૩૫ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.