ભાટીયા નજીક થારમાં નીકળેલા વાચ્છુ ગામના શખ્સને પકડી તલાશી લેતા તેની પાસેથી ૫૦૧ ગ્રામ ચરસ મળી આવતા એનડીપીએસ હેઠળ ગુનો નોંધી આ બાબતની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના ગુના શોધી કાઢવા ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે દ્વારકા એસઓજી ઇન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહીલ, પીએસઆઇ કે.એમ. જાડેજાની સુચનાથી સ્ટાફના કાનાભાઇ, ભીખાભાઇ, અશોકભાઇ, ચિરાગસિંહ, નિતેશભાઇને બાતમી મળી હતી જે અનુસંધાને કલ્યાણપુરથી આશરે ૨૦ કિલોમીટર દૂર ભાટિયા ચોકડી પાસેથી પોલીસે ગત મોડી સાંજે પસાર થતી જી.જે. ૩૭ એમ ૭૬૮૪ નંબરની થાર મોટરકારને અટકાવી, ચેકિંગ કરતા આ કારમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે ૧,૨૫,૨૫૦ ની કિંમતનો ૫૦૧ ગ્રામ ચરસ તેમજ રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને ૧૨ લાખની કિંમતની થાર મોટરકાર સહિત કુલ ૧૩,૩૫,૨૫૦ નો મુદ્દામાલ કબજે કરી, દ્વારકા તાબેના વાંચ્છુ ગામના વેજા ઉર્ફે ભગત જેઠા ભોજાભાઈ ચાનપા (ઉ.વ. ૩૩) ની અટકાયત કરી, તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.આઈ. તુષાર પટેલ ચલાવી રહ્યા છે.