કતાર ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા નહી ફટકારી શકે, ભારત પાસે બચાવની આ તરકીબ

  • October 28, 2023 08:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કતારની એક અદાલતે ત્યાં રહેતા ભારતીય નૌકાદળના આઠ અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ખાડી દેશ કતારનો આ નિર્ણય ભારતીયો માટે આશ્ચર્યજનક છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે શું એક નાનકડો ગલ્ફ દેશ ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારીઓને ફાંસી આપશે? કતાર માટે આ સરળ નથી.


આજે વિશ્વમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવેલા ભારતના આ અધિકારીઓને કતાર માટે આટલી આસાનીથી સજા આપવી એટલી સરળ નથી. ખાસ કરીને જ્યારે ભારત સરકારે જાહેરાત કરી છે કે કતાર કોર્ટના આ નિર્ણય સામે દરેક કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને પણ આવી જ રીતે ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ ભારતે તેની સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી અને ફાંસીની સજા પર રોક લગાવી દેવામાં આવી હતી. કતારના મામલામાં ભારત પાસે પણ આ વિકલ્પ છે. આ સિવાય ભારત કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાનીના હુકુમ હેઠળ ૮ ભારતીયોને માફી આપી શકીએ છીએ. આ માટે અરજી સમયસર કરવાની રહેશે તે પણ જરૂરી છે. તે વર્ષમાં બે વાર આવી સજા માફ કરે છે અને ભારત અપીલ કરવામાં વિલંબ કરશે નહીં.


ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે (૨૬ ઓક્ટોબર) કહ્યું કે તે કતારની કોર્ટના નિર્ણયથી ચોંકી ઉઠ્યું છે. પરિવારના સભ્યો અને કાયદાકીય ટીમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કતારમાં કેદ ભારતીયોને રાજદ્વારી સલાહ આપવાનું ચાલુ રાખશે.


એક અહેવાલ અનુસાર પૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ફિલિપાઈન્સના એક નાગરિકને પણ આવી જ રીતે મોતની સજા આપવામાં આવી હતી. તે કતાર જનરલ પેટ્રોલિયમમાં કામ કરતો હતો. આરોપ એવો હતો કે એરફોર્સના અન્ય બે આરોપીઓ તેને ગુપ્ત માહિતી આપતા હતા જેનો ઉપયોગ તે ફિલિપાઈન્સ મોકલતો હતો. આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હતો. તેથી, ફિલિપિનો નાગરિકને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ આ કેસમાં અપીલ કરવામાં આવી હતી અને કોર્ટે સજાને આજીવન કેદમાં ઘટાડી દીધી હતી. એરફોર્સના અન્ય બે આરોપીઓની સજા પણ ૨૫ વર્ષથી ઘટાડીને ૧૫ વર્ષની કરવામાં આવી છે. ફેબિયન કહે છે કે ત્યાંના કાયદાઓમાં આવી સજા અને બાદમાં માફી આપવાનો રિવાજ રહ્યો છે. આ સિવાય ભારત સાથે રાજદ્વારી સંબંધો પણ ખાસ છે. આ કારણે કતાર માટે આઠ ભારતીયોને ફાંસી આપવી આસાન નહીં હોય.


કતાર દ્વારા જેઓને સજા કરવામાં આવી છે તેમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશનો સમાવેશ થાય છે. કતારની ગુપ્તચર સંસ્થાએ તેની ધરપકડ કરી હતી. આ ભારતીયોએ લગભગ ૨૦ વર્ષ સુધી નેવીમાં કામ કર્યું. આ લોકોએ નેવીમાં ટ્રેનરથી લઈને અન્ય મહત્વના હોદ્દા પર કામ કર્યું છે. વિદેશ મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમને ભારત તરફથી તમામ પ્રકારની કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે.


શું છે મામલો ?


સજા પામેલા તમામ આઠ લોકો ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારીઓ છે. આ તમામની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આ લોકો કતારની જેલમાં બંધ છે. ગયા વર્ષે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે આ લોકો એક ખાનગી પેઢીમાં કામ કરતા હતા. દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની આ પેઢીનું કામ સંરક્ષણ સેવાઓ આપવાનું હતું. તેનો માલિક રોયલ ઓમાન એરફોર્સમાંથી નિવૃત્ત છે. આ લોકોની સાથે પેઢીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેને ગયા વર્ષે નવેમ્બરમાં છોડી દેવામાં આવ્યો હતો.


જે પેઢી માટે આ તમામ આઠ લોકો કામ કરતા હતા. તે કતાર સંરક્ષણ દળને તાલીમ અને અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડે છે. આ આઠ લોકોની ધરપકડ અને સજા બાદ પણ કતાર સરકારે તેમના પર લાગેલા આરોપો જાહેર કર્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ કતારની આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. કોર્ટની સુનાવણી દરમિયાન આરોપો પર ચર્ચા થઈ હતી પરંતુ કતાર કે ભારત સરકારે તેમને જાહેર કર્યા નથી.


આ તમામ આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓની ૩૦ ઓગસ્ટ ૨૦૨૨ની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ આ લોકોને લાંબા સમય સુધી અલગ જેલમાં રાખવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર અડધો વીતી ગયા બાદ ભારતીય દૂતાવાસને પણ તેની ધરપકડની માહિતી મળી હતી. ૩૦ સપ્ટેમ્બરે તેને તેના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી ટ્રાયલમાં પણ વિલંબ થયો હતો. લગભગ આઠ મહિના પછી આ વર્ષે ૨૯ માર્ચે ટ્રાયલ શરૂ થઈ હતી. સાત મહિના સુધી ચાલેલા ટ્રાયલ બાદ તમામ આઠ લોકોને મૃત્યુદંડની સજા જાહેર કરવામાં આવી હતી.


કતાર અને ભારત સરકારે આરોપોનો ખુલાસો કર્યો નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં આને લગતો મોટો દાવો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લોકોને કતારની એડવાન્સ્ડ સબમરીન વિશે ઈઝરાયલ માટે જાસૂસી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ સબમરીન એટલી ક્ષમતા ધરાવે છે કે અન્ય કોઈપણ સેના માટે તેને શોધી કાઢવી ખૂબ જ મુશ્કેલ છે. કતારની નૌકાદળ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો જે પેઢી માટે કામ કરતા હતા તેની હરીફ એક અન્ય કંપનીનો આ સમગ્ર મામલામાં હાથ હોઈ શકે છે.


ભારત સરકાર આ પૂર્વ નૌસેના કર્મચારીઓને તમામ સંભવિત કાયદાકીય મદદ પૂરી પાડવાની વાત કરી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે ભારત સરકાર કોર્ટની કાર્યવાહી પર નજીકથી નજર રાખી રહી છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. અમારા રાજદૂત અને વરિષ્ઠ અધિકારીઓ કતાર સરકાર સાથે સતત સંપર્કમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application