રાજકોટમાં લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ આગળ ધપ્યો

  • July 14, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાપાલિકા દ્વારા ઝૂની પૂર્વ દિશામાં ૨૯ હેકટર જમીનમાં બનવાશે લાયન સફારી પાર્ક, ડીમાર્કેશન પૂર્ણ:

૯ હેકટર જમીનમાં ગીરના જંગલમાં હોય તેવા કેસુડા, સાગ, લીમડા, વડલા, પીપળા, બાવળના વૃક્ષો રોપાશે: જમીન ફરતે રૂ.૨૩.૬૪ લાખના ખર્ચે કાંટાળા તાર સાથેની ચેઇન લિન્ક ફેન્સીંગ કરવા દરખાસ્ત




રાજકોટવાસીઓ માટે ખુશ ખબર છે કે લાયન સફારી માટે હવે ગીરના જંગલ સુધી જવું પડશે નહીં ! ટૂંક સમયમાં રાજકોટમાં પણ લાયન સફારી કરી શકાશે. રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રદ્યુમ્ન પાર્ક ઝૂની બાજુમાં ૨૯ હેકટર જમીનમાં પાર્ક બનાવાશે તાજેતરમાં તે જમીનનું ડીમાર્કેશન પૂર્ણ થયું છે અને હવે ત્યાં આગળ સઘન વૃક્ષારોપણ અને કાંટાળા તાર સાથેની ચેઇન લિન્ક ફેન્સીંગ કરવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે.





મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલું નાણાંકીય વર્ષના બજેટમાં સમાવિષ્ટ કરાયેલી નવી યોજનાઓમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે લાયન સફારી પાર્કનો પ્રોજેક્ટ રજૂ કરાયો છે જે દિશામાં કાર્યવાહી આગળ ધપાવાઇ છે, હાલમાં આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગવામાં આવી છે જે હજુ મળી નથી પરંતુ આગામી દિવસોમાં મળી જશે તેવી અપેક્ષાએ પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. મંજૂરી મળે તે પૂર્વે લાયન સફારી પાર્કની જમીનનું ડીમાર્કેશન કરી તેના ફરતે ચેઇન લિન્ક ફેન્સીંગ કરવામાં આવનાર છે. તદઉપરાંત લાયન સફારી પાર્કની કુલ ૨૯ હેકટર જમીન પૈકી ૯ હેકટર જમીનમાં સિંહને અનુકૂળ આવે અને ગીરના જંગલમાં હોય તેવા સાગ, કેસુડો, લીમડા, પીપળા, વડલા, બાવળ વિગેરેના વૃક્ષો રોપવામાં આવશે. વૃક્ષારોપણની કામગીરી ચાલુ ચોમાસેથી જ શરૂ કરવામાં આવશે.




વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટીમાં કરાયેલી દરખાસ્તમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લાના મુલાકાતીઓ આવે છે ઝૂ ઉપરાંત નવા નજરાણા સ્વરૂપે લાયન સફારી પાર્ક જેવું ઉત્તમ આકર્ષક ફરવાલાયક સ્થળ મળી રહે તેમજ સિંહના સંરક્ષણ તેમજ સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય અને ઇકો ટુરીઝમ ક્ષેત્રે પણ વધારો થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રદ્યુમન પાર્કની પૂર્વ દિશાએ સર્વે નંબર ૧૪૪, ૧૪૫, ૧૫૦ અને ૬૩૮ મળીને કુલ ૩૮ હેક્ટર જમીન પૈકી ૨૯ હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવાનું આયોજન છે. લાયન સફારી પાર્ક ના આયોજન અંતર્ગત સર્વે નંબર પૈકી સર્વે નંબર ૧૫૦ તથા સર્વે નંબર ૬૩૮ની અંદાજે ૯ હેક્ટર જગ્યામાં બિલકુલ વૃક્ષો ન હોવાથી ચાલુ વર્ષે વૃક્ષારોપણ થાય તેમજ આ વૃક્ષારોપણ માલ ઢોર તથા અન્ય પ્રાણીઓથી સુરક્ષિત રહે તેવા હેતુથી લેઆઉટ મુજબ કાંટાળા તાર સાથેની ચેઇન લિન્ક ફેન્સીંગ અંદાજે ૨૯૦૦ રનિંગ મીટરમાં કરવાનું હાલની વરસાદી સિઝનમાં આવશ્યક છે જેથી આ કામ માટે કુલ રૂ.૨૩.૬૪ લાખનું એસ્ટીમેટ મંજુર કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં કુલ ચાર ટેન્ડર આવ્યા હતા તે પૈકી એસ્ટીમેટના ભાવોભાવ મુજબની લોએસ્ટ ઓફર કરનાર એજન્સીને કામ આપવા અંગે નિર્ણય કરવા દરખાસ્ત કરવામાં આવી છે. આવતીકાલે આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application