ભાવનગરના ડમી કૌભાંડમાં પી.એસ.આઈ.સંજય પંડ્યા અને અક્ષર બારૈયાની એસઆઇટીએ કરી ધરપકડ

  • April 17, 2023 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

સંજય પંડ્યા મારફત પરીક્ષા પાસ કરી અક્ષર બારૈયાએ ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજમાં નોકરી પણ મેળવી લીધી : સમગ્ર મામલે એસ.આઈ.ટી.ની સઘન તપાસ


ભાવનગરમાંથી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડને ઉજાગર કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કૌભાંડની તપાસ માટે નીમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ  એ તપાસનો ધમધમાટ શરૂ કરી ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવી સરકારી ઇજનેરી કોલેજમાં નોકરી મેળવી લેનાર અક્ષર બારૈયા અને અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર પી.એસ.આઈ.સંજય પંડ્યાની ધરપકડ કરી બન્નેની પૂછપરછ શરૂ કરી છે. 


ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેમજ સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડીને ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરી ભરતનગર પોલીસ મથકમાં આ કૌભાંડમાં સંડોવાયેલા ૩૬ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.


આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટેશન ટીમની રચના કરવામાં આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે  તપાસનો ધમધમાટ હાથ ધરી ડમી ઉમેદવાર મારફત પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવનાર અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. તેમજ અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર કરાઇ એકેડેમીમાં પી.એસ.આઇ. ની તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાને પણ હસ્તગત કરી તપાસ હાથ ધરી છે. 


સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના હાથે ઝડપાયેલ આરોપી અક્ષર બારૈયા એ પી.એસ.આઈ. સંજય પંડ્યાના માધ્યમથી બિન સચિવાલયની પરીક્ષા પાસ કર્યા બાદ છેલ્લા એક મહિનાથી ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું છે.


સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમે અક્ષર બારિયાની પૂછપરછ હાથ ધરી તેના રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે તેમજ પરીક્ષામાં પાસ થવા માટે કઈ રીતે વહીવટ કર્યો તે સહિતની વિગતો જાણવા એસ.આઈ.ટી. દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.



ડમી કાંડ મામલે ગૃહમંત્રીએ તાકીદની બેઠક બોલાવી


ભાવનગરમાં ઝડપાયેલ ડમીકાંડ મામલાની રાજ્યના ગૃહ વિભાગે પણ ગંભીર નોંધ લીધી છે. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યનો ગૃહ વિભાગ પણ હરકતમાં આવ્યો છે. આ સમગ્ર મામલે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર પણ ઉપસ્થિત હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર કૌભાંડની તપાસ ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા નીમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે, ત્યારે આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને આ કૌભાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી કે ટીમની રચના કરવામાં આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application