હરિયાણા : કોંગ્રેસ અને આઈએનએલડી નેતાના ઘરે ઇડીના દરોડા, ૫ કરોડ રૂપિયા, વિદેશી હથિયારો, ૫ કિલો સોનું, ૧૦૦થી વધુ દારૂની બોટલો અને ૩૦૦ કારતૂસ જપ્ત

  • January 05, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગેરકાયદે માઇનિંગ કેસમાં બન્ને નેતાઓ સહીત એક ભાજપના નેતા સાથે જોડાયેલા ૨૦ થી વધુ સ્થળો પર દરોડા, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ નોંધાઈ એફઆઈઆર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગતરોજ ગેરકાયદે માઇનિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર, ઇન્ડિયન નેશનલ લોકદળના ભૂતપૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્યો સાથે જોડાયેલા ૨૦ થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દિલબાગ સિંહ આઇએનએલડી નેતા અભય સિંહ ચૌટાલાના સંબંધી પણ છે. લગભગ ૪ વર્ષ પહેલા દિલબાગ સિંહની દીકરીના લગ્ન અભય સિંહ ચૌટાલાના દીકરા અર્જુન ચૌટાલા સાથે થયા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ, ઇડીની ટીમોએ ગુરુવારે સોનીપતમાં કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના સેક્ટર-૧૫ નિવાસસ્થાન, તેમના સહયોગી સુરેશ, બીજેપી નેતા અને કરનાલના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર મનોજના ઘર પર તપાસ કરી હતી. વાધવા અને યમુનાનગરમાં પૂર્વ આઇએનએલડી ધારાસભ્ય દિલબાગ સિંહનું ઘર, ઓફિસ અને ફાર્મ હાઉસ પર પણ દરોડા પડ્યા હતા.

ઇડીના સૂત્રોએ શુક્રવારે સવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર, પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગ સિંહ અને તેમના મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી હથિયારો, ૩૦૦ કારતૂસ, ૧૦૦થી વધુ દારૂની બોટલો અને ૫ કરોડ રૂપિયા રોકડા અને ૫ કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. તેમજ ભારત અને વિદેશમાં અનેક મિલકતો પ્રકાશમાં આવી છે. બન્નેના ઘરે છેલ્લા ૨૪ કલાકથી ઇડીના દરોડા ચાલુ છે.

ઇડીના અધિકારીઓ ગેરકાયદે માઈનિંગ અને ઈ-કન્સાઈનમેન્ટ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય પાસેથી માહિતી એકત્ર કરી રહ્યા છે. ગઈકાલે સવારે ૮ વાગ્યે અધિકારીઓ અને સિઆઇએસએફના જવાન સુરેન્દ્ર પંવારના ઘરે પહોંચ્યા હતા. કોર્ટના આદેશ બાદ ઇડીએ આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. દરોડા દરમિયાન, ઇડીની ટીમે ખાણ વ્યવસાય સાથે સંબંધિત દસ્તાવેજો, બેંક ખાતાઓ અને જમીન સંબંધિત મુખ્ય દસ્તાવેજોની માહિતી એકત્ર કરી હતી. કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય તેમના નિવાસસ્થાને હાજર હતા.

ઇડીના અધિકારીઓને સુરેન્દ્ર પંવારના ઘરેથી કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. ભાજપના નેતા મનોજ વાધવાએ ૨૦૧૪ની ચૂંટણીમાં આઈએનએલડીની ટિકિટ પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે ચૂંટણી લડી હતી. તેમણે ૨૦૧૯માં અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી. બંને વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર ખાણ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તે હરિયાણા ઉપરાંત રાજસ્થાનમાં ખાણકામનો વ્યવસાય કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application