BREAKING NEWS

જામનગરમાં ઉમેદવારી બાબતે આજે રાજકીય ધમાસાણ: ફોર્મ ભરવા પડાપડી

  • April 11, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઉમેદવારી બાબતે આજે રાજકીય ધમાસાણ: ફોર્મ ભરવા પડાપડી


ભાજપની યાદીમાં ૩૪ ચહેરાને કાપી નખાયા, ૧૪ને રીપીટ કરાયા: કુલ ૫૦ નવા ચહેરાને તક


ભાજપમાં કપાયેલા ધુરંધરો સહિતના કોર્પોરેટરો


પૂર્વ મેયર વિનોદ ખીમસુર્યા, પૂર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, પૂર્વ ડે.મેયર તપ્પન પરમાર, સ્ટે.કમીટીના પૂ.ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષના પૂર્વ નેતા કુસુમબેન પંડયા, શાસક પક્ષના પૂર્વ નેતા ધર્મરાજસિંહ જાડેજા, દંડક કેતન નાખવા, આ ઉપરાંત કૃપાબેન ભારાઇ, ડિમ્પલબેન રાવલ, જયેન્દ્રસિંહ ઝાલા(એમના સ્થાને પત્નીને ટીકીટ અપાઇ), અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, પરાગભાઇ પટેલ, જડીબેન સરવૈયા, કેસુભાઇ માડમ, પૃથ્વીસિંહ ઝાલા, સરોજબેન વિરાણી, કિશનભાઇ માડમ, પ્રભાબેન ગોરેચા, અમીતાબેન બંધીયા, ગોપાલ સોરઠીયા, અરવિંદ સભાયા, કેતન ગોસરાણી, સોનલબેન કણજારીયા, મુકેશભાઇ માતંગ, પાર્થ જેઠવા(પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર) તરૂણાબેન પરમાર, હર્ષાબેન વિસરોડીયા, શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રા, શોભનાબેન પઠાણ, જેન્તીભાઇ ગોહીલ, ગીતાબા જાડેજા, અને ભારતીબેન ભંડેરીનો સમાવેશ છે આ ઉપરાંત ધારાસભ્ય બનેલા દિવ્યેશ અકબરીની સીટ ખાલી થતા નવુ નામ આવ્યુ છે એ જ રીતે શહેર ભાજપ પ્રમુખ બનતા બીનાબેન કોઠારીના બદલે નવુ નામ આવ્યું છે. 


ક્ષત્રિય, પાટીદાર, આહીર, બ્રાહ્મણ, લોહાણા, વણિક, ભણસાળી, ખવાસ, કોળી, સતવારા, દલિત, સોની, સીંધી, વાણંદ તેમજ ત્રણ મુસ્લિમ વાઘેર સહિત છ મુસ્લિમ ઉમેદવારોને ભાજપમાં સ્થાન: કોંગીએ આજે સવારે મેન્ડેટ આપ્યા: બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે ૧૬ વોર્ડની ૬૪ બેઠક પર કોની સામે કોણ લડશે ચુંટણી જંગ


બેચેનીભર્યા ઇંતજાર બાદ આખરે ગઇ રાત્રે મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી અને જે અટકળો લગાવાતી હતી તે મુજબ ઘણા બધા ધુરંધરોને કાપી નાખ્યા સાથે સાથે બે ડઝનથી વધુ ચહેરાને રીપીટ પણ કર્યા છે. તમામ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપવાનો  પ્રયાસ કર્યો છે, આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, એક તરફ ભાજપ સાગમટે ઉમેદવારી પત્ર ભરશે તો બીજી તરફ કોંગ્રેસે પોતાનો વ્યુહ બદલીને ગઇકાલે અને આજે પણ ઉમેદવારોની યાદી જાહેર નહીં કરીને સીધા મેન્ડેટ આપ્યા છે, દેખીતી રીતે સતાધારી પક્ષમાં મોટી કાતર ચાલી હોવાથી અમુક ચહેરા વંડી ઠેકવાની તૈયારીમાં છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઇ જશે. અને તમામ ૬૪ ઉમેદવારોના ભાજપ, કોંગી, આપના ચહેરા આજ સાંજ સુધીમાં નકકી થઇ ગયા બાદ ચુંટણીનો ખરાખરીનો જંગ શ‚ થશે.


ગઇકાલે રાત્રે ૯.૫૦ કલાકે ભાજપની યાદી જાહેર થઇ હતી અને ઉમેદવારોના નામ બહાર આવતાની સાથે જ ઘણાની આંખો પહોળી થઇ ગઇ હતી. ગત વખતે ભાજપે ૫૦ બેઠક જીતી હતી તેમાંથી આ વખતે ૩૪ ચહેરાને કટ્ટ કરીને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.


ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની બેઠકો ખાલી કરાવાઇ ત્યાં નવા ચહેરા સેટ કરાયા છે આમ જોઇએ તો ૬૪ બેઠકો માટે ૧૪ ચહેરાને ફરીથી તક આપવામાં આવી છે અને ૫૦ નવા ચહેરાઓને તક અપાઇ છે.


કપાયેલા ઉમેદવારોમાં બે પૂર્વ મેયર,  બે પૂર્વ ડે.મેયર, સ્ટે. કમીટીના પૂર્વ ચેરમેન, બે પૂર્વ શાસકપક્ષ નેતા, એક દંડકનો સમાવેશ છે. ગત વખતે ચુંટણી લડેલી ૧૮ મહિલાઓને પણ ભાજપે કાપીને એમની જગ્યાએ નવી મહિલા બ્રિગેડને તક આપી છે.


ભાજપની યાદીમાં મુખ્યત્વે સૌથી વધુ ક્ષત્રિય સમાજને સ્થાન આપવામાં આવ્યું છે આ ઉપરાંત પાટીદાર, આહીર, બ્રાહ્મણ, ભણસાળી, દલિત, ખવાસ, કોળી, લોહાણા, સોની, વણિક, સિંધી, સતવારા, પ્રજાપતિ, વાણંદ, ભોંઇ, કોળી ઉપરાંત ત્રણ મુસ્લિમ વાઘેર અને અન્ય ત્રણ મુસ્લિમને મળીને કુલ ૬ મુસ્લિમ સમાજને આપીને લગભગ તમામ સમાજને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. 


ભાજપે વોર્ડ નં.૪,૭,૧૧, અને ૧૨માં તમામ નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. જયારે કેટલાક વોર્ડમાં એક જુના જોગીને સાથે રાખીને ત્રણ નવા ચહેરાનો સમાવેશ કર્યો છે. 


ભાજપની યાદી કમ્પલીટ થઇ ગઇ છે અને તેમાં હવે કોઇ ફેરફારની શકયતા નથી, આજ સવારથી ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઇ ગયું હતું બીજી તરફ મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પાર્ટી દ્વારા નકકી કરાયેલા વ્યુહ મુજબ ભાજપની યાદીનો ઇંતજાર કરવામાં આવ્યો હતો અને રાત્રે યાદી પ્રસિદ્ધ થયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ એવી જાહેરાત કરી હતી કે આજે શનિવારે કોંગ્રેસ પોતાના બાકીના તમામ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે. કોંગીએ અગાઉ બે યાદી જાહેર કરીને ૧૮ ઉમેદવારના નામ ડીકલેર કર્યા હતા. બાકીના ૪૬ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ ન હતી અને એ તમામને આજે સીધા મેન્ડેટ આપવામાં આવ્યા હતા.


બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે ત્યારે એ બાબત સ્પષ્ટ થશે કે આખરે ભાજપનાં કેટલા અસંતુષ્ટ ચહેરા કોંગ્રેસમાંથી ચુંટણી લડવાની હિંમત દેખાડી શકયા છે. ભાજપમાંથી કપાયેલા કેસુભાઇ માડમે બળવો કરીને બસપાની ખેસ પહેરી લીધી છે, બીજા કેટલા ચહેરા ભાજપની નારાજ થઇને અન્ય પક્ષમાં જશે એ બાબત પણ બપોર પછી જ સ્પષ્ટ થશે. આજે અંતિમ દિવસે પણ ચિત્ર હજુ અસ્પષ્ટ છે  અને ત્રણ વાગ્યા બાદ જ એ બાબત સામે આવશે કે ભાજપની સામે કોંગીના કયા ચહેરા ચુંટણી લડવાના છે. 


ત્રીજા વિકલ્પ તરીકે ઉભેલી આમ આદમી પાર્ટીના તમામ ૬૪ ઉમેદવાર જાહેર થઇ ગયા છે હવે કોંગ્રેસના પત્તા ખુલ્લે ત્યારે ૧૬ વોર્ડની ૬૪ બેઠક પર ભાજપ, કોંગી અને આપ વચ્ચે ખેલાયેલા ત્રિપાંખીયા જંગમાં કોણ કોણ લડે છે એ બાબત સ્પષ્ટ થશે.


જે ભીતી હતી એ અનુસાર આજ સવારથી ઉમેદવારીપત્રો ભરવા માટે પડાપડી થઇ છે, ખેંચાખેંચી પણ ચાલુ છે, ભાજપના અસંતુષ્ટોને કોંગી ખેંચવાની કોશિષમાં છે, અને આજનો દિવસ ઉમેદવારીની બાબતે અત્યંત મહત્વનો છે. જોઇએ આખરી ચિત્ર શું સામે આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News