WFI વિવાદ વચ્ચે કુસ્તીના અખાડામાં રાહુલ ગાંધીની કુસ્તીબાજો સાથે મુલાકાત  

  • December 27, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે વહેલી સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લા સ્થિત છારા ગામમાં પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીએ વીરેન્દ્ર આર્ય અખાડા પહોંચી બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હતી. છારા એ કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. મહત્વનું છે કે દીપક અને બજરંગે વીરેન્દ્ર અખાડાથી પોતાની કુસ્તી કારકિર્દી આરંભી હતી. અખાડામાં રાહુલ ગાંધીએ કુસ્તીબાજો સાથે મુલાકાત કરી હોવાની તસવીર જાહેર થઇ છે. જેમાં તેઓ કુસ્તીબાજો સાથે બેઠા હોવાનું જોવા મળે છે.


નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ એવા સમયે કુસ્તીબાજો સાથે મુલાકાત કરી છે કે જયારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંગે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયે તાજેતરમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું નવું સંગઠન રદ કર્યું છે. એટલું જ નહીં પરંતુ નવા ચૂંટાયેલા પ્રમુખ સંજયસિંહને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સંજય સિંહને બીજેપી સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. બ્રિજભૂષણ પર મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનનો આરોપ છે.


રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ જયારે મીડિયાએ બજરંગ પુનિયાને સવાલ પૂછયો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીં શા માટે આવ્યા હતા ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં તેણે જણાવ્યું હતું કે, તે અમારી રોજની કુસ્તીની દિનચર્યા સમજવા અને જોવા આવ્યા હતા. તેમણે કુસ્તી પણ કરી અને કસરત પણ કરી. પુનિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ તેની સાથે પણ કુસ્તી કરી. જોકે, પુનિયાએ રાહુલ ગાંધી સાથે તેની શું ખાસ વાત થઇ તે અંગે કોઇ જાણકારી આપી નથી.


રાહુલ રોહતક અખાડામાં પણ જઈ શકે છે

એક અહેવાલ મુજબ રાહુલ ગાંધી બુધવારે રોહતકની પણ મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ કુસ્તીના કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ દેવ કોલોની સ્થિત મેહર સિંહ અખાડાની પણ મુલાકાત લેવાના છે. માનવામાં આવે છે કે તેઓ રોહતક જતા સમયે ઝજ્જરમાં કુસ્તીબાજોને મળ્યા હતા.

સરકારે WFI રદ કર્યું

રાહુલે જે છારા ગામની મુલાકાત લીધી તે દીપક પુનિયાનું ગામ છે, જેમણે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બજરંગ પુનિયા, દીપક પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક એ કુસ્તીબાજોમાં સામેલ છે જેમણે બ્રિજભૂષણ સિંહનો વિરોધ કર્યો છે. જ્યારે સંજય સિંહની પસંદગી કરવામાં આવી ત્યારે કુસ્તીબાજોએ તેનો વિરોધ પણ કર્યો હતો. કુસ્તીબાજોએ કહ્યું હતું કે, સંજય સિંહની નિમણૂકથી WFIમાં કોઈ સુધારો થશે નહીં, કારણ કે તે બ્રિજભૂષણની નજીકના છે.
​​​​​​​

જો કે, WFIના નવા પ્રમુખ સંજય સિંહ દ્વારા આ વર્ષના અંત સુધીમાં અંડર-15 અને અંડર-20 કુસ્તી સ્પર્ધાની જાહેરાત બાદ રમત મંત્રાલયે WFIને સસ્પેન્ડ કરી દીધું હતું. આ સાથે જ મંત્રાલયે કહ્યું કે, કુસ્તી સ્પર્ધાની જાહેરાત કરતી વખતે નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા ન હતા.



BrijBhushan,SanjaySingh,BajrangPunia,Congressleader,RahulGandhi,wrestling



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application