રાજકોટ શહેરમાં બોર્ડની પૂરક પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો કરાયા જાહેર

  • July 08, 2023 08:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૧૦ જુલાઈ, ૨૦૨૩થી ૧૪ જુલાઈ, ૨૦૨૩ સુધી એસ.એસ.સી./એચ.એસ.સી.ની પૂરક પરીક્ષા લેવાનાર છે. એચ.એસ.સી.ની પરીક્ષા ૨૩ કેન્દ્રો ખાતે તા.૧૦થી તા. ૧૪ સુધી સવારે ૧૦ કલાકથી બપોરે ૦૧-૧૫ કલાક સુધી તથા બપોરે ૦૩ કલાકથી ૦૬-૧૫ કલાક સુધી તેમજ એચ.એસ.સી.ની પરીક્ષા ૧૨ કેન્દ્રો ખાતે તા.૧૦થી તા. ૧૩ સુધી સવારે ૧૦-૩૦ કલાકથી બપોરે ૦૨ કલાક સુધી તથા બપોરે૦૩ કલાકથી સાંજે ૦૬-૩૦ કલાક સુધી એમ જુદી-જુદી શાળાઓમાં કુલ ૩૫ કેન્દ્રો ખાતે યોજાશે. પરીક્ષાર્થીઓ પરીક્ષા કોઇપણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
    



જે મુજબ રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખવાની મનાઈ છે. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.
    



આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો તેમજ પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સંબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં.
    


આ જાહેરનામું શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. ૧૦થી તા. ૧૪ જુલાઈ દરમિયાન રવિવારની જાહેર રજા સિવાય સવારે ૦૮ કલાકથી સાંજે ૦૭ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application